Category: લેખ


આપણે દરેક બાબતમાં  વિભાજન  શોધી  જ લઈએ છીએ… પણ વિભાજનથી ક્યારેક એકતા ખોરવાઈ જાય છે. કહેવાય છે ને એક આંગળી કરતા આંગળીઓનો સમૂહ એક મુઠી બનાવે… તાકાત આપે. પરંતુ આપણે સંગઠનને  બદલે દરેક બાબતે વિભાજન શા માટે પસંદ કરીએ છીએ? શોધવામાં કે સમજવામાં સરળતા રહે એટલે કે પછી મહત્વતા દર્શાવવા ? ખેર….

શરીરનું વિભાજન…. માણસે આ વિભાજનની પોતાના અંગથી જ શરૂઆત  કરી દીધી. આખું શરીર કેટલી સુંદર કુદરતી રચના. પણ અલગ અલગ અંગો રૂપી ઉચ્ચારી એની વિશેષતાનું વિભાજન કરી તેની મહત્વતા વત્તા – ઓછા  પ્રમાણમાં ઘટાડી કે વધારી દીધી. જયારે પણ કઈ વાગે એટલે તરત જ એક વિચાર આવે.. અરે ! આ બાજુ જ વાગવું તું..? હવે મારે કામ કેમ થશે ? તો  શું આપણાં માટે બીજી બાજુની કોઈ કિંમત જ નથી?  તેવી જ રીતે આંખ- કાન-નાક એ આપણી ઇન્દ્રિયો છે. અને તેનું કામ વધુ પડે એટલે તેના વિગર ના ચાલે. પણ હા ત્વચા કે વધતી ચરબી ઉપર ધ્યાન આપવું  એટલું વ્યાજબી નથી લાગતું. કારણ કે તે શું કામની? પણ જયારે કોલેસ્ટ્રોલ વધી જાય કે પછી ડાયાબીટીઝ જેવા રોગ થાય ત્યારે આપણને એકએક  એનું  ભાન થઈ જાય છે. આપણે આવી રીતે  આખા શરીરને ધ્યાન આપવાના બદલે શરીરનું વિભાજન કરી આપણી રીતે જ વધુ કે ઓછી મહત્વતા સમજી લીધી છે.

હવે વાત કરીએ  ભણતરની…  ઘણા ને કહેતા સાંભળ્યું છે, આ વખતે  તો  બોર્ડ એટલે વધુ મહેનત કરવાની. મનમાં હમેશાં પ્રશ્ન થાય  એમ કેમ? શું પ્રાથમિક કે હાઈ સ્કૂલમાં વગર મહેનતે પાસ થઇ જવાય છે? આપણી માનસિકતા જ આપણે એવા વિભાજનથી ચીતરી દીધી છે. પ્રાથમિક ધોરણમાં એટલે જલસાથી ભણવાનું, પરીક્ષા આવે ત્યારે રૂમ બંધ કરી ચોપડીઓના થોકડા ભરી અને આખો દિવસ ઊંધે માથે વાચ્યાં કરવાનું.. બાકી તો આખું વર્ષ એને સ્કૂલમાં જલસા પાર્ટી ! અને જો બોર્ડનું વર્ષ હોય ત્યારે તો આખું વર્ષ ભણવાની જ  ક્રિયા ચાલે આવું કેમ વળી ? એ સમજાતું નથી. મેં ઘણા ઘરોમાં જોયું છે કે પરીક્ષા નજીક  આવે એટલે ટેલીવિઝન – રેડિયો ને સંપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ આપી દેવામાં આવે.. પરંતુ પરિણામ તો શૂન્ય જ આવે પાછુ. કારણ કે આપણે ભણતરમાં પણ વિભાજન કરી બેઠા છીએ.. પાયો જ કાચો હોય તો વૃક્ષ નામી જ જશે એ નથી સમજતા.. અને ભણતરના ભાગલા પડી… પ્રાથમિક માં તો ચાલે..પણ બોર્ડનું વર્ષ અગત્યનું એટલે આખું વર્ષ ભણવાનું..એવા નિયમો ભળી કાઢીએ.. અને આ વિભાજનમાં ભણતરને પણ હોમી દઈએ છીએ.

સંબંધોનું વિભાજન…ફેસબુક પર થયેલા ફેરફારોમાં અલગ પ્રકારનું  વિભાજન જોવા મળ્યું .. જે આપણે પહેલેથી આચરતા જ હતા. પણ હવે છડે ચોક બહાર આવ્યું.  ફ્રેન્ડ લીસ્ટ… આપણે મિત્રો તો બનાવીએ છીએ..પણ એ મિત્રતામાં કે સંબંધમાં પણ વિભાજન થઇ જાય છે.. સંબંધી મિત્રો, કાર્યકર મિત્રો, ખાસ મિત્રો, સહપાઠી મિત્રો.. વિગેરે  વિગેરે… પણ આમાં  સાચા મિત્રો કે સાચા સંબંધો કોઈ  હશે ખરા ? બસ, મિત્રો એટલે મિત્રો.. અને સંબંધ એટલે સંબંધ.. એમાં વળી વિભાજન શેનું? ક્યારેક લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોમાં પણ આપણે જોયું છે કે અલગ સંબંધોમાં અલગ પ્રકારે નિમંત્રણ પાઠવવામાં આવે છે. વિભાજન આપણી સરળતા માટે કરીએ છીએ અને આ સરળતાની સાથે આપણે importance જેવું સ્વાર્થીપણું જોડી દઈએ છીએ.

લાગણીનું વિભાજન.. હમેશાં મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. તમને કઈ નથી તો તમે ok  પણ જો તમને કંઈ દુઃખ દર્દ છે તો તમે  બધાથી અલગ તારી જશો. તમારે સામાન્ય થી કંઈ અલગ દર્શાવું છે તો કંઈક દુઃખ દર્દ તો સાથે રાખવા જ પડશે..પરંતુ જે વ્યક્તિનું દુઃખ દેખાતું નથી.. એટલે કે દુઃખને એ વ્યક્તિ વ્યક્ત થવા  દેતા નથી. તેની કદાચ ઉપેક્ષા  પણ એટલી જ થાય છે. દુઃખ પણ દર્શાવવું પડે બોલો…!   એક સુખ દુઃખ જ નહિ.. દરેક લાગણીઓનું પણ આપણે વિભાજન કરી નાખીએ છીએ. પિતાનું મૃત્યુ થાય ત્યારે એક દીકરી વધુ રડે એટલે તેને  દુઃખ વધારે છે તેમ સમજી લઈએ છીએ પરંતુ બીજી દીકરી ઓછી રડે ત્યારે આપણે આશ્ચર્ય કરીએ કે આને કેમ એના પિતાનું દુઃખ નહિ હોય?  બીજી દીકરી કદાચ દુઃખ વ્યક્ત ના કરી શક્તિ હોય. પરંતુ લોકો વધુ રડતી દીકરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.. અને તેની ચિંતા કરતા આશ્વાસન  દાખવશે.  આમ લાગણીઓ તો બન્ને દીકરીઓને સરખી જ થવાની છે. તેનો ભાવ અલગ સ્વરૂપે બહાર આવશે. પરંતુ આપણે તરત જ લાગણીઓનું પણ  વિભાજન કરી નાખીશું.

સંતાનમાં વિભાજન…. સંતાન હોવું એ સૌથી મોટું વરદાન અને સુખ ગણાય. દીકરો આવે તો પેંડા અને દીકરી આવે તો જલેબી એવું શું કામ? પેંડા પર દીકરાની જ શું  જાગીરદારી છે? દીકરો આવે તો વારસદાર જણાય… એક પેઢી આગળ વધી એવું કહેવાય… ઘણી જગ્યા એ તો દીકરો જન્મે તો વધામણી અને નામ પાડવાનો પ્રસંગ થાય છે..પણ દીકરી માં નહિ.. આપણાં આવા  વિભાજનના કારણે જ આજે  ભ્રુણ હત્યા જેવો પ્રશ્ન સળગી રહ્યો છે.. અને બેટી બચાવો અભિયાન આવા વિભાજનનું જ પરિણામ છે..

ખબર નહિ પણ આપણે દરેક જગ્યાએ વિભાજનના આટલા  હિમાયતી  કેમ બની ગયા છીએ?  જાણ્યે  – અજાણ્યે વિભાજન કરી નાખીએ છીએ અને ક્યારેક તો ખુદ આના માથા પરિણામ ભોગવીએ છીએ. આસપાસ નજર નાખી જુઓ. કેટલાય વિભાજન આપણે કરેલા જ જોવા મળશે અને ક્યારેક તો આપણને નડતર રૂપ બનશે જ.

આસપાસ જ્યાં નજર મારી ફરે …

વિભાજનના વિચારો લોકોમાં હમેશાં કેમ રહ્યા કરે.?

ઈશ્વરે માત્ર  આ ખુબસુરત દુનિયા બનાવી… પણ આપણે દેશ, રાજ્ય વિગેરેનું  વિભાજન કરી અને બોર્ડર બનાવી અને દુશ્મનાવટ  ઉભી  કરી નાખી.. ઈશ્વરે માત્ર મનુષ્યો બનાવ્યા..પણ આપણે જાતિ-જ્ઞાતિ, ધર્મ વિગેરેનું વિભાજન કરી અને એક-બીજાને અલગ કરી દીધા. ઈશ્વરે માત્ર હૃદય અને મનની લાગણીઓ બનાવી.. અને આપણે તેમાં પણ સારી-નરસી લાગણીઓમાં વિભાજન કરી નાખ્યું. વિભાજન કરવું સરળ છે..પણ વિભાજનનું ફરી સંયોજન ખુબ જ કઠીન છે.

By – વાગ્ભિ પાઠક પરમાર

આજે ફેસબુક ના જન્મદિને ઘણા સમયથી મારા વિચારોમાં સંગ્રહયેલો એક વિચાર …

ફેસબુકને આપણાં જીવન સાથે જોડવાનો  પ્રયાસ….

ફેસબુકની શરૂઆત જેમ create account  થી થાય છે તેમ આપણાં જીવનની શરૂઆત પણ નામ કરણ થી થાય છે… આપણને  અલગ ઓળખ મળે છે. આપણાં નામથી.. અને આપણાં કામથી …

ત્યાર  બાદ આપણે profile  બનાવવામાં વ્યસ્ત થઇ  જઈએ  છીએ અને જીવનમાં પણ આપણી profile  જ તો તૈયાર કરતા રહીએ છીએ. ફેસબુકમાં qualification , activities , work  , interest આ બધું જેટલા ધ્યાનથી આપણે create અને update કરતા રહીએ છીએ તેટલું જ આપણાં જીવનમાં એટલે કે  લાઈફ બુકમાં  ધ્યાન કેન્દ્રિત કરીએ  તો? ઘણી વખત તો આપણને પણ ખબર નથી હોતી કે ખરેખર આપણને ગમે  છે શું.? જે નથી ગમતું એનું કારણ શું?  જીવનમાં બે જ હિસાબ(જવાબ) હોત તો? હા  કે ના.. આ વધારાનું… બાકી, થોડુક.. એટલે કે અલ્પવિરામ, પ્રશ્નાર્થ આ બધામાં  આપણે સમય તો વ્યર્થ કરી જ દઈએ છીએ સાથે સાથે સચોટ માર્ગદર્શન કે દિશા પણ મળતી નથી.. ફેસબુકમાં કોઈક આપણી profile  (info ) જોઇને જેટલું  impress  થાય તેટલું જ આપણાં જીવનને અને આપણને જોઇને પણ impress  થવું જરૂરી  છે.

હવે વાત કરીએ friends ની..વાહ ફેસબુકની  જેમ આપણી લાઈફ બુકમાં પણ બધા મિત્રો સમાન બની રહે તો..! આ generation  gap  લાગે જ નહિ.. ફેસબુકમાં  friend  list  થી લાઈફ બુક ઘણું મળતું આવે છે.. વિભાજન.. આપણે ખબર નહિ  કેમ? પણ સરળતા માટે અલગ અલગ વહેચી વિભાજન કરીએ છીએ કે પછી આપણાં સંબંધોની મીઠાશમાં સ્વાર્થીપણાનું કડવું ઓસડ કે મીઠું ઝેર ભેળવવા એ સમજાતું નથી. પણ ફેસબુક કે લાઈફબુક બન્નેમાં સંબંધો કે મિત્રતામાં પણ આ ભાગલા શા માટે … ? કદાચ આ માટે જ આપણી લાઇફમાં પણ સંબંધોની મધુરતા કે નિકટતા રહી નથી.. ફેસ બુકની જેમ લાઈફ બુકમાં પણ નવા સભ્યો subscriber ની જેમ ઉમેરાતા હોય  છે…  પણ ક્યારેક ego  તો ક્યારેક નિકટતા નો યોગ્ય સમય શોધાતાં હોય..

ફેસબુક ની જેમ આપણી લાઈફબુકમાં પણ જે પસંદ પડે તેને like  એટલે કે અપનાવી શકાતું હોત તો ! અને  comments  રૂપી અસ્વીકાર કે ટીપ્પણીઓ દર્શાવી  આપણી રજૂઆત કે દલીલો સ્પષ્ટ કરી  શકતા હોત તો! ઘણા તો કોઈ સારી વાત, વિચાર કે વસ્તુમાં પણ  like  કરવામાં લોભિયાવેળા કરતા હોય છે. અરે..! સારું એ તો સારું અને સુંદર જ છે.. એમાં વળી શું કંજુસાઈ..? પણ, ક્યારેક એવું લાગે કે શું એ લોકો લાઈફબુકમાં  પણ બીજાનું વખાણવા  આટલા  ડરતા હશે  કે પછી પોતાની જ દુનિયામાં I  mean  wall  માં ખુશ હશે..

ફેસબુકની wall માં જેમ આપણાં મનની વિડંબણાંઓ કે શબ્દાવલીમાં ગુંથેલા વિચારો વર્ણવી શકતા હોત..હા, ફેસબુક ની જેમ એક – બીજાના વિચારો આપણી લાઈફ બુક માં share  થતા હોય છે પણ ક્યારેક શું આપણે અંગતમાં કહેલી વાત પણ બહાર આવી જાય એવું બને છે.. એટલું જ નહિ પાડોશી ધર્મ ની જેમ ક્યારેક ઘટતી ખૂટતી વસ્તુ લઇ ગયા હોઈએ પણ  પૂછ્યા ગાછ્યા  વગર તો જીવનમાં પણ આવા લોકો  મળતા  હોય..અને આપણી વસ્તુ (રચના ) લઇ જાય (ઉઠાંતરી પણ થતી હોય) પણ ફરી પાછી  ના આવવાની અપેક્ષા   એ જાણ તો કરતા હોય..

ક્યારેક message  રૂપે  એક-બીજાને ખબર અંતર પણ પૂછતા હોઈએ.. ક્યારેક chat  રૂપી meetings  કે કીટીપાર્ટી  ગોઠવતી હોય તો ક્યારેક event  થકી પ્રસંગો પાત મળવાનો આનંદ હોય.. અને ક્યારેક photos  videos  સ્વરૂપે ફેસ બુક થકી લાઈફ બુકમાં ડોકિયું કાઢતું હોય છે… ફેસ્બૂકમાં privacy  એ તો લાઈફ બુકની પણ જરૂરીયાત છે..ક્યારેક તો આપણાંથી પણ આપણને  એકાંત  જોઈએ  છે.. અને security  હોય એટલે કે લાઈફ બુકમાં (છત) વડીલોનો આધાર હોય પછી જીવન કેવું હૂફ આપનારું અને ચિંતામુક્ત લાગે.

ફેસ બુકમાં જેમ notes  લખીએ તેમ આપણી લાઈફ બુકમાં પણ એક ડાયરી  લખવી અનિવાર્ય છે.. આપણાં વિચારો, સ્વપ્નો, મહત્વાકાંક્ષા, અવિસ્મરણીય ક્ષણો  આ બધું જ તો  સમાયેલું છે… તેવી જ રીતે ફેસ બુક page  પણ આપણાં achievements , આપણી અલગ ઓળખ  અને જીવનના અનેક તબક્કો દર્શાવતું લાગે છે.. ફેસબુકમાં group  નું સર્જન લાગે છે જાણે અલગ અલગ ભાષા, પ્રદેશ અનેક  વિવિધતા, રીત-રીવાજો અને શોખ – સાહિત્ય ની સફર કરાવતું હોય.

હા.. પણ ફેસ બુકની જેમ લાઈફ બુકમાં પણ enter થવા માટે યોગ્ય log in અને passward ની એટલે કે યોગ્ય પથ અને માર્ગદર્શ ની જરૂર ચોક્કસ રહે છે. ફેસ બુકમાં ભલે account  deactivate  થાય તો નવું account  બની જશે. પણ લાઈફ બુકમાં જો  deactivate  થઇ જઈશું  તો  મૃત્યુ નજીકમાં જ છે. ફેસ બુક કે લાઈફ બુક બન્ને નો ઉદેશ્ય તો માત્ર  પ્રવૃતિમય રહેવાનો જ છે.  ફેસ બુક અને લાઈફબુકને જોડાવાના પ્રયાસમાં હજુ ઘણા પાસા અને વિભાગો રહી જાય છે.. પણ જેટલું શોધીએ તેટલું તો મળતું જ રહેવાનું છે. એટલે જ લાઈફ બુક આપણી અખૂટ છે… એટલે એક જીવન પણ ઓછુ પડે..

ફેસબુક ને લાઈફ બુક સાથે જોડવાનો પ્રયાસ – by  – વાગ્ભિ પાઠક પરમાર

જીવમાં પ્રાણ પૂરે છે છતાં સજીવ નથી…

સાથે રહે છે છતાં સંબંધ નથી…

વિખુટા પડે છે છતાં શત્રુ નથી…

ખુદ નિર્ણય કરે છે છતાં સ્વતંત્ર નથી…

હા… આ છે સંબંધ… સંબંધ અને મનુષ્ય એકબીજાની સમાંતર છે… મનુષ્યની જેમ સંબંધ પણ સજીવ લાગે છે…

સંબંધ એક લાગણી છે. આપણાં  જીવનમાં  પ્રાણ પૂરે છે છતાં તે સજીવ નથી, પરંતુ જયારે વ્યક્તિઓ વચ્ચે  સંબંધ ના રહે ત્યારે જીવન પ્રાણ વિનાનું લાગે છે. વ્યક્તિ ભેગા થાય અને સમાજ બને છે  પછી સંબંધો વિકસે છે પરંતુ એ સમૂહ નહિ પણ સંબંધમાં બંધાયેલો સમાજ કહેવાય છે. એક સંયુક્ત કુટુંબ સંબંધોના તાંતણે બંધાય સાથે રહે છે…એટલે તેને સમૂહ ન કહેતા સંબંધ જ કહી શકાય.

વળી, પ્રેમસંબંધ  હોય કે અન્ય કોઈ લાગણીભીના સંબંધ…પણ એક બીજાના વિચારોમાં  વિવિધતા  જોવા  મળે  છે. મતભેદ અને મનભેદ થઇ સંબંધો તૂટે પણ છે…એક બીજા છુટા પડે છે. છતાં સંબંધ કોઈ શત્રુ નથી.  પોતાના સ્વતંત્ર નિર્ણયો સાથે વિચારોની આપ લે કરી સંબંધ બંધાય છે છતાં એક તાંતણે બંધાઈ લાગણી વહાવીએ છીએ..અને એક બીજા પર નિર્ભર થતા સ્વતંત્ર રહી શકતા નથી. એક બીજાના થઇ સંબંધ જીવંત રહે છે.

મનુષ્ય જીવનના ત્રણેય કાળ… બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા… તો સંબંધોના ત્રણ ચરણો અસ્તિત્વ, સાતત્ય અને વિચ્છેદ…

બાળકના જન્મ સાથે જ દરેક સંબંધો અસ્તિત્વમાં આવે છે.  યુવાવસ્થામાં પ્રવેશ થાય  તેમ સમય જતા સંબંધોમાં  સાતત્યતા જળવાય છે. અને વૃદ્ધાવસ્થામાં  મૃત્યુનો  ઘંટનાદ સંભળાય છે. તેમ સંબંધો પણ મૃત્યુ પામે છે એટલે કે તેમનો  પણ નાશ થતો જાય છે.. વિસરાતા જાય છે… જીવનમાં આકસ્મિક રીતે મૃત્યુ સર્જાય તેમ ઘણા સંબંધો ટૂંકાગાળાના બની જઈ વિચ્છેદમાં પ્રવર્તે છે.

દરેક સંબંધો  એકસરખા કે આજીવન રહેતા નથી.. આપણી બાલ્યાવસ્થામાં સાથે રમતા અને ભણતા સહપાઠી મિત્રો અને જ્ઞાન આપતા  બધા  શિક્ષકોમાં અમુક સાથે જ સંબંધોનું અસ્તિત્વ જીવંત રહે છે.. યુવાવસ્થામાં સાથ આપતા મિત્રો કે પ્રેમસંબંધોનું  તો કદાચ અસ્તિત્વ જ નાશ પામે છે અને વૃદ્ધાવસ્થામાં કોઈ મૃત્યુ પામેલ કે  વિખુટા પડેલ સંબંધનું સ્મરણ થઇ જાય છે.

 સંબંધ ભલે હોય એક લાગણીનો સ્પર્શ…
રહે છે સદા તેનાથી હર્ષ…

આપણે સફળ થનાર વ્યક્તિઓ કરતા લોકપ્રિય વ્યક્તિઅઓના વધુ ચાહક છીએ… સફળતા મહેનતથી મળે છે, તો લોકપ્રિયતા સફળતા અને નસીબજોગે મળે છે.. દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં પરિશ્રમ  થકી  સફળતા તો મેળવી જ લે છે. પરંતુ લોકપ્રિયતા અમુકને  જ જઈ વરે છે. અંતે તો પરિશ્રમ અને સફળતા જ કામ આવે છે. વળી, જુદા જુદા ક્ષેત્રોમાં લોકપ્રિયતા પામતા લોકોને થોડા સમયમાં લોકો સમયાંતરે ભૂલવા લાગે છે… એટલે કે તેમની લોકપ્રિયતા મહદઅંશે ઓછી થતી જાય છે.

જેમ ક્રિકેટમાં સચિન તેંડુલકર, ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, ગાયનમાં લતા મંગેશકર… વગેરે વગેરે..આપણને વધુમાં વધુ સારું જોઈએ છે અને આપણે સફળતાની  પણ તુલના કરવા લાગીએ છીએ.  મારા મતે   સફળતા જ એક એચીવમેન્ટ   છે. લેખક, કલાકાર સુધી જ સીમિત નહિ….આપણે તો નવી  વસ્તુઓમાં પણ વધુ પ્રચલિત હોય તેના પર પ્રથમ પસંદગી ઉતારીએ છીએ.. ખરું ને!

આપણે સફળતા  નહિ પણ લોકપ્રિયતા ને વધુ વફાદાર રહીએ છીએ.. લોકપ્રિયતાની  માત્રા કદાચ સફળતા કરતા ઓછી હોય શકે..આ માટે જ કદાચ  આપણે લોકપ્રિયતા પર વધુ વફાદાર અને જાગ્રત રહીએ છીએ કે પછી આપણને  લોકપ્રિયતાનો એવો તો નશો ચડ્યો છે કે આપણે સફળ થનારી વ્યક્તિઓને અવગણવા લાગ્યા છીએ. એટલે કે મહેનતથી મળેલી સફળતા કરતા નસીબથી મળેલી લોકપ્રિયતા પર વધુ કેન્દ્રિત બનાયા છીએ?

જીવન એક અમૂલ્ય ભેટ છે, પરંતુ આ ભેટ જયારે અભિશાપ લાગવા માંડે ત્યારે ? આજે જીવન અતિશય ઝડપી અને યાંત્રિક થઇ ગયું છે. બસ, યંત્રની જેમ દરરોજ રાત્રે ઊંઘ કરી ચાર્જ થઇ જવાનું અને ફરી પાછા દિવસ દરમિયાન એ જ ઝડપે કામે લાગી જવાનું. દિવસ દરમિયાન જીવન જીવવાનો લાગતો આ ડર કેવો વિચિત્ર અનુભવ છે! હા, રસ્તા પર ચાલીએ  કે વાહન ચલાવતા અકસ્માતનો ડર, બહારગામ મુસાફરી કે અન્ય શહેરોમાં રહેવામાં બોમ-બ્લાસ્ટનો ડર . અરે..! ક્યારેક તો સ્વયંને સચોટ સાબિત કરવા માટે લાગતો ડર, તો ક્યાંક પતિ-પત્નીને લગ્નજીવનનો ડર, માતા-પિતાને સંતાનના ઉજવળ ભવિષ્યનો ડર. બહારના ખાન-પાનમાં બીમારીનો ડર.. બસ, આ બધામાંથી સ્વયંને પણ સ્વયંથી લાગતો ડર… લાગે છે જીવન જીવવાનો ડર……

આજે જીવન કોઈ જગ્યાએ જીવંત અને સલામતી ભર્યું રહ્યું નથી. આપણાં જીવનમાં દરેક બાબતે “ડર” એટલો સાહજિક થઇ ગયો છે કે ડગલે ને પગલે આપને અસંખ્ય ડરથી ઘેરાય ગયા છીએ અને આ ડરના કારણે જ આપણી માનસિકતા ખતમ થવા લાગી છે. વિનાકારણ ગુસ્સો, કંટાળો, નિરાશા, ઉદ્વેગ આ બધું જ ઘેરવા લાવે  છે. આજે સુખ અને શાંતિથી કોઈ ડર રાખ્યા વગર જીવન જીવનાર કોઈ વ્યક્તિ રહ્યું નથી. જીવનને એક અમૂલ્ય ભેટ માનનાર કોઈ વ્યક્તિ, સમાજ કે વિશ્વ આ ડરથી બાકાત નથી. દરેકને સતાવે છે જીવન જીવવાનો ડર…

ભવિષ્યની ચિંતાઓ, વર્તમાનનું વલણ અને ભૂતકાળના ભયસ્થાનો દરેકના જીવનમાં વહેતા રહે છે. આપણે ભલે આધ્યાત્મિકતાની વાતો કરીએ પણ તે માત્ર થોડા સમય પુરતું જ રહે છે… પરંતુ ફરી પાછા એ જ યંત્રવત જીવન જીવવા લાગીએ છીએ.  આપણે પણ જાણીએ છીએ કે વ્યવહારિક જીવનમાં આધ્યાત્મિકતા વિચારમાત્ર રહી જાય છે. શું આપણે બોમ્બ વિસ્ફોટ વખતે કે કોઈ અકસ્માત વખતે આધ્યાત્મિક વિચારો કરી શકીશું? નહિ ને ! એ શક્ય જ નથી લાગતું..

સુખ અને શાંતિ કોને ગમતી ના હોય ? પરંતુ ઘટના કે સંજોગ જ એવા બની જાય, તો જીવનમાં યંત્ર બની જ જવું પડે છે. શું નોકરીમાં ઉપરી અધિકારીને કોઈ વ્યક્તિ આધ્યાત્મિકતાના વિચારો વર્ણવી નોકરી બચાવી શકશે ? કે પછી ફિલ્મોની માફક આકર્ષક સંવાદો બોલી પતિ-પત્ની પોતાનું લગ્નજીવન બચાવી શકશે? જયારે જીવનમાં કોઈ ડર રહેતો નથી અને કોઈ ઈચ્છા જ રહેતી નથી ત્યારે કદાચ આવી વાતો અને વિચારો સહજ લાગે.. પરંતુ કદાચ આપણા માટે આ વાત શક્ય નથી. આ બધા ડરમાં પણ જીવન જીવવાની અલગ મજા છે.

જીવનમાં લાગતો આ ડર એક ભાગ સ્વરૂપ હોય શકે. બરોબર ને ! ભલે હસતા કે રડતા આ ડરને જીરવવો જ પડે છે અને આ તો જીવનનો એક ભાગ છે. તેમ છતાં આપણી ઈચ્છાઓ એટલી બધી પ્રબળ થઈ જાય છે કે ક્યારેક આપણને પણ સમજાતું નથી કે આપણે ખરેખર શું મેળવવું છે અને આજ ઈચ્છાઓ – અપેક્ષાઓ આપણને ડરની વધુ નજીક લઇ જાય છે. તો પછી આપણે જીવનમાં શા માટે આટલા બધા ડરથી ડરીએ છીએ. ડરથી ડરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકતો નથી કે જીવન સરળ પણ બની જતું નથી. પરંતુ ડરને જીવનનો એક ભાગ માની એ બનાવ કે ઘટનાને કાળક્રમે ભૂલી જવો જ હિતાવહ છે. ડરનો હિંમતભેર સામનો કરવાનો છે. દરેક દિવસો એકસરખા રહેવાના નથી ક્યારેક ડરનું વાતાવરણ હશે તો ક્યારેક સુખમય દિવસો… તો પછી જીવન જીવવાનો ડર શાનો…?

by Vagbhi Pathak on Saturday, October 22, 2011 at 12:40pm

રિવાજ તારણ કે કારણનું વિજ્ઞાન…

કે પછી રિવાજના નામે સમાજને દેખાડો …?

લગ્ન  હોય કે મૃત્યુ મનુષ્ય માટે દરેક પાસા  સામાન્ય કરતા કંઈક વિશેષ છે…

જો વિજ્ઞાનની રીતે જોઈએ તો દરેક રિવાજ પાછળ કોઈ ને કોઈ તારણ અને કારણ જવાબદાર છે..

એમાં જન્મ, લગ્ન અને મૃત્યુ આ ત્રણ વધુ મહત્વના બની જાય છે… આપણા વડીલો અને સમાજ રિવાજ છે એમ કહી અને બધી જ વિધિઓ કરાવે  છે.. પણ તેની પાછળ કંઈક તો લોગિક હોવું જોઈએ ખરું ને.. !

ગર્ભાવસ્થા દરમિયાન સીમંતનો પ્રસંગ  થાય છે.. હું માનું છુ ત્યાં સુધી કદાચ આવનાર બાળકના જન્મ પહેલાનો ઉત્સવ કે જેનાથી આવનાર બાળક માતાના ગર્ભમાં જ ખુશીઓ અને આનંદનો અભાસ કરી શકે..આપણે જેને રાખડી અને રક્ષા કહીએ છીએ કદાચ એનો હેતુ માતા અને બાળકની રક્ષા એટલે કે અમુક ખાસ ધાતુથી બનેલી હોવાથી શક્તિ અને શાંતિ પ્રદાન કરતુ હશે..

લગ્નમાં સૌથી દર્દનાક અને લાગણી સભર રિવાજ “કન્યાદાન” …સમાજ કહે છે કે કન્યાદાન સૌથી મહાદાન છે… હવે કારણ અને તારણ.. વિચારી જુઓ.. ૨૦ વર્ષ માટે નાણાં  પુંજી ભેગી કરી હોય અને એકએક કોઈ અજાણ્યા વ્યક્તિને સોપવી પડે તો શું થાય..? તો પછી આ તો કાળજાનો કટકો છે.. ૨૦ વર્ષ જેનો છોડની જેમ ઉછેર કર્યો.. સિંચન કર્યું.. અને હૃદયમાં વસવાટ કર્યો.. બસ  એક જ ઝાટકે કોઈ અજાણ્યા વ્યક્તિને સોપી દેતા કયા માં-બાપનો જીવ ચાલે..? તેમ છતાં આમ કરવાનું છે.. એટલે કદાચ કન્યાદાન એ મહાદાન છે.. પણ આપને રિવાજ છે અને કહેવાય છે..એમ માની અને મૂંગા મોઢે રીવાજો નિભાવ્યા કરીએ છીએ.. એવું પણ નથી કે બધા પાછળ તારણો અને કારણો શોધવા પડે.. આતો રિવાજના નામે ઠોકી બેસાડતી  ફરજીયાત વિધિઓ અને વ્યવહ્રોનું વિશ્લેષણ કરવું તેટલું જ જરૂરી બની જાય છે..

જીવનનો અંતિમ સમય મૃત્યુ… મૃત્યુ સમયે સ્વજનોને જાણ કરવામાં આવે છે..ઘરના સભ્યો, કુટુંબીઓ, સ્વજનો  એકઠા થાય છે… દુઃખ હળવું કરવા.. ઘરના સભ્યોને સાત્વના આપવા.. પણ હવે આ રિવાજ દેખાવ બની ગયો છે… ઈચ્છા હોય કે ના હોય સમાજને દેખાડવા માટે જવું પડે… રિવાજ છે.. ખરાબ લાગે… આપણી પાછળ કોણ આવશે.. એવા વાક્યો સંભાળવા મળે..

હવે વિજ્ઞાનથી  અલગ દેખાવની વાત.. આજે દરેક પ્રસંગો દેખાવ માત્ર  બની ગયા છે..

પહેલા તો લગ્નમાં જ મંડપો બંધાતા, કેટરર્સ રાખતા અને સંગીત કાર્યક્રમો થતા.. પણ હવે તો મૃત્યુ પાછળ પણ આ બધું થાય છે… લગ્ન હોય કે મૃત્યુ બધું સમાન બની ગયું છે… કારણ કે  સમાજમાં રિવાજના નામે દેખાડો કરવો છે.. facilityના નામે, આધુનિકતા નામે  દેખાડા શરૂ કરી સાચું મૂલ્ય ભૂલી બેઠા છે. લગ્નની જેમ મૃત્યુ માં પણ હવે વેશભૂષા  જોવા મળે છે. કોઈના મૃત્યુ પાછળ  લોકો મંત્રોચારના બદલે  ભજનો અને ગીતો સાંભળતા થયા છે.. અને લગ્નમાં  બસ ફોટો અને વીડિઓ પાછળ કોઈક વાર  ફેરા પણ રી-સુટ થાય છે..  તો પછી સપ્તપદી સંભાળવાની  કે સમજવાની વાત જ ક્યાં આવે..?

બીજી વાત એ પણ છે કે વધુ કરશો તો લોકો વેદિયા કહેશે અને ઓછું  કરશો તો લોકો આધુનિક કહેશે…

લગ્નમાં વધુ ઝાકઝમાળ અને વ્યવસ્થા હશે તો લોકો વખાણ ની સાથે વેદિયા  અને પુરાતનકાળના કહી હાસી ઉડાવશે.. અને સદી  એટલે કે આર્યસમાજની જેમ  લગ્ન થશે તો લોકો ગરીબ કે વધુ પડતા ફોરવર્ડ કહેશે…તેવું જ મૃત્યુ ના પ્રસંગમાં જોઈ લો… વર્ષે વરસી કરશે એટલે વેદિયા.. અને  મહિના દિવસ માં વરસી એટલે ફોરવર્ડ… તેમાં પણ કોઈનો સારો પ્રસંગ આવતો હોય તો flexible  decision ..વાહ આવા રિવાજ.. અને વાહ આવો સમાજ…

અત્યારનો સમાજ પહેલાની અવેજીમાં  આટલો સાક્ષર, સભ્ય અને માહિતીપ્રદ બન્યો છે પણ એનો શું મતલબ… રિવાજના નામે દેખાડો કરવાનો..?  ખરેખર, આજના  સંબંધો અને પ્રસંગો માત્ર formality  બની ગયા છે… કોઈના જન્મ સમયે ખુશી અને મૃત્યુ સમયે દુઃખ પ્રગટ કરવું હવે મુશેલ બનતું જાય છે..

રીવાજ…….તેની પાછળનું વિજ્ઞાન(કારણ અને તારણ)….અને રિવાજ ના નામે દેખાવ….. કેટલું યોગ્ય…?

જન્મ આપનારી માતા કે પાલક માતા બંનેમાં કોણ શ્રેષ્ઠ ?

ગઈકાલે રાત્રે હું દરરોજની   જેમ મારી દીકરીને સુવડાવવાની કોશિશ કરતી હતી… પણ કાલે એણે મને સુવડાવી દીધી.. મારી ટેવ કે હું આંખ બંધ કરી અને એના માથા પર થપથપાવું..અને એ થોડી વારમાં સુઈ જાય…પણ કાલે મારી આંખ બંધ હતી અને એ મારી સાથે રમત કરતી હતી… ધીમે ધીમે માથા પર મારી જેમ પોતાનો નાના હાથથી  થપથપાવા લાગી…અને તેના બદલે હું સુઈ ગઈ.. થોડી વાર પછી ઉઠીને જોયું તો બહેનબા પણ સુઈ ગયા હતા .. પછી મનોમન હસવું આવી ગયું… કે માં જેમ સંતાનોનું ધ્યાન રાખે છે..તેમ બાળપણમાં નિખાલસ ભાવે પણ સંતાનોને  માની એટલી જ ચિંતા થતી હશે ..?

 

અને યાદ આવ્યો એક કિસ્સો… સાંજે જ એક ન્યુઝ ચેનલમાં જોયું કે એક જન્મ આપનારી  માતા પોતાના સંતાનનું  ભરણપોષણ ના કરી શકતા એક અન્ય સ્ત્રીને પોતાનું સંતાન સોપી દે  છે.. અને થોડા વર્ષો પછી પોતાના સંતાનની માગણી કરે છે… અને હવે પાલક માતા તે સંતાનને જ્યાં પોતાનું ગણી લાલન પાલન  કરે છે ત્યાં જ તેને જન્મ આપનારી માતા કોર્ટમાં જે કેસ ચલાવી પોતાનો હક્ક જણાવતા સંતાનને ફરી પાછું પોતાની પાસે ઈચ્છે છે… ઘણા બાળકોને એક માં પણ નથી હોતી..ત્યાં આ દીકરીને બે માતાઓ છે.. છતાં કઈ માતા પાસે રહેવું તેનાથી અજાણ છે…

 

જન્મ આપનારી માતા  કે પાલક માતા બંનેમાં  કોણ શ્રેષ્ઠ કે કોણ વધુ યોગ્ય તે કળવું અત્યંત મુશ્કેલ કે અશક્ય કહી શકાય… કદાચ શ્રી કૃષ્ણને પણ આવી દુવિધા  થઇ હશે.. પણ સારું હતું ત્યારે ન્યાય કોઈ અદાલતમાં થતા ન હતા.. અને ન્યાય આપનારા પણ કદાચ આટલા જ દુવિધામાં હશે…? કે જે માં એ સંતાનને અસ્તિત્વ આપ્યું એ જન્મ આપનારી માતા પર  બાળકનો અધિકાર  વધુ કે અજાણ્યા બાળકને પણ પોતાનું સમજી અને પાલન-પોષણ કરનાર પાલક માતાનો અધિકાર વધુ..? અને  એ સંતાનનું શું કે જે આ બધાથી એક દમ  અજાણ છે..? અને તે સંતાનનો નિર્ણય શું હોવો જોઈએ..?

આપણે હમેશા આપણા સ્વાસ્થ્યને શરીર સાથે સરખાવીએ  છીએ. શરીર રોગમુક્ત  એટલે તંદુરસ્તી અને તેમાં પણ મેદ્સ્વીતાનો  સમાવેશ દુર્વ્યયી છે. પરંતુ આ માન્યતામાંથી બહાર આવવું તેટલું જ જરૂરી છે… કહેવાય છે ને “પહેલું સુખ તે  જાતે નર્યા”.. માત્ર શારીરિક   સ્વાસ્થ્ય નહિ પણ માનસિક સ્વાસ્થ્યની પૂર્ણતા પણ જરૂરી છે..

શારીરિક રોગો થવાનું મૂળ પણ માનસિક અસ્વસ્થતા માંથી જન્મે છે.. આપણે હમેશા શારીરિક રોગોના કારણોમાં અનુક્રમે ખોરાક, બેઠાડું જીવન,  રહેણી કહેણી આ બધાને આધારભૂત ગણાવીએ છીએ પરંતુ માનસિક રીતે અસ્વસ્થ એટલે કે ઉચાટ મન, ચિંતા, ક્રોધ, ભય, દુઃખ આ બધા પર્બલોને કરને પણ શારીરિક સ્વાસ્થ્ય ખોરવાય છે.  શારીરિક રોગોનું ત્રણ અને કારણ અમુક ટેસ્ટ કરાવવાથી કદાચ જણાય પણ આવે, પરંતુ માનસિક અસ્વસ્થતા કે તેના લીધે થતા શારીરિક રોગ નું કારણ કોઈ ટેસ્ટ થી પારખી  શકાતું  નથી..

હવે  વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય વિશે… માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાન,  કસરત, સંગીત સાંભળવું કે પછી મનગમતી કોઈ પ્રવૃત્તિ વગેરે  માં રસ કેળવવો આ બધા સ્ત્રોત કહી શકાય.. જેમ શરીરને નિરોગી રાખવા માટે મળશુદ્ધિ, સ્નાન વગેરે જરૂરી છે.. તેમ મનને શુદ્ધ એટલે કે  નિરોગી  રાખવા માટે મનગમતી પ્રવૃતિઓમાં રસ કેળવવો જરૂરી છે.. મનગમતી પ્રવૃતિઓમાં ગાર્ડનીંગ, વોકિંગ, રીડીંગ વગેરે શોખ કેળવવા જોઈએ.

માનસિક અસ્વસ્થતા એ કોઈ રોગ નથી… આપણે અહી વાત કરીએ છીએ શારીરિક રોગ થવાના મૂળ કારણ અને પૂર્ણ સ્વસ્થતાની… માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ દરેક વાત કે વ્યવહારને સાહજિક રીતે લે છે..દરેક પ્રકારે  હકારાત્મક વિચારશરણી અને  શાંત તેમજ આનંદિત-પ્રફુલ્લિત સ્વભાવ માનસિક સ્વસ્થતાની નિશાની છે.

માનસિક અસ્વસ્થતા થવાના ઘણા કારણો છે.. નોકરીમાં રહેતું ટેન્શન, કૌટુંબિક તણાવ, સામાજિક ઘર્ષણ…પણ  આ બધું તો આજીવન રહેવાનું જ છે. આપણે જીવનના આ વ્યવહારોમાંથી નીકળી શકવાના નથી. બસ, આ માટે જ આવા  પરિબળોથી થતી માનસિક અસ્વસ્થતા દુર કરવા માટે થોડો સમય સ્વયંનું અવલોકન  કરવું  જોઈએ અને મનગમતી પ્રવૃત્તિ માં પણ થોડો સમય પસાર કરવો જોઈએ. આપણને જીવનમાં ઘણી જાતના ડર છે… તેમાંથી બહાર આવવા  આધ્યામિકતાના માર્ગ તરફ વળવું આવશ્યક  છે.

આ માનસિક અને શરીરક સ્વાસ્થ્યને જાણવું અને જાળવવું જરૂરી છે.. બંને  માટે આપણે  સ્વયં સાથે તાલમેલ બેસાડવો અને ચિંતન કરવું જોઇએ.

Follow

Get every new post delivered to your Inbox.

Join 66 other followers