Latest Entries »

Advertisements

પુરૂષ સંવેદના………………

સ્ત્રી સંવેદના વિશે હર કોઈ વાત કરે છે… પણ પુરુષની સંવેદના વિશે કોઈ વિચારે છે પણ ખરા..?

જેમ એક સ્ત્રી માં બને પછી જ પૂર્ણ સ્ત્રી બને છે… તેમ પુરુષ પિતા બને પછી જ સંપૂર્ણ બને છે..

ત્યાં સિવાય પુરુષ અધુરપ જ મહેસુસ કરે છે. હા, સ્ત્રી હંમેશા પોતાની વાત કે પોતાના વિચારો કોઈ ને કોઈ સ્વરૂપે વર્ણવી શકે છે પરંતુ પુરૂષ ક્યારેય પોતાની વાત કે પોતાના વિચારો વ્યવસ્થિત સ્વરૂપે કહી શકતો નથી. કારણ કે પહેલેથી જ એવું માની લેવામાં આવ્યું છે કે સ્ત્રી એ લાગણીશીલ છે તો શું પુરૂષ લાગણીવિહીન હોય છે? ના, કદાચ પોતાની લાગણી સાચી અને સાદી રીતે વર્ણવી શકવામાં સ્ત્રી જેટલો ચપળ પુરૂષ બની શકતો નથી. અને નાળીયેરની જેમ બહારથી હંમેશા સખ્ત દેખાતો પુરૂષ અંદરથી કે અંતર મનથી ક્યારેક મૃદુ પણ બની શકે છે… એવું આપણે વિચાર સુદ્ધા કરતા નથી. એક વર્ગ, વ્યક્તિ કે સમુહ કોઈક વાર ખોટું કે ખરાબ એટલે દર વખતે અને દરેક એવા એવું સમજી લેવું શું યોગ્ય છે..?

ગમ્મે તેટલા અભિમાનમાં સ્વમાનમાં જીવતો પુરુષ જયારે સંતાનનો પિતા બને છે ત્યારે તેમાં પુરુષત્વ કરતા પ્રેમાળ, દેખભાળ અને ચિંતા કરનાર પિતા નજર આવે છે. ઘણી વખત આ ચિંતા, લાગણીઓ મૌન બની જતી હોય છે. અંતરમાં રહી જતી હોય છે. માં, બહેન, પત્ની કે પ્રેયસી સામે પુરુષત્વ દાખવતો એ વ્યક્તિ દીકરી સામે માત્ર અને માત્ર એક પિતા બની જાય છે. દીકરી માટે એના બધા જ સમીકરણો બદલાઈ જઈ એક પ્રેમાળ પિતા બની જાય છે. તો ક્યારેક એ જ પિતા પોતાના દીકરામાં પોતાનું જ પ્રતિબિંબ જુએ છે. દીકરામાં તેને પોતાનું બાળપણ અને યુવાની દેખાયા કરે છે.

માં એક ઉત્તમ શિક્ષક છે જે સંસ્કાર, સભ્યતા અને વિચારો શીખવે છે જયારે જીવનમાં આવતા સંઘર્ષો, નવા માર્ગોમાં પિતા એક માર્ગદર્શક બની રહે છે. પિતા એક વટવૃક્ષ છે જેની છત્રછાયામાં સંપૂર્ણ પરિવાર હૂફ અનુભવે છે.

#vagbhi✍️

ઇનડીપેન્ડન્ટ કે ઇન – ડીપેન્ડન્ટ…??

મારી દીકરીને શબ્દો છુટ્ટા પડવાની, શબ્દો સાથે રમત કરવાની ગજબ ટેવ એટલે આ પ્રશ્ન મને મારી દીકરીએ પૂછ્યો હતો. અને આ શબ્દોમાંથી મને નવું કઈક લખવાની ઈચ્છા થઈ.

આમ જોઈએ તો સ્વતંત્રતા આઝાદી દેશ માટે જ કેમ ? દેશને આઝાદ થયાનો દિવસ ઉજવીએ છીએ પણ સમાજના બંધનો કુરિવાજો…એટલે કે આમાંથી આઝાદ થયાનો દિવસ કોણ જાણે ક્યારે ઉજવીશું ?

વાણીની સ્વતંત્રતા તો મળી ગઈ, પણ વિચારોની સ્વતંત્રતા ક્યારે ??

આઝાદી એટલે ભલે આપણે દેશના સ્વતંત્રતા પર્વ તરીકે મૂલવીએ અને ઉજવીએ પણ જો આ શબ્દને વિસ્તારીએ તો કેટલીયે આઝાદીનો સંકલ્પ આજે આપણે કરી શકીએ ?

વ્યસનમાંથી આઝાદી, શારીરિક રોગોમાંથી મુક્તિ મેળવવાની એટલે કે રોગમુક્ત શરીરની આઝાદી… કૂપમંડૂક વિચારદ્રષ્ટિ માંથી આઝાદી… અસામાજિક તત્વોમાંથી આઝાદી… દેશની જ કેટલીયે સમસ્યાઓ જેવી કે, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આર્થિક, રાજકીય, આતંકવાદ આ બધામાંથી મળતી આઝાદી… આમ જોઈએ તો અંગ્રેજો કરતા પણ ખતરનાક અને ઘાતક છે આ ગુલામી. અંગ્રેજોએ ૧૦૦ વર્ષ રાજ કર્યું, પણ અમુક સામાજિક કુરિવાજો તો તેનાથી પણ ઘણા જૂના સમયથી આપણા પર રાજ કરતા આવ્યા છે. આવી બધી ગુલામી માંથી આખરે ક્યારે આઝાદ થવાનું ??

લાગે છે હવે જૂના ગાણા ગાયા કરવાથી કે જૂની પીપુડીઓ વગાડ્યા કરવાથી એક દિવસ માટે માત્ર દિલને દિલાસો દીધા જેવી આ વાત છે. જો સ્વાતંત્ર્ય સેનાનીઓએ આમ જૂના ગાણા જ ગાયા કર્યા હોત તો એ સમસ્યા કે ગુલામીમાંથી પણ આપણે હજુ આઝાદ ન થયા હોત. એમને પણ કદાચ ઉપર બેઠા હસવું આવતું હશે કે આ લોકોને કઈ કરવું તો નથી, બસ અમારા નામે જૂના ગાણા ગાયા રાખીને એક આભાસી આઝાદીનો આનંદ મેળવવો છે અને જાહેર રજાનું નામ આપી માત્ર ઉજવણી કરવી છે. હા, એ સમયે અંગ્રેજોની ગુલામી એક મોટી સમસ્યા હતી. પણ આજે સમસ્યા અને ગુલામીનું કારણ બદલાયું છે. પત્રમાંથી ઈ મેઈલ સુધી અને નવી નવી ટેકનોલોજી સુધી પહોચ્યા પણ ગુલામી અને આઝાદીની વ્યાખ્યા આપણા માટે આજ સુધી બદલાઈ નહિ. વાહ…

હવે નક્કી એ કરવાનું છે કે એક દિવસ આઝાદી દિવસ માણવો છે કે રોજ આઝાદ દિવસ હોય તેવી કોઈ વિચાર દ્રષ્ટિ પણ કેળવવી છે ???

દેશ માટે પ્રેમ હોવો જ જોઈએ. પણ દેશ માટે નાનું એવું યોગદાન એ પણ એક પ્રકારનો દેશપ્રેમ, દેશભક્તિ જ છે.

ઇનડીપેન્ડન્ટ કે ઇન – ડીપેન્ડન્ટ…?? એ આપણે નક્કી કરવાનું છે.

ગયા વર્ષે બીગ મેજિકમાં અકબર બીરબલમાં આઝાદી દિવસ પર બહુ જ સરસ દર્શાવવામાં આવ્યું હતું. ખરેખર, જો એક દિવસ પણ ગુલામીનો ગાળવો પડે, તો ખરેખર આઝાદીનો મતલબ સમજાય. અને આપણે અમુક હદે અમુક પ્રકારની ગુલામીમાં જીવીએ જ છીએ, એટલે કે હજુ એટલા આઝાદ દિલના કે દિમાગના નથી થઈ શક્ય. આમ જોઈએ તો શ્વાસ પણ આઝાદીના આભારી છે.

સોરી આ માટે હું થોડી લેઇટ છું પણ શું થાય હજુ સમયથી આઝાદી ક્યાં મળી શકે તેમ છે ખરી !!

-વાગ્ભિ

“સંબંધોની ખીચડી”

શું તમને એક જ કલર બધે જ ગમે??(કપડાં,ગાડી,મોબાઇલ…)

શું તમને એક જ સ્વાદ બધામાં ભાવે છે ??

જો દરેકમાં એક જ વસ્તુ નથી ગમતી, તો સંબંધમાં એક જ સંવેદના ગમવી જોઈએ ખરી ??

જેમ દરેક વસ્તુમાં વિવિધતા છે, તો પછી સંબંધ અને સંવેદનાઓમાં વિવિધતા કેમ નહીં ??

કારણ કે, આપણે દરેકને એક જ સંબંધથી બાંધી લીધો છે.

જેમકે,

મારા પપ્પા-મમ્મી મારા મિત્ર છે,

મારો દીકરો કે દીકરી મારા મિત્ર છે.

મારા મિત્રો ભાઈ જેવાં કે ભાઈ-બહેન મિત્રો જેવાં જ છે.

મારા પતિ કે પત્ની મારા મિત્ર છે.

આવું જ્યારે સાંભળું, ત્યારે “સંબંધોની ખીચડી” જેવું લાગે.

જે જ્યાં છે, એને ત્યાં જ કેમ ન રાખી શકાય ?

બધા મિત્રો બને, તો મિત્રોની મહત્તા પર પ્રશ્નાર્થ છે.

મિત્ર સાથે જે શેર થઈ શકે એ મમ્મી, પપ્પા, પતિ, પત્ની, ભાઈ કે બહેન સાથે નથી જ શેર થઈ શકતું એ એટલી જ હકીકત છે.

મિત્રતાની ગરિમા મિત્રમાં જ છે.

જો એક જ સંબંધ રાખવો’તો , તો પછી આટલા બધા સંબંધો શું કામ?? બીજા બધા સંબંધોનું શું મહત્વ ??

દરેક સંબંધની એક અલગ સોડમ, સ્વાદ અને સંવેદનાઓ છે, તો પછી એક સંબંધથી જ એને શું કામ જજ કરવો જોઈએ ??

Dear Zindagi ફિલ્મમાં બહુ જ સરસ રીતે દરેક સંબંધને વર્ણવ્યો છે.

એક સંબંધ પર જ બધો ભાર મૂકીને કે દરેક સંબંધ પર એક જ ભાર મૂકીને જે તે સંબંધને મુરઝાવી દેવાની ભૂલ ન કરીએ, તો દરેક સંબંધ ખીલશે અને ખુલશે પણ.

કોઈપણ સંબંધમાં નથી હોતી સામ્યતા,

દરેક સંબંધની છે અલગ વિશેષતા.

હા, મારે મિત્રોની લાંબી ફોજ છે અને દરેક મિત્રમાં વિશેષતા, કોઈ સાથે શેરિંગ, તો કોઈ સાથે કેરિંગ, કોઈ સાથે માત્ર કામની વાતો, તો કોઈ સાથે થાય વાતોના ગાપાટા, કોઈ સાથે મળવાનો તો કોઈનો થાય માત્ર ફોનથી જ સંપર્ક…. અત્યાર સુધીમાં જ્યાં પણ રહી છું, જ્યાં પણ ગઈ છું, જ્યાં પણ ભણી છું, જ્યાં કામ કર્યું છે અને જ્યાં પણ જાઉં છું. મિત્રતાની મહેક મળતી રહી છે અને આ મૈત્રી યાત્રા ચાલતી જ રહેશે…

સંબંધમાં ભેળસેળ કરી, સંબંધની ખીચડી કરતાં, સંબંધની વિશેષતા અને વિવિધતાને માણીએ તો કેવું સારું… !!

મૈત્રી દિવસ મુબારક

#vagbhi✍️

બાળપણથી મારા ઘરમાં તુલસી, અજમા, કુંવારપાઠું જોઈને મોટી થઈ છું. ભાવનગર રહેતા ત્યારે બદામ, સીતાફળ, જામ્બુ, કેરીનું ઝાડ હતું અને પછી એલચી કેળા, નાળિયેરી, શાકભાજી પણ વાવેલાં.

આમ તો જમીન,ખેતી અને ખેડૂત એમ દૂર દૂર સુધી કંઈ ડી.એન.એ. માં નહીં, પણ હા, માસ્તરી અને વૈદ્યપણું મારા બ્લડમાં ખરું એટલે એમ જ ઘરમાં હર્બ્સ ને થોડા દેશી ઓસાડીયા ઉગાડવાની નવી ધૂન ચડી.

અને થોડું ગાર્ડનિંગ વિશે જાણવાની ઈચ્છા જાગી એટલે વર્કશોપમાં જોડાઈ.

જેમાં મેં માત્ર ગાર્ડનિંગ જ નહીં આ ઉપરાંત,

1. બીજ અને છોડને કંઈ રીતે ઉગાડવું, રક્ષણ કરવું અને માવજત કરવી એ શીખ્યું.

2. વધુમાં ઘરના કચરાને ઉપયોગમાં લઈ તેમાંથી જ માટી અને ખાદ બનાવવાની પદ્ધતિ શીખી.

3. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની રીત પણ શીખી.

4. વડલો અને બીલી પણ નાનકડાં કુંડામાં ઊગી શકે એ વાત જાણીને આશ્ચર્ય પણ થયું.

5. બોન્સાઈ આર્ટ અને ક્રિએટિવિટીથી બાળકો અને આજની જનરેશનને પણ ગાર્ડનિંગ અને પર્યાવરણ માટે પ્રેરિત કરી શકાય.

દરેક ઘરમાંથી જો આવાં વર્કશોપ કે તાલીમ લે તો “સ્વચ્છતા અભિયાન” તો થશે જ પણ કચરાનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ પણ થશે એટલે પર્યાવરણને તો લાભ અને સાથે આપણે ઘરમાં શાકભાજી પણ વાવીશું એ પણ ઓર્ગેનિક.😊(હા, ઓર્ગેનિક એટલે શું એ વાત ઘણી રસપ્રદ, પણ બધું આજ નહીં જણાવું, એના માટે થોડી રાહ)

#vagbhi✍️

Fast and Festivals

દર વર્ષે મોડાવ્રત ને જયા પાર્વતી આવે ને મને મારુ બાળપણ યાદ આવે.

મને મારુ બાળપણ યાદ અપાવતી મારી દિકરીને કાલે મેં પૂછ્યું કે તારે વ્રત કરવાં છે? તો બહુ જ સહજતાથી કહ્યું કે હું એકાંતરે વ્રત કરીશ. રાત્રે એના ડેડાને કે મેં આજે વ્રત કર્યું છે, સવારે બસ પરોઠા-સબ્જી ખાધા અને અત્યારે થોડું જમી લઈશ અને આ વ્રત હું એકાંતરે કરવાની છું. 😆😉

હું નાની હતી ત્યારે મારી સખીઓ સાથે મને પણ વ્રત કરવાં ગમતાં, પણ ઘરમાં મારી સાથે ચિટિંગ થઈ જતી. બાળપણમાં ખ્યાલ ન આવે એટલે હું પૂછતી કે બિસ્કિટ ખવાય? જમાય? અને મમ્મી-પપ્પા કહેતાં કે જેમાં મીઠું ન હોય એ ખવાય અને મને સરળતાથી જમાડી પણ લેતા.

હા, વ્રતોમાં ખરાઈ ન હોવા છતાં મારો જીવનસાથી મને સાચવી લે એવો મળ્યો છે. અને આવતાં મહિને અમારા લગ્નજીવનને 13 વર્ષ પૂર્ણ થશે. 😊

એટલે વ્રતો કરવાથી જ પતિદેવ મળે કે સુવર મળે જ એવી માન્યતા કે એવો ગર્વ ખોટો સાબિત કરી શકાય. કારણ કે, વ્રતો કરવાં છતાં ઘણાંના લગ્નજીવન ડામાડોળ થતાં આપણે સૌ જોઇએ જ છીએ.

5 દિવસ વ્રત પુરા કર્યા હોય પછી કેમ જન્મો જન્મના ભૂખ્યા હોય, એમ તૂટી પડ્યા હોય બધા બહારના જમણમાં. 😆

આજકાલ વ્રતો પર કેટલાય રમૂજ મેસેજ ફરતાં જોયા, તો થયું કે ફોરવાડિયા મેસેજ કરતા આપણાં અનુભવોની રમૂજમાં વધુ આનંદ આવે.

વ્રતો પાછળ ઘણાં કારણો હોવા જોઈએ, કારણ કે, આપણાં પૂર્વજો બુદ્ધિજીવીઓ તો ખરા જ ને !!

પહેલાંના સમયમાં બળતણ માટે લાકડા ને કોલસાનો ઉપયોગ થતો અને ચોમાસામાં લાકડા લેવા જવું અને એ પણ ભીના હોય એટલે વ્રત કરીને બળતણનો બચાવ થતો હોવો જોઈએ. વ્રતની વાર્તામાં આજે પણ જુનાં સમયની વાત સાંભળવા મળે છે એના પરથી કહી શકાય.

ધાર્મિક રીતે ચોમાસામાં જ મોટાભાગના તહેવારો આવે એટલે વ્રતની મહત્તા વધી જાય. કંઈક મેળવવાના આશયથી પણ લોકો જે થોડો પાચનને આરામ આપે.

આધ્યાત્મિક રીતે કહેવાય છે કે પાચનકાર્યમાં શરીરની શક્તિનો વપરાશ ઓછો થાય અને ઊર્જાને જાગ્રત ને વધુ શક્તિશાળી કરી શકાય.

વૈજ્ઞાનિક રીતે જોઈએ તો વરસાદમાં પાચન શક્તિ નબળી હોય, એટલે હળવું સુપાચ્ય અને મોટાભાગે ફળાહાર જ હોય, જેના લીધે રોગપ્રતિકારક શક્તિ વધે અને બીમાર ન પડીએ, પણ આપણે ભાતભાતની ફરાળી વાનગી ખાઈને વધુ સમસ્યા ઉભી કરીએ. બટેટાની વેફર દાબીને વજન ઘટાડવાને બદલે વધારી દઈએ, એટલું જ નહીં શરીરમાં વાયુ વિકાર પણ કરીએ.

કહેવાનું માત્ર એટલું જ કે વ્રતના નામે જીવનસાથી કે લગ્નજીવન ટકતા નથી. આપણાં શરીર ઉપર ત્રાસ આપવા કરતાં જીવનસાથી પર ત્રાસ આપવો સારો.😂

#vagbhi

ગયા મહિને રામ કૃષ્ણ આશ્રમમાં કિડ્સ સમર કેમ્પ હતો. જેમાં ગાર્ડનિંગ શીખવતા, મને પણ કંઈક જાણવા મળ્યું જેનો આજે હું લાભ પણ લઉં છું અને આજે શેર પણ કરીશ.

થોડા સમયથી ટેરેસ ગાર્ડનનું વિચારતી હતી, પણ માટીના વજનની બીક હતી, ત્યાં જ એક સરસ વિચાર મને મળ્યો.

“Coco-peat”

નાળિયેરના છોલનો સુંદર મજાનો ઉપયોગ માટીના બદલે પણ કરી શકાય અને માટી સાથે પણ કરી શકાય. ખાસ કરીને પાણીનો સાવ નહિવત વપરાશ થાય એટલે પાણીનો પણ બચાવ અને અમુક અંતરાલે જ ગાર્ડનમાં પાણીનો છંટકાવ.

મારા તુલસીના છોડને નવજીવન મળ્યું છે આ કોકોપીટથી. આ બજારમાં પણ રેડી મળે છે અન્યથા નાળિયેરના છોલને એકઠા કરી ઉપયોગમાં લઈ શકાય.

એટલે હવે ગાર્ડન સુંદર મજાનું મહેકતું રાખો પાણી, માટી કે દવાના ઓછામાં ઓછો વપરાશ કરીને.

#happyenvironmentday

#gogreen

#save_environment

#vagbhi ✍️

Thank you so much for Such a Nice Messages given by All. Feel Happy n Nice to perform duty as “Yoga Therapist Cum Yoga Teacher” 😊

સવારમાં મળેલ સુંદર ભેટથી પૂરો દિવસ સુગંધિત થઈ ગયો.

એક વિદ્યાર્થી અને શિક્ષક બન્ને તરીકે મારો અનુભવ ખૂબ સરસ રહ્યો છે. આમ તો આ કળા-આવડત વારસામાં મને મળી છે એમ કહું તો ખોટું નથી. મારા દાદા માસ્તર, પપ્પા આયુર્વેદ કોલેજના પ્રિન્સિપલ એટલે બાળપણથી ચોક, ડસ્ટર અને બોર્ડ સાથે રમી છું. પપ્પાને આયુર્વેદ સ્ટુડન્ટસ ના પેપર ચેક કરવાના આવતા ત્યારે કોઈના અક્ષરોથી પ્રભાવિત થઈ જતી તો કોઈના લખાણથી. વિદ્યાર્થી ગમ્મે તેટલો શાણો હોય, શિક્ષકને ઉઠાંતરી અને મૌલિકતાનું અંતર ખબર પડી જ જાય. એટલે બાળપણથી જ મૌલિકતાની ગાંઠ વાળેલી.

મારા બાળપણથી લઈને અત્યાર સુધીના લગભગ બધા શિક્ષકો યાદ છે પણ યાદી નથી. એટલે કે અમુક સંપર્કમાં છે તો અમુક આ દુનિયામાં જ નથી. પણ મારી દીકરીને તેના બધા શિક્ષકોની યાદી આપતી રહું છું એટલે એ કોઈ શિક્ષકને ભૂલે નહીં અને મોટી થઈને પણ એને માત્ર યાદ જ નહીં સંપર્કમાં પણ રહી શકે. હું બહુ દ્રઢપણે માનું છું કે એકડો ઘૂંટાવનાર શિક્ષકનું મહત્વ સો ટકા વધુ છે. પછી એ ગમ્મે તે ફિલ્ડ કેમ ન હોય ?? બે પૈડાં વાળી સાઇકલ શીખવનાર મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા કે મિત્રથી લઈને માતૃત્વના પાઠ શીખવનાર બાળક સુધી. શિક્ષક ઉંમરથી નહિ, લાયકાતથી બને છે. જેમ સારો શિક્ષક સારા વિદ્યાર્થી આપી શકે તેમ સારો વિદ્યાર્થી સારા શિક્ષકને નવી દિશા ચોક્કસ આપી શકે. જેમ માં બાળકની શિક્ષક હોય શકે તો બાળક કેમ શિક્ષક ન બની શકે !! ઘણા જિંદગીના પાઠ બાળક આપણને જાણતા અજાણતા શીખવે છે. પણ અફસોસ આપણે માત્ર શિક્ષક એટલે એકેડેમિક શૈક્ષણિક ક્ષેત્ર જ જોઈએ છીએ. (હું ઘણી વાર આ વાત કહું છું જરૂરી નથી ભણવામાં સફળ થનાર જીવનમાં પણ સફળ જ થાય) આપણે શિક્ષકને એક વ્યાખ્યામાં બાંધી લીધા છે.

જો મારી વાત કરું વારસામાં મળેલ શિક્ષણ ક્ષેત્ર આખરે મને કોઈને કોઈ સંજોગો સ્વરૂપ મળતું જ રહ્યું છે. દીકરીના આગમન પહેલા 3 વર્ષ શિક્ષક તરીકે કાર્યરત હતી. થોડા સમય વિરામ લીધા બાદ યોગ ક્ષેત્ર મળ્યું અને એમાં પણ “યોગ પ્રશિક્ષક” નું કાર્ય મળ્યું. થોડા સમય પહેલા બાળકો માટે યોગના કલાસમાં બાળકો સાથે સાચે જ શિક્ષક જેવી ફીલિંગ આવી. પણ આજે ખૂબ આનંદ અને ઉત્સાહ અનુભવુ છું કે 10 વર્ષના ટેણીયાથી લઈને 65 વર્ષના વડીલોને હું યોગ શીખવું છું. અને 10 વર્ષના ટેણીયાથી લઈને 65વર્ષના વડીલો જ્યારે ગુરુ પૂર્ણિમા અને શિક્ષક દિવસના શુભેચ્છા પાઠવે ત્યારે ખરેખર સન્માનથી પણ વિશેષ લાગણી અનુભવાય.

જેટલી સરસ યાત્રા એક વિદ્યાર્થી તરીકે રહી છે, એનાથી પણ વિશેષ યાત્રા એક શિક્ષક તરીકે અનુભવી રહી છું. મને મળેલ આ અમૂલ્ય શિક્ષણ વારસો અને નવું શીખવાની જાણવાની ત્વરા રાખનાર માટે હું ખરેખર દિલથી આભારી છું.

આ સાથે એટલું પણ ઉમેરીશ કે એક શિક્ષક હંમેશા એક વિદ્યાર્થી પણ રહેવો જોઈએ. નવું શીખવાની ક્ષમતા જ વધુ શ્રેષ્ઠ શીખવી શકે છે.

Happy Father’s Day

​૨૫ ડીસેમ્બર, મારા પપ્પાનો જન્મદિવસ. આ દિવસે ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ અને પશ્ચિમી દેશમાં સાન્તા ક્લોઝનું આગમન. બસ, આવા જ કઈક છે મારા પપ્પા. મારા પપ્પા મારા માટે સાન્તા ક્લોઝથી કમ નથી. આજ સુધીમાં એવું નથી બન્યું કે મેં જે માંગ્યું હોય ને મને મળ્યું ન હોય. એનાથી વિશેષ મારી દિકરીના પણ સાન્તા. મેં બાળપણમાં મારા નાના ને જોયા નથી. પણ મારી દીકરી આ વડીલ વેલો ને વ્હાલ માણે છે. 

ખરેખર આ વાત ગમી કે પિતા વિશે પણ કોઈક પૂછે છે ખરું… 

સંતાનના ઉછેરમાં માં અને પિતા બન્ને નો એટલો જ ફાળો હોય છે. મારા મતે બન્ને સરખા જ છે. બાળપણથી જ મને પિતા માટે ખૂબ જ લાગણી. મારા અને પપ્પાનું ટ્યુનીંગ પણ એવું જ. મારા માટે મારી લાઈફમાં પપ્પાનું સ્થાન સૌથી પહેલું આવે. 

મને યાદ છે પપ્પા રોજ સ્કૂલે મુકવા અને લેવા આવતા. ગમ્મે તેટલી ટાઢ, તડકો કે વરસાદ કોઈ જ પપ્પાને ન નડે. મારા સ્કૂલથી  લઈને કોલેજ સુધી પપ્પા હંમેશા મારી સાથે જીવ્યા છે એમ કહું તો ચાલે. મમ્મી એ તો કદાચ મારી કોઈક સ્કૂલ કે કોલેજ જોયા પણ નહિ હોય. સ્કૂલમાં એડમીશનથી લઈ પરિણામ સુધી પપ્પા જ સાથે હોય. હું ધોરણ ૧૦માં હતી ત્યારે સવારે ૪ વાગ્યે વાંચવા ઉઠાડવાનું કામ મારા પપ્પાનું, પ્રેમથી ચા બનાવી આપે અને થર્મોસમાં ભરી પણ રાખે. બાળપણમાં ઉઠાડવાથી લઈને ચા બનાવી આપવાનું કે ન્હાવા માટે પાણી ગરમ કરી આપવાનું કામ પપ્પાનું. લગ્ન થયા ત્યાં સુધી પપ્પા જ મને ઉઠાડે અને મારા માટે પ્યાલો ભરીને ચા ડાઇનિંગ ટેબલ પર તૈયાર રાખે. મારા પપ્પા ચા ખુબ સરસ બનાવે. ક્યારેક ઘરે જાવ ત્યારે વધેલી ચા હોય તો ચોક્કસ પી ને જ આવું.

ઘરમાં કોઈપણ વસ્તુ લેવાની હોય મારી ચોઈસથી પપ્પા જલ્દી સહમત થાય. એટલે મમ્મી કે ભાઈને પણ મારુ કામ પડે. આજે પણ કોઈપણ સારી કે નરસી વાત હોય પહેલા પપ્પા મને ને હું એમને જ કહીએ. મારા અને મમ્મીના વિચારો સાવ જુદા એટલે અમારા વચ્ચે ક્યારેક મધ્યસ્થીનું કામ પપ્પા કરે. 

દરેક છોકરી બાળપણથી તેના પપ્પાને જોતી આવે. એટલે ભવિષ્યમાં પણ ક્યાંક ને ક્યાંક એના પતિમાં એકાદ એવા ગુણ શોધવાની કોશિશ કરે. મારી દીકરી અને એના પપ્પાનું પણ આવું જ મળતું આવે. સવારે મારે યોગ શીખવવા જવાનું એટલે મારી દીકરીની સવારની બધી જવાબદારી એના પપ્પા જ સંભાળે. એ બહાને પપ્પા અને દીકરીને થોડો સમય મળે સાથે રહેવાનો. 

મારા ઘરમાં બધા સરખા. મને યાદ નથી કે પપ્પાએ મારી પાસે કોઈ દિવસ પાણી પણ માંગ્યું હોય. ઓર્ડર કરવાનો એમનો સ્વભાવ જ નહિ. રસોડામાં પણ પપ્પા મમ્મીને હમેશા મદદરૂપ બને. અને ચા તો ઘરમાં પપ્પા જ વર્ષોથી બનાવે. લગ્ન પછી પણ આ પ્રથા મારા ઘરમાં ચાલે છે. ચા મારા પતિદેવના હાથની જ પીવી ગમે. હું ખુબ નસીબદાર છું કે સવારમાં ચાનો કપ આજે પણ ટેબલ પર તૈયાર રહે છે. બસ પપ્પા જેવા જ કેરીંગ પતિ મળ્યા છે. 

મારા પપ્પાની એક ખાસિયત કે કોઈપણ વાત કહો એટલે જોઈશું એમ ક’હે . સમય આવ્યે એ અમલમાં પણ મુકે, ત્યાં સુધી આપણને ઉચાટ થયા કરે. મારા લાવ મેરેજ પછી પપ્પાને એક કાગળ લખ્યો હતો અને એ આજ સુધી પપ્પા એ સાચવી રાખ્યો છે. મારા પપ્પા અને પતિદેવ બન્નેનો સ્વભાવ સરખો. એટલે હું એમને ક્યારેક સીનીયર અને જુનિયર કહીને બોલવું. તો મારી દીકરી એને જય અને વીરુ કહીને બોલાવે. બન્નેને એક બીજા સાથે વધુ બને. 

હું ઘણી વખત કહું છું મારે એક નહિ બે માં છે. મારા પપ્પાનો સ્વભાવ એવો જ લાગણીશીલ અને મારા માટે વધુ ઓવર પ્રોટેક્ટીવ. કોલેજકાળમાં મિત્રો સાથે સાંજે ક્યારેક મોડું થઈ જાય તો ચિંતા કરતા ઘરના બારણે ઊભા હોય. આજે લગ્નના ૧૨ વર્ષ પછી પણ વહેલી સવારે આકાશવાણીમાં ડ્યુટી કરવા જાઉં ત્યારે મારો અવાજ રેડિયોમાં એકવખત સંભાળી મારા પહોચ્યાની ખાતરી કરી લે.  

હા, ઘણી વખત ગુસ્સો કરી લે, હું એમના પર ગુસ્સો કરી લઉં. પણ હા, ૨૪ કલાક પણ એક બીજા વગર ચાલે નહિ. હું આ લખી રહી છું ત્યારે પણ આંખમાંથી આંસુ આવે છે, અને એ પણ ખાતરી કરું છું કે પપ્પા વાંચશે ત્યારે એમના આંખમાં પણ આંસુ હશે. બીગ થેન્ક્સ આપના વિષયને કે જૂની વાતો તાજી થઈ. ક્યારેક માં-બાપની લાગણીને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. પણ જેમ જૂના ફોટોગ્રાફ્સ જોઇને સંબંધો સુધરે, લાગણી વિસ્તરે, તેમ આવા સંસ્મરણો વાગોળવાથી પણ ચોક્કસ ફેર પડે, અને સંવેદનાના સ્પંદનો વિકસે.

વાગ્ભિ   

Grand Parent’s Day

​સપ્ટેમ્બરના બીજા રવિવારે “ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે” ની ઉજવણી કરવામાં આવે છે.


મારી દીકરીની સ્કૂલમાં ખાસ વડીલો માટેનો કાર્યક્રમ ગોઠવાયો.
મારી મૂંઝવણ ત્યારે વધી કે આ કાર્યક્રમમાં મારી દીકરીને સ્પીચ તૈયાર કરવાની હતી. 
એક વાતનું દુઃખ હતુ ને બીજી વાતની ખુશી….
દુઃખ એટલાં માટે કે મે મારા કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સ ને જોયા જ નથી. હા, નાની હતાં પણ મારી ૩ કે ૪ વર્ષની વયે એ પણ ના રહ્યાં. એટ્લે બહુ એવું યાદ પણ નથી. 
અને ખુશીની વાત એ કે મારી દિકરીને એનાં નાનુ- બા વગર એક દિવસ ન ચાલે. મહિનામાં એકાદ વાર તો પાટવડી ને અમુક બા સ્પેશ્યલ વાનગીઓનુ લિસ્ટ એમણે બા પાસે મુકી જ દીધું હોય. કોઇપણ નવી જાહેરાત આવે એટ્લે નાનુને લઇ આવવાનું લિસ્ટ ભેગુ થાય. હું મારા કાર્યક્રમમાં ક્યાંક બીઝી હોવ ત્યારે ખાસ બહાર જવાનું પ્લાનિંગ થાય નાનુ-બા સાથે.
લાગણી કહો કે મજબૂરી પણ બાળપણથી મારી દીકરીને દરરોજ એનાં નાનુ-બા ના ઘરે જવાની ટેવ. અને એનાં માટે એ બધુ કરી જવા તૈયાર.
બન્ને તરફ એવી લાગણી જોઈને ક્યારેક ખુશી, તો ક્યારેક ઈર્ષા ને ક્યારેક ચિંતા પણ થાય. 
સ્પીચ લખવા માટે હું સાવ ખાલી હતી કારણ કે મારો તો કોઈ ખાસ અનુભવ હતો નહીં…. છેવટે દીકરીનો અનુભવ અને લાગણી જાણવાની કોશિશ કરી. એનાં યાદગાર પ્રસંગોને સાંભળીને એટલું સમજાયું કે કેટલાં જરૂરી છે આ ગ્રાન્ડ પેરેન્ટ્સ….
બાળકના છે (સૌથી સારા ) સખા- મિત્ર,

જોયેલા જેમણે જીવનના બધા ચિત્ર.

ક્યારેક વડીલ તો થઈ જાય ખુદ બાળક,

કરતાં વર્તન ક્યારેક વિચિત્ર…
વિવિધ ભારતી પર એક વખત પ્રોગ્રામ કરેલો “ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે” સ્પેશ્યલ. ત્યારે શ્રોતાઓના મંતવ્યો જાણીને, તેમની રસપ્રદ વાતો સાંભળીને ખરેખર પ્રોગ્રામ યાદગાર પ્રસંગ જેવો બની ગયો હતો.
એટ્લે આવા પ્રયોગો તો થતાં રહે છે. 
મે એક વખત લખ્યું હતુ “જનરેશન ગેપ”

જે ખરેખર ગેપ પેલ્લી અને ત્રીજી પેઢી વચ્ચે છે જ નહીં. એ તો માત્ર સાંકળ છે પેલ્લી અને બીજી પેઢીને જોડતી રાખવા. ખરેખર જોઈએ તો પેરેન્ટ્સ નાં લીધે બન્ને જોડાઇ શકે છે. પણ આ ત્રીજી પેઢી એને જોડતી રાખે છે. એટ્લે આ સાંકળનાં લીધે સેતુ જળવાઈ રહે છે. 
કહેવાય છે મુદ્દલ કરતાં વ્યાજ વ્હાલું…

પણ હું વધુમાં ઉમેરીશ કે

સંતાનો તો માં-બાપને સન્માન અપાવે, પણ એનાથી વિશેષ ખુશી ત્યારે થાય જ્યારે પૌત્ર-પૌત્રી કે દૌહિત્ર-દૌહિત્રિ એમનાં દાદા-દાદી કે નાના-નાની માટે નાનું પણ એવું યોગદાન આપે. (અને કદાચ આ જ સોલ્યુશન છે) પેઢીઓ વચ્ચેનો અંતર ઓછો કરવાનો સૌથી ઉત્તમ રસ્તો.

#vagbhi

%d bloggers like this: