જીવમાં પ્રાણ પૂરે છે છતાં સજીવ નથી…

સાથે રહે છે છતાં સંબંધ નથી…

વિખુટા પડે છે છતાં શત્રુ નથી…

ખુદ નિર્ણય કરે છે છતાં સ્વતંત્ર નથી…

હા… આ છે સંબંધ… સંબંધ અને મનુષ્ય એકબીજાની સમાંતર છે… મનુષ્યની જેમ સંબંધ પણ સજીવ લાગે છે…

સંબંધ એક લાગણી છે. આપણાં  જીવનમાં  પ્રાણ પૂરે છે છતાં તે સજીવ નથી, પરંતુ જયારે વ્યક્તિઓ વચ્ચે  સંબંધ ના રહે ત્યારે જીવન પ્રાણ વિનાનું લાગે છે. વ્યક્તિ ભેગા થાય અને સમાજ બને છે  પછી સંબંધો વિકસે છે પરંતુ એ સમૂહ નહિ પણ સંબંધમાં બંધાયેલો સમાજ કહેવાય છે. એક સંયુક્ત કુટુંબ સંબંધોના તાંતણે બંધાય સાથે રહે છે…એટલે તેને સમૂહ ન કહેતા સંબંધ જ કહી શકાય.

વળી, પ્રેમસંબંધ  હોય કે અન્ય કોઈ લાગણીભીના સંબંધ…પણ એક બીજાના વિચારોમાં  વિવિધતા  જોવા  મળે  છે. મતભેદ અને મનભેદ થઇ સંબંધો તૂટે પણ છે…એક બીજા છુટા પડે છે. છતાં સંબંધ કોઈ શત્રુ નથી.  પોતાના સ્વતંત્ર નિર્ણયો સાથે વિચારોની આપ લે કરી સંબંધ બંધાય છે છતાં એક તાંતણે બંધાઈ લાગણી વહાવીએ છીએ..અને એક બીજા પર નિર્ભર થતા સ્વતંત્ર રહી શકતા નથી. એક બીજાના થઇ સંબંધ જીવંત રહે છે.

મનુષ્ય જીવનના ત્રણેય કાળ… બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા… તો સંબંધોના ત્રણ ચરણો અસ્તિત્વ, સાતત્ય અને વિચ્છેદ…

બાળકના જન્મ સાથે જ દરેક સંબંધો અસ્તિત્વમાં આવે છે.  યુવાવસ્થામાં પ્રવેશ થાય  તેમ સમય જતા સંબંધોમાં  સાતત્યતા જળવાય છે. અને વૃદ્ધાવસ્થામાં  મૃત્યુનો  ઘંટનાદ સંભળાય છે. તેમ સંબંધો પણ મૃત્યુ પામે છે એટલે કે તેમનો  પણ નાશ થતો જાય છે.. વિસરાતા જાય છે… જીવનમાં આકસ્મિક રીતે મૃત્યુ સર્જાય તેમ ઘણા સંબંધો ટૂંકાગાળાના બની જઈ વિચ્છેદમાં પ્રવર્તે છે.

દરેક સંબંધો  એકસરખા કે આજીવન રહેતા નથી.. આપણી બાલ્યાવસ્થામાં સાથે રમતા અને ભણતા સહપાઠી મિત્રો અને જ્ઞાન આપતા  બધા  શિક્ષકોમાં અમુક સાથે જ સંબંધોનું અસ્તિત્વ જીવંત રહે છે.. યુવાવસ્થામાં સાથ આપતા મિત્રો કે પ્રેમસંબંધોનું  તો કદાચ અસ્તિત્વ જ નાશ પામે છે અને વૃદ્ધાવસ્થામાં કોઈ મૃત્યુ પામેલ કે  વિખુટા પડેલ સંબંધનું સ્મરણ થઇ જાય છે.

 સંબંધ ભલે હોય એક લાગણીનો સ્પર્શ…
રહે છે સદા તેનાથી હર્ષ…

Advertisements