ઓહ ગોડ ! હવે તો  હદ જ થઇ ગઈ…

શનિવારે રાત્રે મોડી રાત સુધી (લગભગ રાતે ૩ વાગ્યા સુધી) ભજનોનો કાર્યક્રમ મોટા ઘોંઘાટ  સાથે ચાલતો રહ્યો.. સવારે ડયુટી ના કારણે ૪ વાગ્યે ઊઠવાનું હતું. આખી રાત પડખા ઘસ્યા..આમાં સુવું પણ કેમ? મનમાં ગુસ્સા સાથે કેટલાય પ્રશ્નો ઉઠ્યા…

નવરાત્રિના સમયમાં વધીને ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકરો ચાલતા હોય છે.. ત્યારબાદ કોઈપણ સરકાર  પાસેથી પ્રજા એવી અપેક્ષા રાખે છે કે મોટા સ્પીકરોનો ઘોંઘાટ નાથવા નિયમો કે અન્ય કોઈ યોજનાઓ  હેઠળ દંડ કે મનાઈ કરવામાં આવે..  થોડા ઘણા અંશે લોકો આ વાતને માન્ય પણ રાખે છે.. તેમ છતાં અંગત પ્રસંગોમાં આ જ લોકો મોટા સ્પીકરો મૂકી ઘોંઘાટો સર્જે છે. ત્યારે વિચાર નથી આવતો કે અન્યોને કેટલી તકલીફ પડશે? કોઈ પણ સારા કે માઠા પ્રસંગોમાં અન્યોને તકલીફ પડે એવું શું કામ કરવું જોઈએ? મહેમાનોને ખુબ સરસ રીતે સાચવીએ પણ પડોશ કે અન્ય લોકોને તકલીફ પડે એ શું કામનું? … જાણતાં- અજાણતા ભૂલ થઇ  જાય  પણ વારંવાર આવું થવું ભૂલ તો ન જ કહેવાય …માત્ર ઘોંઘાટ જ નથી પણ હવે તો ઘર પાસે રસ્તાઓ રોકી ને મંડપો પણ બાંધવામાં આવે છે… એટલે શેરી ગલીઓમાંથી પસાર થવું લોઢાનાં ચણા ચાવવા જેવું કપરું  લાગે..

આવી યોજનાઓ કે નિયમોને ઘડવા કે અમલ કરવા માત્ર સરકારની જ જવાબદારી નથી… આપણી પણ નૈતિક ફરજ બને છે. આપણે આ બાબતે જાગૃત કે શિષ્ટતા દાખવતા નથી તો પછી  સરકારની યોજનાઓ અને નિયમોને વખોડવાનો પણ આપણને કોઈ અધિકાર નથી..

Advertisements