ઘણી વખત  જે વિચાર્યું હોય  તેનાથી  કંઈક અલગ નહિ  પણ અદભુત  થાય,  તો  જીવન નો  માર્ગ જ  બદલાય  જાય  ખરું  ને  !  હંમેશા આપણે  સાંભળ્યું  છે  કે  બાયોગ્રાફી  કોઈ  પ્રખ્યાત  વ્યક્તિ  ઉપર  જ  લખાય  છે.  પણ  નસીબ  જોગે મને  આ ભેટ  મળી છે અને  મારા   ઉપર  લખાયેલી  આ  ડાયરી      ફક્ત  મારા માટે જ પ્રકાશિત થઈ. બસ, આ યાદગાર  અનુભવ મારા  માટે મહત્વનો  જ નહિ પણ જીવનમાં કઠીન સમયે હંમેશા  મારું  માર્ગદર્શન  બની  રહે  છે.

હંમેશા  લેખક  કે  કોઈ  રચયિતા  પોતાની  કૃતિ પ્રકાશિત  કરે,  પણ  આ  અજાણી વ્યક્તિ એ માત્ર મારું અવલોકન કરી અને તેમના  મનમાં  સુજ્યું  એટલે  લખ્યું  એવું  જણાવે  છે.  આ  ભેટ મને  આપી એક અજાણી વ્યક્તિએ . ઈ.સ.   ૨૦૦૦માં  હું  એક કોમ્પ્યુટર  ક્લાસમાં  જોડાઈ . હું  પાસ થઇ  અને પ્રમાણપત્ર  લેવા  ગઈ  ત્યારે  મારી  ફેકલ્ટી  અને  તેમની  મિત્રએ મને  આ ડાયરી  ભેટ  રૂપે  આપી ત્યારે મને ખબર પડી કે મારા વિશે  કોઈએ લખ્યું છે અને તે પણ આ  આ કોમ્પ્યુટર  ક્લાસ  માંથી  જ છે. પણ  આ ડાયરી  મારા  જીવનમાં  આજ સુધી   પ્રાણ પુરતી રહી  છે.  જીવનમાં   સંઘર્ષોનો  સામનો  કરવામાં,  મને આત્મવિશ્વાસ    આપવામાં  અને નિર્ણયો  લેવામા  મારી જ  છબી   દર્શાવતી  આ  ડાયરી એ   મને  દરેક  વખતે  નવજીવન  આપ્યું  છે.

આ ડાયરી નું શીર્ષક પણ એવું જ છે.  ‘ડીસ્કવર યોરસેલ્ફ’  આ ડાયરી માં લખેલી વાતોને  એટલી સુંદર રીતે પ્રસ્તુત  કરી  છે  કે હું પણ મારી  ખૂબીઓ    અને  ખામીઓને કદાચ  આટલા  ઊંડાણથી  જાણતી  ન હતી.   ૭૯ આકડા સાથે   મારો  ગાઢ સંબંધ,  મારી  આંખોના   વધુ   નંબરને અલગ રીતે દર્શાવવાની  દ્રષ્ટિ ,  મારો  સ્વભાવ ,  મેચ્યોરીટી,  કોમનસેન્સ, નિર્ણયશક્તિ ,  મારું વ્યક્તિત્વ,   મારા નામની વિશિષ્ટતા , મારા સારા નરસા  બધા  જ પાસાઓ આવરી લેતી  બાબતો,  આ બધું જ વાચ્યાં પછી  મેં  મારા  જીવનમાં  ડોકિયું કર્યાનો  પહેલી વખત  અનુભવ કર્યો.    ઘણી વખત આપણી  આસપાસ    રહેતી  વ્યક્તિ  આપણું  ઊંડાણપૂર્વક  ઓબ્ઝર્વેશન  કરતી હોય છે.  આપણાં કરતા   વધુ    આપણને  જાણતી  અને સમજતી  હોય છે. આ ડાયરી ની વધુ એક ખાસિયત એ છે કે તે અંગ્રેજીમાં  લખાઈ  હોવાથી  પાછળના પેઈજમાં  અમુક શબ્દોનો  યોગ્ય  અર્થ  દર્શાવ્યો છે.

આજે  ઘણા  વર્ષો    વીતી   ગયા.     અને હું એક વખત પણ એ વ્યક્તિનો  સંપર્ક  કરી શકી નથી.  પણ મારી  પાસે  સ્વયંને ઓળખવાનો  એક  માર્ગ મળી ગયો.  જીવનભર સાથ  આપનાર   એક મિત્ર કે માર્ગદર્શક  મળી  ગયું હોય તેવો જ અનુભવ કરું છું.   આ ડાયરીને  મારા જીવનની સૌથી   યાદગાર  અને અમુલ્ય  ભેટ  કહું  તો કઈ ખોટું  નથી.

Advertisements