માતા પિતાએ કદાચ જન્મ પહેલા જ મને ટેગ આપેલું.. માં એ વિચારેલું કે તેમના પિતાની જેમ ડોક્ટર બનાવીશ અને પિતા એ વિચારેલું કે મોટો એવો બીઝનેસમેન બનાવીશ. પુત્ર સ્વરૂપે જન્મ થયો અને ગ્રાન્ડ પેરેન્ટ્સે સ્વપ્નો સેવ્યા કે મારો પુત્ર ના બન્યો એવો પૌત્રને બનાવીશું. આમ જન્મ પહેલા અને જન્મતાની સાથે જ આપણું સ્વજન કે વંશજ શું બનશે તેના વિચારો કરી લેતા હોય છે. જન્મતાની સાથે જ ટેગ મળી જાય છે. નામનું ટેગ નહિ પણ વ્યવસાય એટલે કે પ્રોફેશન ટેગ..

સમય જતા વર્ષો વીત્યા અને હું પુખ્ત બનતો ગયો. મારી માતા એ ગુણો અને સંસ્કારોથી સિંચન કર્યું, પિતાએ કેળવણી અને વંશ વેળા સમાન હકો અને ફરજોનું પોટલું સોપ્યું તો ગ્રાન્ડ પેરેન્ટ્સે પોતાના અનુભવો આપ્યા અને વધુમાં વૈદિક ઉપચારોથી મને તંદુરસ્તી આપી અને સ્વસ્થ રાખ્યો.

હવે મારો અભ્યાસ પૂરો થઈ ચુક્યો હતો અને હું કામની શોધમાં હતો. એક નોકરી માટે એક જગ્યાએ લેખિત પરીક્ષા પણ આપી હતી અને પરિણામની રાહ જોવાતી હતી. ઘરમાં બેઠા આસપાસમાં નજર ન ઈચ્છતા પણ દોડી જતી હતી. હૃદયના એક ખૂણે સામાન્ય માણસની પીડા થતી હતી. જે બાળપણથી રોજ હું નિહાળતો હતો. મારા પાડોશમાં એક બાજુ એડવોકેટ રહે એટલે તેમના હોદ્દાના માન ખાતર ગટર સાફ કરવાવાળાથી માંડીને ગેસના બાટલાવાળા કે ઇલેક્ટ્રિક બીલવાળા પણ તેમના બે કામ વધુ કરી આપતા. બીજી બાજુ એક ખ્યાતનામ ઉદ્યોગપતિ રહે એટલે તેમનું પણ કામ ઝાપટા બંધ થઈ જાય.

પણ મારા પિતા એક સામાન્ય વેપારી અને હું તો ઉમરે ઉભેલો નોકરીની શોધ કરતો સામાન્ય માણસ. અમારી પાસે કોઈ સતા કે હોદ્દો નહિ એટલે કોઈ બે કામ તો શું પોતાને ફરજ પડેલું કામ પણ ના કરે? આ બધું હવે મારા માટે જોવું અસહ્ય હતું. વારંવાર એક સામાન્ય માણસનું અપમાન થતું અને મનમાં આવેશો છુટતાં. પછી એક ઊંડો શ્વાસ લઇ નિસાસા સાથે મનને મનાવી લેતો અને ફરી બીજા અપમાનની રોહ જોતો..

થોડા દિવસોમાં પેલી નોકરીનો જવાબ આવ્યો. હું લેખિત પરીક્ષા માટે તો પાસ થઈ ગયો હતો હવે ઇન્ટરવ્યુ માટે જવાનું હતું. ઇન્ટરવ્યુમાં અમે છેલ્લા ચાર પ્રતિસ્પર્ધી પસંદ કરાયા હતા જેમાંથી કોઈ ત્રણની પસંદગી કરવાની હતી. મને થયું કે આ વખતે તો મારી નોકરી પાકી પણ હવે મુખ્ય વાત કે અમારા ચારેય પ્રતિસ્પર્ધીમાં કોઈ સામ્યતા ન હતી. પહેલો પ્રતિસ્પર્ધી – જેમના પિતા રાજકારણમાં હતા, બીજો પ્રતિસ્પર્ધી – જેને શારીરિક વિકલાંગતા હતી, ત્રીજો પ્રતિસ્પર્ધી – જેમનો એક અનામત વર્ગમાં સમાવેશ થતો હતો અને ચોથો હું એટલે કે એક સામાન્ય માણસ. આ ત્રણેયમાની કોઈ એક ખાસિયત પણ મારામાં ન હતી. છતાં હકારાત્મક વિચારો સાથે હું એ કેબીનમાં પ્રવેશ્યો. નોકરીમાં પૂછાતા પ્રશ્નોમાં કોઈ એ એમ ના પૂછ્યું કે તમે કોણ ? શું કરો છો ? તમારી યોગ્યતા ? પણ પુછાયા તો માત્ર આવા જ પ્રશ્નો પિતાજી શું કરે છે? ક્યાં બેકગ્રાઉન્ડમાંથી આવો છો ? વગેરે વગેરે.. પછી શું ? પહેલાને સત્તાધિશના પુત્ર તરીકે…બીજાને વિકલાંગ સહાય યોજના હેઠળ અને ત્રીજાને અનામતના અધિકારો હેઠળ આ ત્રણેયને નોકરી મળી ગઈ અને હું ખાલી હાથ પાછો ફર્યો.

ખેર.. થયું કે આ એક અનુભવ વધારે બીજું શું? આટલી મહેનત કરી લેખિત પરીક્ષામાં પાસ થયો અને પછી વળ્યું શું? મનમાં થયું કે આપણી યોગ્યતા બતાવવા મહેનત કે જાણકારીની નહિ પણ લાગવગ કે કોઈ ખાસ અધિકારો હોવા જરૂરી છે !

બીજા દિવસે ફરી એ જ સવાર.. અને એ જ આશાઓ સાથે બગીચામાં ચાલવા ગયો. ત્યાં જઈ થોડી વાર ચાલી અને એક બાંકડે બેઠો. ફરી પાછો ઘર તરફ જઈ રહ્યો હતો ત્યાં એક પથ્થરની મને ઠોકર લાગી અને દીવાલ તરફ અથડાતા એક વાક્ય વાચ્યું : ” Express Yourself ” અને મનમાં અચાનક જ એક વિચાર આવ્યો કે મારા વિચારો, મારી વ્યથા હું એક પુસ્તક સ્વરૂપે લખું તો? મેં એક પુસ્તક લખવાનો નિર્ણય કર્યો. મારી વ્યથા અને મારા વિચારોને સ્પર્શતું પુસ્તક લખ્યું. વળી પાછી એ જ સામાન્ય માણસની તકલીફ નડી. કોઈ પ્રકાશન નવોદિત સર્જક કે પુસ્તકને પ્રકાશિત કરવા તૈયાર નહિ પણ અંધકારમાં એક ઉજાસ સ્વરૂપે દીવો પ્રગટ્યો હોય તેમ એક નવોદિત પ્રકાશને મારું પુસ્તક છાપવાનું નક્કી કર્યું. પરંતુ તેઓ એ પણ મારી કસોટી આખરે કરી જ નાખી.

મને કહ્યું : ભાઈ, તમારું અને અમારું આ પહેલું પુસ્તક પ્રકાશિત થાય છે એટલે એમાં જો profit થશે તો એમાં કોઈ હક-હિસ્સા તમને નહિ મળે. આતો અમે પણ નવા એટલે તમને એક chance આપ્યો નહીતર તો બીજું શું? તમને દસેક કોપી આપીશું. બરોબરને !

મને થયું કોઈએ તો પહેલીવાર હાથ ઝાલ્યો છે અને મારે તો એક સામાન્ય માણસની વ્યથા વર્ણવવી છે મારે profit થી શું કામ?

મેં જવાબ આપ્યો : ભલે ભાઈ એમ રાખીએ.

અને મારું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. ઘણા વાચકોને મારી વ્યથા અને વિચારો સંવેદના સ્વરૂપે સ્પર્શી ગયા. થોડા સમયમાં મારું પુસ્તક સારું એવું પ્રખ્યાત થયું અને બધી જ કોપી વેચાય ગઈ. થોડા દિવસો પછી બદલાતા સ્વરે પ્રકાશનમાંથી મને ફોન આવ્યો.

મને કહ્યું : સાહેબ, તમારા પુસ્તકની પ્રથમ છપાયેલી બધી જ કોપી વેચાય ગઈ છે અને અમારા પ્રકાશનને પણ સાથે સાથે ઓળખ મળી છે. એટલે અમે પુસ્તક અને પ્રકાશનની સફળતા માટે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે. અને તેમાં અમે બીજી કોપી પણ બહાર પાડશું. તો આપના પ્રશંસકો માટે ખાસ આપને આમત્રણ પાઠવું છું.

પ્રકાશને કાર્યક્રમની આછેરી ઝલક બાદ મને પણ સામેલ કર્યો અને મને બોલાવ્યો. મારું નામ સાંભળતા જ બધાએ મને તાળીઓથી વધાવી લીધો. પણ સ્ટેજ પર જતા મનમાં રહી ગયેલી એક સામાન્ય માણસની આભા ફરી પાછી ડંખવા લાગી અને સળગતી જ્વાળાઓને ફરી પાછી કેદ કરવાને બદલે કે કાગળમાં છાપવાને બદલે લોકો સમક્ષ રજુ કરવાની ઈચ્છા જાગી.

મેં કઈક આવું કહ્યું : લોકો મને હવે એક સર્જક તરીકે ઓળખે છે. પણ હું છું તો એક સામાન્ય માણસ જ. જયારે સામાન્ય માણસ તરીકેની વ્યથા અને વિચારો અનુભવ્યા ત્યારે હું એક સર્જક ન હતો અને આ જ અનુભવો આ જ પીડા મેં એક કાગળ પર કોતરી એટલે હું એક સર્જર્ક બની ગયો. છતાં પણ હું લખતો હતો ત્યારે એક સામાન્ય માણસથી વિશેષ કઈ જ ન હતો. તો પછી કેમ તમે મને એક સામાન્ય માણસ તરીકે સ્વીકારતા નથી?

શું જીવન જીવવા માટે કઈ નામ કે સતા જ જરૂરી છે ? એક સામાન્ય માણસે પોતાનું જીવન જીવવા માટે આવો જ સંઘર્ષ કરવાનો છે? મારી જેવા કેટલાય સામાન્ય માણસો હશે જે આમ જ માનોમન પીડાતા હશે. આટલું જાણ્યા અને સમજ્યા પછી પણ કેમ આપણી વિચારશરણી બદલતી નથી? આપણને વેદના વખતે જ કેમ સંવેદના થાય છે? આજે ‘તમે કોણ છો?’ તેના બદલે ‘તમે શું છો ?’ એમ શા માટે પુછાય છે? જીવન જીવવા માટે કઈક હોવું અને પોતાની જાતને દરેકે સાબિત કરવું જ શું જરૂરી છે? પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જીવન જીવવા કરતા આજે કોઈ હોદ્દો કે પ્રતિષ્ઠા મેળવવા વધુ અગત્યના બની ગયા છે.

આજે હું આપ સૌને એક સવાલ કરું છું કે એક સામાન્ય માણસ બની રહેવું હોય તો…?

Advertisements