WOMEN’S DAY….

ઘણા લોકોએ આજે સ્ત્રી વિષયક જાગૃતિ ફેલાવવા પ્રયાસો કર્યા હશે. ઘણા લોકોએ સ્ત્રીઓને શુભેચ્છા પણ પાઠવી હશે. પણ શું આનાથી સ્ત્રી વિશેની સમજણ કે તેના સન્માનમાં ફેરફાર થશે ખરો..? “તને શું ખબર પડે?” એવો કોઈ પણ પુરુષ નહિ હોય જેમણે ઘરમાં આ વાક્યનો પ્રયોગ ક્યારેય નહિ કર્યો હોય. સ્ત્રી ગમ્મે તે સ્વરૂપમાં હોય.. મા, બહેન, પત્ની, મિત્ર કે દિકરી.. પુરુષને હમેશા તેમનાથી આગળ રહેવું છે.. સમોવડી થવાની વાત તો દૂર છે. અને સ્ત્રીને હમેશા પુરુષની પાછળ જ ચાલવું છે. હા, સ્ત્રી-પુરુષ ના સંબંધોની એક અલગ મજા છે. ઘણા વયોવૃધ્ધ દંપતીને આપણે ઝઘડો કરતા જોયા છે એમના ઝઘડામા પણ અલગ પ્રકારનો પ્રેમ છલકતો હોય છે. એક જાહેરાત આવે છે. મચ્છર કોઈલની. આ જાહેરાત જોવામાં કંટાળો નહિ આવે પણ ગમશે.. સ્ત્રી અને પુરુષ બંને વચ્ચે વર્ષોથી ચાલ્યું આવતું આ મહાયુધ્ધ હજુ અકબંધ છે. ધર્મવાદ – કોમવાદ, ભાષાવાદ, જ્ઞાતિ-પ્રજાતિ વગેરેના ડીબેટની જેમ આ ચર્ચા પણ રોજ ચર્ચાય છે. બસ, બધાને સર્વોપરી થવું છે. સ્ત્રી અને પુરુષ બંનેમાંથી સર્વોપરી અને આગળ કોણ એ સાબિત કરવું છે.. સ્વીકારવું નથી.

પુરુષ જેમ અમુક બાબતોને સ્વીકારી શકતો નથી તેમ સ્ત્રીઓ પણ અમુક બાબતોને નકારી શકતી નથી. પુરાતન કાળથી ચાલતી આવતી પ્રથા છે… સ્ત્રી લગ્ન બાદ પોતાનું નામ, સરનામું, એમ કહીએ કે સમગ્ર ઓળખાણ ફેરવી નાખે છે. શું કામ? શા માટે સ્ત્રીઓની જ અટક બદલવામાં આવે છે ? વર્ષોથી એક જ નામથી ઓળખાતી સ્ત્રી બે ભાગમાં વહેચાય જાય છે.. કહેવાય છે કે સ્ત્રી બંને કુળ તારે.. પણ એમાં સમાજ એને તાણી નાખે છે એનું શું? વર્ષોથી કહેવાતી.. બોલતી.. સમજાતી તેની ઓળખાણ એક દિવસમાં જ ફરી જાય..શા માટે? આખરે લગ્ન તો બંને કરે છે ને? કહેવાય તો નવ દંપતિ પણ માત્ર સ્ત્રીનું જ સમગ્ર અસ્તિત્વ બદલાય છે.. એને હવે માત્ર દિકરી જ નહિ પણ સારી પત્ની, વહુ, મા અને કેટલાય પાત્રો કરવાના. કોઈ પણ ખચકાટ વગર બધી જ ફરજ બજાવવાની. અને સ્ત્રી કરે પણ છે.. એને કઈ સામે અપેક્ષા પણ નથી.. માત્ર માન – સન્માનની જ અપેક્ષા છે.  બહાર સમાજમાં કે દુનિયામાં સન્માનને પાત્ર બનવું નથી. એને તો એના પિતા,પતિ, અને દીકરાના મોઢે બે શબ્દ માનના સંભાળવા છે. પણ દરેક પુરુષ આ વાત સ્ત્રીના મૃત્યુ બાદ જ સ્વીકારે છે. સ્ત્રીને આ અફસોસ છે..

હમણાં ચોતરફ બળાત્કારની જ બાબતો સામે આવે છે. પણ અત્યારે તો શારીરિક બળાત્કાર થાય છે.. પણ વર્ષોથી ચાલ્યા આવતા માનસિક બળાત્કારનું શું? બળાત્કાર ગમે તે હોય તેનાથી પીડિત સ્ત્રીની સંવેદનાનું શું? દિવસમાં કેટલીય વખત કેટલાય પુરુષ સ્ત્રીને અપમાનિત કરતા હશે.. માનસિક પીડા પહોચાડતા હશે.. કઈક એવું કહી દેતા હશે કે સ્ત્રીને સ્ત્રી થયાનો અફસોસ થતો હશે.. આ માનસિક બળાત્કાર નહિ તો બીજું શું છે? માત્ર શારીરિક પીડાની જ કેમ વાતો થાય છે..વર્ષોથી ચાલતી આવતી આ માનસિક પીડાની તો વાત કોઈ ઉચ્ચારતું પણ નથી. ખરેખર સ્ત્રીને પહેલેથી જ નબળી, અસુરક્ષિત અને ઇનસીક્યોરની જડીબુટ્ટી પીવડાવે રાખી છે. એટલે હવે ગમ્મે તેવી પરિસ્થિતિમાં પેહલા તો પોતાની જાતને સ્ત્રી અસુરક્ષિત જ માને છે. એમાં આત્મવિશ્વાસ જગાડવો પડે છે.. પછી જ તેનામાં શક્તિ સ્રોતનો સંચય થાય છે. બાળપણથી જ માતા-પિતા દીકરીમા ડર મુકી દે છે.. અને આ ડર આજીવન તેને સતાવ્યા કરે છે. માતા-પિતા પણ દિકરી પરણે એટલે જાણે ચિંતા મુક્ત થઇ જાય છે.. તો શું પરણ્યા પછી તેની દીકરીને શું સિક્યોરીટીનું લાયસન્સ મળી ગયું હોય છે? હવે કઈ પણ થાય અમારી જવાબદારી રહેતી નથી… એવું લખીને આપતા નથી બસ એટલો તફાવત છે.

સ્ત્રી હમેશા બે ભાગમાં વહેચાયેલી જ રહે છે. પરણે એટલે પિયર – સાસરું.. મા બને એટલે પતિ અને સંતાન વચ્ચે હમેશા તાલમેલ બેસાડતી રહે છે છતાં પણ બે શબ્દ ક્યારેય પ્રશંસાના સંભાળવા મળે છે ખરા?

એવું નથી કે બધો જ વાંક પુરુષનો જ છે.. ઘણી વખત સ્ત્રીની પણ અપેક્ષા એટલી વધી જાય છે કે પુરુષને સમજવું મુશ્કેલ પડી જાય છે.. સ્ત્રીની વધુ પડતી સંવેદના, લાગણી અને જીદના કારણે પુરુષની સ્થિતિ પણ કપરી થઇ જાય છે. સ્ત્રી સંવેદના વિષે બધા વાત કરે છે.. તો પુરુષની સંવેદનાનું શું? ઈશ્વરે સ્ત્રી અને પુરુષમાં માત્ર પ્રજનન અંગોમા જ બદલાવ કે તફાવત રાખેલો છે… બંનેના  મન અને મગજમા નહિ. છતાં બધા સ્ત્રીને જ કેમ લાગણીશીલ કહે છે? શું પુરુષ સંવેદનહીન હોય છે? પુરુષની સંવેદનાનો મુદ્દો ફરી ક્યારેક..

ઈશ્વરે તો સ્ત્રી અને પુરુષમા માત્ર પ્રજનન ક્ષમતા સિવાય અન્ય કોઈ તફાવત નથી કરેલો… તો શું પુરુષ કે સ્ત્રી આવું ઈચ્છે છે.. કે પછી આ સમાજ..? વર્ષોથી ચાલતા આવતા અમુક રીવાજો.. અમુક બાબતો શું સમાજ બદલી ના શકે? દિકરી બન્યા એટલે એકલા રહેતા હોય છતાં પિતાને ત્યાં ના રહી શકાય.. સમાજ ઘરજમાઈ કહે. એટલા માટે દિકરી એક દીકરાથી પણ વિશેષ હોય.. છતાં સમાજના કારણે મા-બાપ સાથે રહી ના શકે અને પરણ્યા પછી તો ખાસ..એવું શું કામ? એ જ રીતે દીકરો હોવા છતાં એક જ ગામમાં અલગ મકાનમા રહેતા હોય તો કેમ સમાજ એ દીકરાને મા-બાપ થી દૂર થવાની ટીકા કે સાથે રહેવાની અપીલ કરતો નથી? બીજું એ કે સ્ત્રી જ ઘર સંભાળે પુરુષ નહિ. એવું કોણે કહી દીધું? શું પુરુષ એકલો રહતો હોય તો ઘરની જવાબદારી સંભાળતો નથી..? પણ સ્ત્રી સાથે રહે એટલે સ્ત્રી પર જ કેમ બધી જવાબદારી આવી જાય છે? ઈશ્વરે જે તફાવત રાખ્યો છે. એ સ્ત્રી બખૂબી સમજે છે અને નિભાવી પણ જાણે છે. એક સામાન્ય સ્ત્રી હોય કે પ્રખ્યાત સ્ત્રી. દરેક સ્ત્રી તેની મર્યાદાઓ જાણે જ છે.. દરેક સ્ત્રી મા બનવાના સુખને આવકારે જ છે. ગમ્મે તેવી સફળ કારકિર્દી હોય સ્ત્રી પોતાને  દિકરી, પત્ની અને મા બનવાનું સન્માન સર્વ શ્રેષ્ઠ જ માને છે.

સ્ત્રી સાથે શક્તિ,ચારિત્ર્ય, સાહિત્ય, સંઘર્ષ, કેળવણી, સૌંદર્ય, સાહસ, સંબંધ, ન્યાય, સમાજ, સંવેદના, આ તમામે તમામ બાબતો સાંકળી લેવામાં આવે પણ તે પુરુષ વિના પરિપૂર્ણ થતી નથી. પિતા હોય કે પતિ કે પછી દીકરો.. તેનું અસ્તિત્વ પુરુષ સાથે જ સંકળાયેલું છે. એમ કહીએ કે સ્ત્રી અને પુરુષ બંને એક બીજા વગર અધૂરા છે તેના બદલે એમ કહેવામાં આવે કે બંને એકબીજાથી જ પરિપૂર્ણ બને તો વધુ યોગ્ય લાગશે. ભલે સમાજે બનાવેલા નિયમોમા ફેરફાર થાય કે ના થાય પણ લોકોના મનમાં બદલાવ આવે તે જરૂરી છે. દરેક પ્રત્યે, ખાસ કરીને સ્ત્રીને પુરુષ માટે અને પુરુષને સ્ત્રી માટે માન થાય, સન્માન થાય એવું અવશ્ય કરવું.. અને ક્યારેક તો પ્રંશસા પણ કરી લેવી એમાં ખોટું નથી. મારા મતે તો બંને સરખા જ છે.. બંને સમોવડી જ છે.. જો દીકરા-દિકરી એક સમાન.. તો પુરુષ-સ્ત્રી કેમ નહિ…? સ્ત્રી કે પુરુષ ના અસ્તિવને જગાડવા ખાસ દિવસોની જરૂર ના પડે..અને બંને વચ્ચે માન સાથે પ્રેમ ધબકતો રહે એવી જ શુભેચ્છા…

By – vagbhi pathak-parmar

Advertisements