સાહિત્યના છેલ્લા શ્વાસ :

નામ : સાહિત્ય

પિતાનું નામ : સર્જક (લેખક, કવિ, વાર્તાકાર…..)

ઉમર : અનંતકાળ  (લગભગ હજારો વર્ષ.. )

રહેઠાણ : સર્જકો અને વાચકોના હૃદયમાં વસવાટ..

એક સાહિત્યકાર પોતાની કૃતિઓમાં ખોવાઈ જાય છે. સાહિત્યકારો, લેખકો, કવિઓ અને માનસિક રીતે જન્મ આપે છે તેથી હું તેનો માનસ પુત્ર થયો. જીવિત છું કારણ કે મને અનુભવી શકાય, સમજી શકાય અને  વાર્તા, સંગ્રહ, લેખન સ્વરૂપે લોકો મને ઓળખે છે. પરંતુ હમણાં હમણાં મને લાગી રહ્યું છે કે મારી સાથે ઘણો અન્યાય થઇ રહ્યો હોય…

સર્જકો મને એક પ્રેમીની જેમ પ્રેમ કરે છે પણ અન્યોનું નામ આપી જાણે બીજા સાથે પરણાવી દેતા હોય તેવું લાગે છે… તેવી જ રીતે મારી ઉઠાંતરી કરી મને સર્જકના સર્જનથી વિખુટો પાડી દે છે…એટલું જ નહિ મારી માટે હવે અલગ અલગ પ્રાંત પણ ઉભા થઇ ગયા છે. ભાષા માટે મારી સાથે લડાઈ ચાલી રહી છે.. લાગે છે મારા ભાઈબંધુ સાથે મારી લડાઈ છે.. મારું સર્જન કરી મને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરે અને મારું સંમેલન થાય.. મને અને મારા સર્જકને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે પરંતુ આ બધો દેખાવ…દંભ શા માટે? બીજા ઘણા ક્ષેત્રોમા કાવાદાવા, લાગવગ અને ઘુસણખોરી જેવા દુષણો છે તો મારામાં આ બધા દુષણોનો પ્રવેશ શું કામ? મારા સર્જક કેમ મારું યોગ્ય સ્વરૂપ જાળવી  શકતા નથી?

લોકોની જેમ મને પણ પરિવર્તન ગમે છે પરંતુ હજુ જુના દિવસો જ મારા માટે ચાલ્યા કરે છે.. નવું ભાણું, નવો પહેરવેશ, નવી દિશા મને પણ ગમે છે પણ મારામાં કોઈ પરિવર્તન ઇચ્છતું નથી.. સર્જકો, લેખકો હયાત હોય કે ના હોય તો પણ મારી છાપ એ જ છે.. જૂનવાણી.. નવા સર્જકો, નવા લેખકો, કવિઓના મનમાંથી હું ઉદભવું તો પણ મને દૂધ પીતી દીકરીની જેમ નાશ કરવામાં આવે છે.. મારી જૂની પેઢી ખતમ થવા આવી છે છતાં નવી પેઢીનો યુગ શરુ કરવામાં આવતો નથી. મારા પૂર્વજો રૂપી સાહિત્ય હવે નામશેષ થવા પામ્યું છે છતાં નવી પેઢીનું સાહિત્ય કોઈ જન્મવા દેતું નથી. નવા વિચારો, નવી ટેકનોલોજી, નવી જાગૃતતા આવી છે..છતાં આશ્ચર્યની વાત એ છે કે મારો ક્યાય વ્યવસાય તરીકે સમાવેશ થતો નથી.. વિદ્યાર્થીમિત્રો બાળપણથી ભાષા, કવિતા, વાર્તા વગેરે અલગ અલગ સ્વરૂપમાં મને જાણતા- સમજતા આવે છે છતાં કારકિર્દી સ્વરૂપે જવલ્લે જ મારી કોઈ પસંદગી કરે છે.

આ મારા છેલ્લા શ્વાસે હું અનુભવી રહ્યો છું કે પરોક્ષ રીતે મારું ખૂન થઇ રહ્યું છે.. નવા-જુના સર્જકોના-પ્રકાશીતોના સંઘર્ષમાં મારો અમુલ્ય ફાળો છે છતાં દરેક ક્ષેત્રની જેમ મારામાં પણ દુષણો ભળવા લાગ્યા છે. હું પ્રખ્યાતિ પામેલા સર્જકોના રોગનો શિકાર છું. હું પળેપળ મારી રહ્યો છું.. ગૂંગળાઈ રહ્યો છું.. હવે કોણ મને જીવાડશે? કે મારી આગળની પેઢી સમા નવા સર્જકો રચશે અને ફરી મને સ્વસ્થતા અને પવિત્રતા પ્રદાન કરશે…?

By : vagbhi

Advertisements