હેપ્પી મધર્સ ડે

મન, આત્મા અને અસ્તિત્વનો અદભૂત  ઉપહાર આપનારી માં…

માં આ એક શબ્દમાં જ સંસારના  તમામ સુખોની પ્રાપ્તિ થાય છે. માં ભોમ, માં નવદુર્ગા કે લાડકવાઈ માં.

જીવન આપનારી, સંસ્કાર અને શિક્ષણથી સિંચન  કરનારી આપણી વિધાતા એટલે માં.

જન્મ આપનારી  માં દેવકી હોય કે પાલક માતા યશોદા, માંની છબી હમેશા પ્રેમસભર રહી છે. માંનો સ્નેહ હંમેશા બિનશરતી રહ્યો છે. કહેવાય છે ઈશ્વરે માં બનાવી અને મનુષ્યોને સમગ્ર સુખો આપી દીધા પરંતુ મારા મતે તો માં બનાવી “પ્રેમ” ની વ્યાખ્યા જ આપી દીધી નિસ્વાર્થ, નિર્મળ અને નિર્વિકલ્પ છે માંનો પ્રેમ.

સંતાન અણસમજુ હોય ત્યારથી સમજણું બને ત્યાં સુધી માંની છત્રછાયામાં સંતાન જીવન જીવતા શીખે છે. સંતાનના રોલમોડલ કે તેની પ્રેરણા સર્વ પ્રથમ  કોઈ હોય તો તે માં છે. માંના અનુભવોનું અનુકરણ કરીને જ તો સંતાન જીવનમાં અનુસરે છે.

સંતાનના સર્જનથી માંડીને સિંચન સુધી અને સર્વ તકલીફોમાંથી રક્ષણ  સુધી માંનો હાથ  અને માં નો સાથ સદા સંતાન માટે પ્રયત્નશીલ રહે છે. કહેવાય છે માંના ચરણોમાં સ્વર્ગ છે અને તેના ખોળામાં સમગ્ર ખુશીઓનો સમંદર. માંના ખોળામાં માથું મુક્ત જ સમગ્ર દુઃખો, તકલીફો વિસરાય જાય. માંના ચરણોમાં પડતા જ સમગ્ર ઈશ્વરને પ્રણામ થઇ જાય  એટલે જ તો ઈશ્વર પછી માંને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ઈશ્વરે પણ  સર્જનશક્તિ  માં  જેવા  પ્રેમાળ  અને  નિસ્વાર્થભાવમાં  જ મૂકી . માં  ઉપર  કેટલીયે  કહેવતો, કવિતા, વાર્તા, કથાઓ  રચાઈ  પરંતુ  અતૃપ્ત  અને  અખૂટ  છે  આ  “માં” શબ્દનો  “અમૃત  પ્રેમ  સાગર” .

મધર્સ ડે પર માત્ર માંના વખાણ કે તેના ત્યાગ, બલિદાન કે લાગણીઓ વિશે વાત નથી કરવી. મારે તો માતૃત્વ વિશે વાત કરવી છે. દરેક જણા આજના દિવસે માં નો આભાર માને છે. માં ને પોતાની લાગણી વ્યકત કરે છે. પણ આજે આનાથી કઈક અલગ કરીએ. મધર્સ ડે પર માંના  પોતાના સંતાનની લાગણી વિશે વાત કરીએ. માં બન્યાની ખુશી માત્ર સંતાન આપી શકે તો આ સંતાને આપેલા બિરુદ માટે સંતાન પ્રત્યે ગર્વ કરીએ.

હું આજે મારી દીકરીને થેન્ક્સ કહેવા માગું છું. એક માં તરીકે મારા બાળકનો આભાર માનવા ઈચ્છું છું. મારા બાળક વિના મને માં.. કહીને કોણ બોલાવત? દરેક સંબંધો મળી જશે પણ માં સંબંધ માત્ર સંતાનથી જ પ્રાપ્ત થશે. અહી હું પાલક કે જન્મ આપનારી માંને અલગ તારવવા નથી માગતી.. કારણ કે માં તો આખરે માં છે. પછી દેવકી શું અને યશોદા શું?

પણ બાળક વિના માં કે માંનો સંબંધ કે માંની મમતા કે માં શબ્દ અધુરો છે. માં બનવાનું સુખ માત્ર સંતાન જ આપી શકે. એમ કહીએ કે બીજો જન્મ આપે તો જરાય ખોટું નથી. માં બન્યા પછી એક સ્ત્રી સંપૂર્ણ થાય છે. માં બની અને એક સ્ત્રી બીજો જન્મ લે છે. ફરી પાછું એ બાળપણ.. અને બધું જ બાળકને શિખવાડવાનું એક બાળક બનીને, એટલે જ તો માંને શિક્ષક પણ કહેવાય છે.

માં બાળક માટે સૌથી પહેલી રોલ મોડલ છે. દરેક બાળકની સૌથી પહેલી પ્રેરણા તેની માં જ હશે. બાળપણથી સમજણના દ્વાર સુધી માં ને જ નિહાળતા ક્યારે તે રોલ મોડલ બની જાય છે તેની જાણ થતી નથી અને પછી શાળાએ પગથીયા માંડતાની સાથે જ શિક્ષક તેની પ્રેરણા બની જાય છે. દરેક બાળક તેની માં અને તેના શિક્ષકનું ખુબ અનુકરણ કરતુ હશે.

કહેવાય છે ને માં બનવું એ ઈશ્વરનું સૌથી મોટું વરદાન છે. અને બાળક થકી જ તો આ માં નું બિરુદ મળે છે એટલે માં કે મધર્સ ડે સંતાન માટે પણ એટલો જ મહત્વનો છે.

એક માં તરીકે હું મારા સંતાનની ખુબ આભારી છું. માં શબ્દ લાગણી સાથે  જવાબદારીનો પણ છે. ઈશ્વર એક જીવની જવાબદારી સોપે છે અને આ જવાબદારી પુરા દિલથી એક માં જ નિભાવી શકે એવો ઈશ્વરને પણ ખ્યાલ છે.

માં તરીકેની મારી જર્ની શરુ થઈ લગભગ ૪ વર્ષ પહેલા.. દીકરીના જન્મ પેહલા થોડા કોમ્પ્લીકેશન્સ આવ્યા પણ માં બનવાની ખુશી અને પોઝીટીવીટી એ મને આ પડાવમાંથી પસાર કરી દીધી. સંતાનના જન્મ સમયે પ્રસવ પિડા સહ્યા વિના જ સીઝારીયનથી મારી દીકરી આવી. જરા પણ શારીરિક કે માનસિક પિડા વિના મારી હેલ્થી બેબી એ જન્મ લીધો. ઘણા લોકો સંતાનના ઉજાગરાની વાતો કરતા હોય છે. પણ મારી દીકરી એ મને એક રાત પણ ઉજાગરો કરાવ્યો નથી એ બાબતે પણ હું લકી નીકળી. ક્યારે ૩ વર્ષ થઈ ગયા એ જ ખબર ના પડી.  દીકરી ખુબ નાની હતી ત્યારથી જ મેં નોકરી શરુ કરી દીધી અને આજ સુધી વહેલી સવારે મને બાજુમાં ના જુએ એટલે મારી જગ્યા એ માં નો અહેસાસ કરતી સુઈ જાય અને મારું ઓઢવાનું ઓઢી લે. બાળકમાં પણ સંવેદના અને લાગણી ભરપુર હોય છે.. ખાસ કરીને એની માં માટે..

મેં ધાર્યું પણ નતું કે મારી દીકરીને મારી આટલી બધી લાગણી હશે. અને મારી દીકરીના આવા પ્રેમ અને લાગણીના કારણે જ આજે હું માં શબ્દને માની લાગણીને અને મારી માંને પણ થોડા અંશે સમજી શકી છું.

માં બન્યા પછી મારું એકાંત સાવ ખતમ થઈ ગયું. હવે તો ક્યારેક એકાંત મળે તો પણ ગમે નહિ. માં બન્યા પછી જીવન અને જીવવાનો નજરીયો બદલાય ગયો.. પોઝીટીવ થઈ ગયો. દીકરીના નિખાલસ બાળપણ અને લાગણીને મેં પણ મારા જીવનમાં અનુસરી અને નવા જન્મ તરીકે અપનાવી. એમ કહું કે મારી દીકરી મારી પ્રેરણા બની ગઈ. આપણે હમેશા લોકપ્રિય લોકોને જ પ્રેરણાત્મક સમજતા હોઈએ છીએ પણ બાળકથી વધુ કોઈ પ્રેરણાબળ બીજું કોઈ હોઈ જ શકે નહિ. અમુક બાબતો બાળકને શીખવવી નથી પડતી એ જન્મજાત હોય છે અને એટલે જ દરેક બાળક કઈક અંશે એકબીજાથી જુદું પડે છે.

મારા મિત્રો ખુબ રહ્યા છે પણ હું હમેશા એક બેસ્ટ ફ્રેન્ડ શોધતી. હવે હું ગર્વ પૂર્વક કહી શકું છું કે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી દીકરી છે. બોલો.. હશે કોઈ આવી માં.. જે એની દીકરીને પ્રેરણાબળ માને અને બેસ્ટ ફ્રેન્ડ પણ. હા… બાળકનો સ્વભાવ જ હોય છે એને હસતા ચેહરા..ખુશ ખુશાલ હાસ્ય જ ગમે. જરા પણ ઉદાસ જુએ એટલે એ પણ ઉદાસ થઇ જાય અને કા પછી રડવા લાગે. ક્યારેક ટેલીવિઝનમાં કોઈ દ્રશ્ય જોતા કે અચાનક રડવું આવે, દિલ ભારે થઈ આવે તો પણ દીકરી તરત જ સમજી જાય.. પૂછવા માંડે મમ્મા શું થયું ? કોણ ખીજાણું? પછી ભગવાનના ફોટા સામે જોઇને બોલે.. જે જે કેમ મમ્માને ખીજાવ છો? અને પછી મને આવીને કહે કે બસ…મમ્મા.. હું જે જે ને ખીજાય લીધું. હવે રડવાનું નહિ હ. અને ત્યારે જે અહેસાસ થાય ત્યારે ભગવાનને પણ આભાર માનવાની ઈચ્છા થાય.

આજે ભલે બધા કહે કે સંતાન માં-બાપનું ધ્યાન નથી રાખતા. મોટા થઈ અને માં-બાપની લાગણીને ભૂલી જાય છે.  માં-બાપે પણ એ ના ભૂલવું જોઈએ કે મારું સંતાન આવું હોય જ ના શકે..? અને જો આવું છે તો તેનું શું કારણ છે? જેમ માં-બાપને સંતાન માટે લાગણી હોય છે તેમ સંતાનને પણ માં-બાપ માટે લાગણી હોય જ છે. બસ, ક્યારેક દેખાડી શકતા નથી તો ક્યારેક સમજાવી શકતા નથી.

માં-બાપને સમજવું જેમ સંતાનની ફરજ છે તેમ સંતાનને સમજવું પણ માં-બાપની ફરજ છે. સંતાન નાના હોય ત્યારે કોઈ અપેક્ષા વગર જો એનો ઉછેર કરતા હોઈએ તો પછી એ જ સંતાન મોટું થાય પછી તેમની પાસેથી આટલી બધી અપેક્ષા શું કામ?

માંને  વધુ  કઈ ના આપી  શકીએ તો કઈ નહિ પણ એક  અમૂલ્ય  ભેટ એ આપીએ  કે  તેની પરવરીશ  અને  સિંચનને  સાર્થક  કરીએ . એક યોગ્ય અને સારા સંતાન બનીએ . બસ , આથી  વિશેષ  માં માટે શું હોય શકે ?

માતા -પિતા ને  સંતાનો  બસ  એટલું  સુખ  આપે  કે  આજે  ઘરડાઘર  ઉભા ના  થાય. જે માં એ  જન્મ આપ્યો અને હંમેશા સંતાનોને ડગલે ને પગલે સાથે રહ્યા તે જ સંતાનોને  માં –બાપ શા માટે નડ્યા? જેમ માતા-પિતા એ સંતાનોને  સાચવ્યા તેમ સંતાનો  પણ  માતા-પિતાને સાચવે .

માને ને વધુ કઈ ના આપી શકીએ તો કઈ નહિ પણ એક અમૂલ્ય ભેટ એ આપીએ કે તેની પરવરીશ અને સિંચન ને સાર્થક કરીએ. એક યોગ્ય અને સારા સંતાન બનીએ. બસ, આથી વિશેષ માં- બાપ માટે શું હો શકે? માતા-પિતાને સંતાનો બસ એટલું સુખ આપે કે આજે ઘરડાઘર ઉભા ના થાય. જે માં એ જન્મ આપ્યો અને હંમેશા સંતાનોને ડગલે ને પગલે સાથે રહ્યા તે જ સંતાનો ને માં –બાપ શા માટે નડ્યા? જેમ માતા-પિતા એ સંતાનો ને સાચવ્યા તેમ સંતાનો પણ માતા-પિતાને સાચવે.

માં બનવાનો અનુભવ સર્વ શ્રેષ્ડ છે. અને દરેક સંતાન માટે માંને ગર્વ હોય છે. મધર્સ ડે પર એક માં તરીકેની સંવેદના…માં તરીકેનો અનુભવ…અને માં તરીકેનો મારો નવવિચાર આપ સૌને ગમશે એવી આશા સાથે હેપ્પી મધર્સ ડે.

By : vagbhi

Advertisements