શું ખરેખર માત્ર માણસ જ સામાજિક પ્રાણી છે ?

થોડા દિવસ પેહલા જ મારે ત્યાં ૨ માછલી આવી. પણ લાગ્યું કે જાણે પોતાનાથી વિખુટી પડી ગઈ હોય. બન્ને બે દિવસ સુધી તો સાવ શાંત જ રહી. કળવું મુશ્કેલ હતું કે શાંત પાણી છે કે આ બન્ને માછલી ! અને દિવસો જતા બીજી વધુ માછલીઓ જેવી સાથે આવી કે જાણે માછલીઓની પણ પાંખ ફૂટી નીકળી. આ જોતા મનમાં જ એક સવાલ થયો કે શું ચારેકોર સામાજિક પ્રાણી નામનો ઢોલ પીટતો માણસ એક માત્ર જ સમાજિક પ્રાણી તો નથી જ.

ઘણી વખત સવારમાં મોર્નિંગ વોક લેતા બગીચામાં કલરવ કરતા પક્ષીઓને એક સાથે નિહાળું છું ને ફરી બસ એક જ પ્રશ્ન કરું છું. પશુ-પક્ષી હોય કે પ્રાણી કે પછી વૃક્ષો જ કેમ ના હોય,  પોતાના સમાજનો એક અભિન્ન અંગ ચોક્કસ હોય જ છે. ઘણી વખત સાથે ઉછરતા વૃક્ષોને ફળતા-ફુલતાં જોયા છે પરંતુ એક વૃક્ષની કાપણીની અસર બીજા વૃક્ષને અવશ્યપણે થાય છે.

નાહકનો માનવી સામાજિક હોવાનો ખોટો ડોળ કરે છે. સમાજમાં રહેવું અને સંબંધમાં ટકવું, સાતત્યતા જાળવવી તો આપણને સમગ્ર જીવ સૃષ્ટિ જ શીખવે છે. ખરું ને ! હા બસ સમાજના કુરિવાજો, સામાજિક બંધનો કે સ્વાર્થભર્યા સંબંધો માત્ર માણસના ભાગે અને ભોગે છે. એક સભ્ય સમાજનો હિસ્સો બનવામાં આપણે કેટ કેટલુંય ગુમાવવું પડે છે અને જજુમવું પડે છે. કાશ, ઈશ્વરે માણસને સમજદારીના હિસ્સામાં થોડી સચ્ચાઈ પણ આપી હોત ખિસ્સામાં… કે જે પરિવર્તન તો દૂર પણ સ્વીકારી તો શકતા હોત કોઈ એક કિસ્સામાં…

હવે આસપાસ જયારે પણ નજર ફેરવો કે પછી કોઈ પણ સજીવને સમાજમાં કે સંબંધમાં નિહાળો તો મારા આ વિચારને ચોક્કસ યાદ કરજો.

Advertisements