“આઈના મુજસે મેરી પહેલી સી સુરત માંગે…..
મેરે અપને મેરે હોને કી નિશાની માંગે….”

અસ્તિત્વ એ પછી ગઈકાલનું હોય, આજનું કે આવતીકાલનું. પણ આપણા સ્વજન, પ્રિયજનને પણ આપણા અસ્તિત્વની જરૂર હોય છે. અસ્તિત્વ પૂરું એટલે જીવન પૂરું અને કદાચ આ સ્નેહભર્યા સંબંધો પણ પુરા. અસ્તિત્વને જીવન સાથે એટલે સાંકળવામાં આવે છે કારણ કે જીવનનો એક અગત્યનો ભાગ છે અસ્તિત્વ. લાગે છે કે અસ્તિત્વ અને એ પણ દ્રશ્ય અસ્તિત્વ સિવાય કોઈ લાગણીઓને વાચા આપી જ શકતું નથી. અસ્તિત્વ ભલે ગમ્મે તેવું હોય શારીરિક, માનસિક, સામાજિક કે આર્થિક પરંતુ અસર જરૂરથી કરતુ હોય છે. એક માં તેના ઉદરમાં ઉછરી રહેલા સંતાનને જે તે સમયે ભ્રુણ હોય છે છતાં એક અસ્તિત્વને મેહસૂસ કરી શકે છે અને જે પિતા કદાચ નથી કરી શકતા. એ તો જયારે ભ્રુણમાંથી બાળક તરીકે જન્મે ત્યારે જ પિતાને સંતાન તેના અંશ કે અસ્તિત્વનો એહસાસ થાય છે. આખરે અસ્તિત્વને ખરેખર દ્રશ્યમાન થવાની જરૂર હોતી હશે ખરી?

અસ્તિત્વ જીવંત પર્યત હોય છે એવું પણ નથી. ક્યારેક આપણે આપણા ભૂતકાળને સુવર્ણકાળ માનતા હોઈએ છીએ અને એ અસ્તિત્વની કલ્પના ફરી પાછી વર્તમાનમાં ઇચ્છા રાખતા હોઈએ છીએ. ઘણા લોકો અમુક સમય પછી મળે એટલે તરત જ કહેશે , ‘ તું તો ખુબ બદલાઈ ગઈ/ગયો.’ આ બદલાવ શું આપણા અસ્તિત્વ પર અસર કરે છે ખરા !! આ પરિવર્તન આપણા આજના અસ્તિત્વને હંફાવી શકે છે ખરા ! જેવા કોઈ વ્યક્તિએ આપણને પેહલા જોયેલા એ જ અને એવા જ આપણે રહી શકીશું ખરા ? શરીરથી, હૃદયથી કે અન્ય કોઈ રીતે…

અંતે તો આપણે પણ આપણું ખુદનું અસ્તિત્વ ઝંખતા હોઈએ છીએ કારણ કે જે બદલાવ કે જે પરિવર્તનની આપણે વાત કરીએ છીએ એ આપણને હર હંમેશ પેહલા કરતા ઓછો જ લાગે છે. હમેશા ભૂતકાળને વાગોળતા આપણે આજનું પરિવર્તન કે બદલાવ સ્વીકારી શકતા જ નથી અને જો સ્વીકારીએ છીએ તો ક્યારેક ભૂતકાળને ભૂલથી પણ યાદ તો કરી જ લેતા હોઈએ છીએ.

અસ્તિત્વ ટકાવી રાખવું જેટલું જરૂરી છે તેમ તેમાં થોડો બદલાવ પણ જરૂરી છે. જેમ એક છોડનું અસ્તિત્વ કુમળું રહેવાનું છે તેમ એક વૃક્ષનું અસ્તિત્વ ખડતલ અને અડગ રહેવાનું છે પરંતુ જે છોડ ભૂતકાળમાં કુમળો હતો એ જ છોડ વૃક્ષ બની અને અડગ બની જાય છે પણ અંતે તેનું અસ્તિત્વ ક્યારેય મરતું નથી.

 

Advertisements