ચાલો શીખીએ સ્ત્રીને સમજવાની એ.બી.સી.ડી.

સ્ત્રી ને સમજવાની કોઈ ચોક્કસ ચાવી નથી. પણ હા, સ્ત્રીને સમજવી એટલી મુશ્કેલ પણ નથી. આપણે જરા વધુ પડતું મહત્વ આપી દીધું છે એટલે કે અઘરું બનાવી દીધું છે. આમ જોઈએ તો સ્ત્રી હોય કે પુરુષ કોઈપણને સમજવું અઘરું જ છે. કારણ કે માણસને કેળવી શકાય, તેના મનને કેળવવું અને કળવું અશક્ય છે. હવે આમાં દોષ છે મનનો ને આપણે દોષ આપીએ સ્ત્રીને. આમ કેમ ચાલે ?

ખરેખર સ્ત્રીનું સર્જન ભાવુકતા માટે જ કરવામાં આવ્યું છે. જો સ્ત્રીમાં ભાવુકતા જ ન હોય તો પુરુષોનું શું થાય? હું એમ નથી કહેતી કે પુરુષો ભાવુક નથી. પણ હું એમ કહું છું કે સ્ત્રી વધુ ભાવુક હોય છે. કારણ કે તેમણે એક દીકરીમાંથી પત્ની અને પછી માં બનવાનું છે. જયારે સ્ત્રીની ભાવુકતાની વાત આવે ત્યારે સૌથી ટોચ પર એક માં નું સ્થાન જ મોખરે હોય છે. આમ જોઈએ તો સ્ત્રી સંપૂર્ણ ત્યારે જ બને છે જયારે તે માં બને છે. ત્યાં સુધી સ્ત્રી ખુદ પોતાના સ્ત્રીત્વને ઓળખી સકતી નથી.

પણ પ્રશ્ન એ થાય કે આ સ્ત્રી દિવસ ઉજવવાની જરૂર શું કામ? હા, અમુક સામાજિક સંદેશ એની પાછળ કારણભૂત હોય શકે. જેમકે સ્ત્રી ભ્રૂણહત્યા, સ્ત્રી હિંસા, ભેદભાવ વગેરે વગેરે… અમુક હદે આ જાગૃતિ જરૂરી છે. પણ શું માત્ર પુરુષ જ આનો દોષી છે? અને શું સ્ત્રી સ્ત્રીની મિત્ર કે હિતેચ્છુ છે? જો સ્ત્રીઓ જ ખુદનું કે અન્ય સ્ત્રીનું સન્માન કરશે કે સમજશે તો પછી આ પ્રશ્નનો ૫૦% ઉકેલ મળી જશે અને અમુક હદે હલ પણ થઈ જશે. આપણે પુરુષો ઉપર થોપી દીધો છે બધો દોષ. હા, અમુક કિસ્સાઓમાં પુરુષો ચોક્કસ ગુનેગાર છે પણ એની જડ પણ સ્ત્રીથી જ શરુ થાય છે. જો ઘરમાં માં અન્ય સ્ત્રીનું સન્માન કરતા પહેલેથી શીખવે અને ભેદભાવ ના કરે તો પુરુષ આટલો હિંસક બની શકે ખરો ?

આ પ્રશ્નોના જવાબ આપણે દરેકે જાતે જ ઉકેલવા પડશે… આ માટે ધરણા કે કાયદો કે કોઈ દિવસની ઉજવણી કામ નહિ લાગે. કે પછી સ્ત્રી વિષયક ફિલ્મો, ડોક્યુમેન્ટરી કે પુસ્તકો, નાટકોથી કઈ નહિ વળે. પેલા તો સ્ત્રી એ સ્ત્રીને સન્માન આપવું પડશે. સમજવી પડશે. પછી પુરુષ પર આંગળી ચિંધવાનો એને અધિકાર છે.

નાની નાની બાબતોમાં સ્ત્રી ખુબ જ સરળતાથી બીજી સ્ત્રીનું અપમાન કરી નાખતી હોય છે. આડોશ પડોશમાં સંભાળવા મળે “ ઓહો પેલા ખોળે દીકરો સારો જ કેવાય… પેંડા વહેચો… પેંડા…. “ તો ક્યારેક દીકરી જન્મેને પેંડા વહેચતા પિતા (પુરુષ) ને સંભાળવું પડે કે દીકરીમાં પેંડા ના હોય… જલેબી હોય જલેબી… હવે આવી સ્ત્રીઓ જ સ્ત્રીના સન્માનની વાત કરે તો ચોક્કસ લાફો મારવાની ઈચ્છા થાય કે ના થાય ???

આવી જ રીતે જે ઘરમાં ભાઈ-બહેન હોય ત્યાં ચોક્કસ છોકરો-છોકરી આ ભેદભાવ સહજ ભાવથી જોવા મળે. કારણ કે આપણે નાની નાની બાબતમાં જાણતા અજાણતા જ ભૂલો કરી નાખતા હોઈએ છીએ. જે ઘરમાં ખાલી દીકરી કે દીકરીઓ હોય, તે ઘરની દીકરી મજબુત અને સ્વાવલંબી વધુ જોવા મળશે.

સ્ત્રી સારી પણ છે અને ખરાબ પણ.

જો સ્ત્રી એક માં છે તો સારી ! અને સાસુ છે તો ખરાબ ?

એક દીકરી છે તો સારી ! અને વહુ છે તો ખરાબ ?

એક પ્રેમિકા છે તો સારી ! અને પત્ની છે તો ખરાબ ?

બહેન છે તો સારી ! પણ સાળી કે નણંદ છે તો ખરાબ ?

કામવાળી છે તો સારી ! અને બોસ છે તો ખરાબ ?

એક દોસ્ત છે તો સારી ! પણ હરીફ છે તો ખરાબ ?

પણ અંતે તો એક સ્ત્રી જ છે

સ્ત્રી જયારે સ્ત્રીને દરેક સ્વરૂપે સ્વીકારશે ત્યારે પુરુષોને પણ સ્વીકારવું જ પડશે. ઇતિહાસ ગવાહ છે.. એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન કે ઈર્ષાનું પાત્ર બને છે ત્યારે રામાયણ, મહાભારત રચાય છે.કૈ કૈ, સુપર્ણખા, મંથરા, આ બધા ઉદાહરણો આપણી સામે જ છે.

એવું નથી કે ઇતિહાસ જ બન્યો… આતો હમેશાં ચાલતી આવતી પ્રથા છે. એક તરફ આપણે માં ના પ્રેમની વાતો કરીએ, અને બીજી તરફ વાચવા મળે જોવા મળે કે એક માં એ નવજાત શિશુને તરછોડી દીધું, એક દીકરીએ માતા પિતાના કહેવાથી સાસુ સસરાને કાઢી મુક્યા, એક બહેને તેના જ બનેવી સાથે પ્રેમ સંબંધ રાખ્યો. આવું તો ઘણુંય… હવે શું સમજવું??? આમાં પુરુષ ક્યાં આવ્યો વચ્ચે??? આ તો થઈ માત્ર સ્ત્રીની જ વાત. સ્ત્રીની સ્ત્રી પ્રત્યેની વાત.

સ્ત્રી પાસે માંગણી કરવામાં આવે તો એ દહેજપ્રથા કહેવાય પણ સ્ત્રી માંગણી કરે તો એ શું કહેવાય?

એવું નથી કે દરેક સ્ત્રીઓ સારી જ અને એવું પણ નથી કે દરેક સ્ત્રીઓ ખરાબ જ. પણ અમુકના દોષે બીજા દંડાય. પણ પુરુષો ખરાબ જ એવી વિચારશરણી ધરાવવી પણ હિતકારક નથી. ઘણી જગ્યાએ જોવા મળે છે કે ઘરમાં સ્ત્રી શાસન શાસન ચાલતું હોય. સ્ત્રીની ભાવુકતા, લાગણીથી જેમ બધા પરિચિત છે તેમ સ્ત્રી હઠ અને ઈર્ષા, કંકાસથી પણ બધા પરિચિત છે જ. તેમ છતાં….!!

સ્ત્રી સારી કે ખરાબ એ વિશે ખુબ સુંદર સંવાદ એતરાઝ ફિલ્મમાં છેલ્લે બોલવામાં આવ્યો છે… “ જયારે કોઈ પુરુષ સ્ત્રીને મારે છે ત્યારે આપણે એમ કહીએ કે કેવો ઝાલિમ પુરુષ છે… અને જયારે સ્ત્રી કોઈ પુરુષને લાફો મારે ત્યારે પણ આપણે એમ જ કહીએ છીએ કે નક્કી કઈક પુરુષે જ ખરાબ કર્યું હશે”

બંનેમાં આપણે દોષી પુરુષને જ ગણાવીએ છીએ. એવું નથી કે દર વખતે પુરુષ જ સારો છે પણ ક્યારેક સ્ત્રી પણ ખરાબ હોય શકે છે. પણ આપણો કાયદો આપણો સમાજ હમેશાં સ્ત્રીતરફી જ વલણ ધરાવતો જોવા મળે છે. અને પુરુષની તરફેણમાં જ શું કામ ?

હવે પુરુષ અને સ્ત્રીની વાત. લજ્જા ફિલ્મમાં ખુબ જ સરસ સંવાદ છે. વર્ષો જુનું રામાયણ રામલીલા સ્વરૂપે ભજવાય છે પણ સંદેશ આજનો આપવામાં આવ્યો છે. આજની સીતા (સ્ત્રી) કહે છે કે અગ્નિપરિક્ષા માત્ર સીતા (સ્ત્રી) જ શું કામ આપે ? રામ (પુરુષ) પણ તેનાથી વર્ષો સુધી દૂર હતો. પત્ની(સ્ત્રી) એ જ પવિત્રતા માટે પરિક્ષા આપવાની? ખુબ જ સરસ સંવાદ લખાયો અને પ્રસ્તુત થયો છે. તો બીજી તરફ મેરી કોમ ફિલ્મમાં તેના પતિનો સાથ સહકાર જોતા પુરુષ પર પણ માન થાય. આ આજના પુરુષની વિચારશરણીની વાત.

સ્ત્રી સારી જ છે અને પુરુષ ખરાબ જ એવી વિચારશરણી ધરાવતા લોકો પણ ઘણા જોવા મળશે. પણ કોઈ પૂર્ણ નથી. સંપૂર્ણ નથી. બંને એક બીજાના પુરક છે. બંનેનો સાથ સહકાર જ બંને ને સંપૂર્ણ કરે છે. આ ભેદ જ શું કામ છે સમજાતું નથી. લક્ષ્મી-નારાયણ, શિવ-શક્તિ પણ એક બીજા વિના અધૂરા તો પછી સ્ત્રી-પુરુષની શું મજાલ ?

કેવું છે નહિ આવા ભેદ માત્ર માણસોએ જ ઘડી કાઢ્યા છે. પ્રાણીઓ- પક્ષીઓમાં નર અને માદા જેવા ભેદભાવ એવું દુષણ હશે ખરા??? આપણા કરતા તો એ બુદ્ધિશાળી… એ જાણતા હશે કે આ ભેદ તો માત્ર પ્રજનનક્ષમતા માટેનો જ છે. ઓશોના એક પુસ્તકમાં મેં વાચેલું કે માણસમાં નીચેની અવસ્થા એટલે કે છાતી સુધીની અવ્સ્સ્થામાં ભિન્નતા છે એનાથી ઉપર એટલે કે મન, મગજ બંને તો બનેના એકસમાન જ છે. તો પછી આ મન અને મગજમાં કેમ આવું ભૂસું ભરાયું છે ??? અને આ ભર્યું પણ કોણે હશે ??? જે આજ સુધી અમુકમાંથી નીકળતું નથી.

એક વર્ગ એવો છે જે સ્ત્રીની બુદ્ધી પગની પાનીએ સમજે છે અને સ્ત્રીનું સન્માન કરવામાં સમજતો જ નથી. તો વળી, બીજો વર્ગ એવો છે જેને પુરુષના સ્વમાન કે પુરુષત્વને માન આપવાની પડી જ નથી. હવે સમજદાર લોકો એ આ બંને વચ્ચે સાયુજ્ય.. સમાનતા લાવવાની કોશિશ કરવાની છે. આ તફાવતને, આ પુલને દૂર કરવાની જેહમત ઉઠાવવાની છે. સ્ત્રી-પુરુષ બંને છે એક સમાન.

vagbhi

Advertisements