NATURE

આજે છે વર્લ્ડ એનવાયરોન્મેન્ટ ડે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ.

આમ જોઈએ તો પર્યાવરણ, એન્વાયરોન્મેન્ટ એટલે કુદરત કે નેચર. પણ આ નેચરને આપણે કુદરતી દ્રશ્યો કે કુદરતી આફતો પુરતી સીમિત બનાવી દીધી છે. અથવા તો એમ કહીએ કે આ શબ્દ ત્યાં સુધી જ સીમિત રહી ગયો છે.

હા, ક્યારેક આપણે વાતવાતમાં કહીએ છીએ કે આનો તો નેચર જ એવો છે. એટલે કે બીજા શબ્દમાં-બીજા અર્થમાં કહીએ તો સ્વભાવ. સ્વ માં ઉદ્ભવતા ભાવ કે લાગણી એટલે સ્વભાવ. પણ આ નેચર(સ્વભાવ) આપણને નેચરલ(કુદરતી) ગમતો નથી.

“જેવા છો તેવા રહો” એવું સંભાળીએ છીએ પણ સમજતા નથી. કોઈકને બદલવાનો કે બદલાવવાનો આપણને મોકો કે તક જોઈએ છે.

સ્વભાવ જેને આપણે નેચર કહીએ છીએ. આ પણ નેચરલ એટલે કે કુદરતી જ તો છે. છતાં નેચરમાં રહીને નેચરલ આપણે બની શકતા નથી.

સ્વભાવ હોય કે વસ્તુ, કુદરત પાસેથી મળેલી આ ભેટને આપણે બદલવાની કે બહેકાવાની કોશિશ ન કરીએ તે જ બેહતર છે અને જો કુદરતમાં વિઘ્ન પડે કે પાડીએ, તો તેના પરિણામો આપણે ઘણા અંશે જાણીએ જ છીએ પછી એ કુદરતી વસ્તુઓ હોય કે સ્વભાવ.

પહેલા આપણો નેચર (સ્વભાવ) અને પછી આપણું નેચર (કુદરતી વસ્તુઓ)ની માવજત કરવી અત્યંત આવશ્યક છે.

આધુનિકતા કે વિકાસના નામે કુદરતી ભેટ ખોતા જઈએ છીએ, પછી એ નેચરલ થિંગ્સ હોય કે આપણો નેચર. કુદરત વગર આપણે આપણી જાતને કલ્પી પણ ના શકીએ. કહેવાય છે આપણું શરીર પણ પંચ તત્વોથી બનેલું છે . હવે આપણે વિચારવાનું છે કે કુદરત સાથે નવીનતાઓ સમાવેશ-સંગમ કરવાનો છે કે કુદરતને ભૂલીને માત્ર નવીનતા(કૃત્રિમ) જ સ્વીકારવાનું છે ?

બીજા પર દોષના ટોપલા દેવાની આપણને જાણે આદત પડી ગઈ છે, ઘણી વખત સંભાળવા મળે કે બીજા લોકો પર્યાવરણને નુકસાન પહોચાડે છે. પણ આ બીજા એટલે કોણ વળી ??? બીજું એ કે જે દર વર્ષે જે કોઈ પણ સરકાર આજે વૃક્ષો વાવીને દિવસ ઉજવે છે… તે જ સરકારીતંત્ર રોડ વધારવા કે અમુક સંજોગોમાં વૃક્ષો કાપતા જોવા મળશે. અન્ય કોઈ ઉકેલ શોધશે ખરા ? તો સૌથી પહેલા તો સરકારીતંત્ર જ જવાબદાર અને બીજા આપણે કે એ કામને શું કામ રોકી શકતા નથી ?

દર વર્ષે માત્ર એક દિવસ જાગૃતતા દાખવવાના બદલે આપણા નેચરમાં (સ્વભાવ) જો હશે ને આવશે તો આ એક દિવસ જાગૃતતા માટે નહિ પણ ઉજવણી સ્વરૂપ ઉજવાશે.

કોઈ પણ દિવસની ઉજવણી જાગૃતતા માટે નહિ પણ પ્રસંગ સ્વરૂપે ઉજવાય, તો કેવું ???
કુદરત એનું કામ કરે જ છે, બસ આપણે થોડું ચૂકી ગયા છીએ. તો માત્ર આજે એક દિવસ જ નહિ, પણ આજથી જ શરુ કરીએ પર્યાવરણને-કુદરતને બચાવવાનો પ્રયાસ… તેમ છતાં કુદરતનું સંવર્ધન ન કરી શકીએ તો કઈ નહિ, પણ નુકસાન તો ન જ પહોચાડીએ બસ, એક એવો સંકલ્પ કરીએ.

નેચર(કુદરત/સ્વભાવ) ડે મુબારક….

નોંધ – કોઈએ પર્સનલ થવું નહિ.. આ મારી કે તમારી વાત નથી.. આ બધાની વાત છે. આસપાસ નજર નાખતા અમુક મુદ્દા પર લખવું, વાંચવું, વહેચવું ને સમજવું ગમે માત્ર એટલે જ.

વાગ્ભિ

Advertisements