RESPECT  – ACCEPT, EXPECT & EXCEPT…..

“જયારે તમે કોઈ વ્યક્તિનું અપમાન કરો છો, ત્યારે તમે તમારી જાતનું પણ અપમાન કરો છો…” આ સુંદર વાક્ય પ્રયોગ રોબીન શર્માની પુસ્તક ડિસ્કવર યોર ડેસ્ટીનીમાં થયો છે.

ખરેખર, વાત તો આજે ગેરસમજણની કરવાની હતી… પણ ગેરસમજણનું મુખ્ય કારણ પણ આ જ વિચાર આધારિત છે…એટલે પહેલા વાત માન-સન્માન-સ્વમાન અને અપમાનની.

ઘણા વખતથી આ વિષય-વિચાર મારા મનોમસ્તિષ્કમાં ફરતો હતો. ઘણા એવા સારા-માઠા અનુભવો થયા અને જોવા પણ મળ્યા.

અમુક લોકો હમેશા તુકારા-હુકરા કરતા જોવા મળે છે. ક્યારેક એમ પણ માની લેવામાં આવે છે કે તુકારા કરવાથી પ્રેમ વધે. પણ કદાચ માન ઘટે.

એવું જરૂરી નથી કે ઉમરથી મોટા હોય તેમને જ તમે કહેવું જોઈએ. ક્યારેક નાના બાળકને તમે સંબોધીને જોજો. તમને વળતો જવાબ તમે જ આવશે. આખરે એને પણ માન ગમે છે.

આપણે અણગમો કે ખરાબ વર્તન તરત જ કોઈપણ વ્યક્તિને રીટર્ન કરી દઈએ છીએ. પણ જો વ્યક્તિ સારું વર્તન કે ગમે તેવી વાત કરે અથવા તો તમે સંબોધે તો પણ આપણે તો એમને તુકારા હુકારથી જ નીચે ઉતારી દઈશું.

ક્યારેક ગુજરાતી ભાષા પર ચંદ્રની જેમ ડાઘ સમાન હોય તેવું લાગે. ગુજરાતી ભાષામાં જ તું અને તમે સંબોધન છે. હિન્દીમાં પણ તુમ અને આપ, જયારે અંગ્રેજીમાં યુ જે બધાને લાગુ પડે. ગુજરાતીમાં કવિતા પુરતું સારું અને સાચું છે તું. પણ હવે આ તું અને તમે ની વ્યાખ્યા ફરી ગઈ છે.

એક વખત આ જ વિચાર-વિષય પર મેં કવિતા લખી હતી.

વય ને નહિ પણ સમયને માન અપાય છે.

કોણ છો નહિ પણ શું છો એવું પુછાય છે.

નામમાં રસ નથી રહ્યો હવે તો સરનેમ પુછાય છે.

કદાચ આની પાછળ જાતી કે ધર્મનો સંદેશ વર્તાય છે.

સ્વભાવ નહિ પણ સંપતિનો અભાવ વર્તાય છે.

હવે તો પ્રેમલગ્ન પણ સમજી વિચારીને થાય છે.

કહેવાનું એમ કે માત્ર ઔપચારિકતા દાખવવા તમે કહેવાનો કોઈ મતલબ નથી… દિલ સે માન-સન્માન આના ઔર હોના ચાહીએ… બાકી તો આપણે અમથું ઘણી વખત ખોટી ઔપચારિકતા દેખાડતા હોઈએ છીએ. સભ્યતા અને સંસ્કૃતિના નામે ચરણ સ્પર્શ અને ઘણું ખરા શબ્દ પ્રયોગો પણ ચાલતા હોય છે. માનનીય શ્રી… આવું પત્રમાં ઘણી વખત ઔપચારિકતા આપણે દેખાડતા હોઈએ છીએ. તો ક્યારેક કોઈ ફંકશનમાં કે કાર્યક્રમોમાં ઘણું લાંબુ લચક સંબોધન સંભાળતા હોઈએ છીએ. ખેર સભ્યતા અને સંસ્કૃતિની વાત પછી ક્યારેક…

હમણાં જ ઇન્ડિયન આયડોલ જુનિયરમાં જજીસને જયારે નાના-નાના બાળકોને પણ આપ કહીને સંબોધતા સાંભળ્યા, તો ખરેખર દિલ ખુશ થઈ ગયું. અને બીજી બાજુ ડીડી ગીરનાર પર જજીસને તુકારા કરતા સાંભળ્યા તો દિલ તો દુભાય જ ગયું પણ માતૃભાષાનું અપમાન વધુ લાગ્યું.  અમિતાભ બચ્ચન પણ જો એક સામાન્ય અને તેનાથી નાની ઉમરની વ્યક્તિને આપ કહીને કેબીસીમાં સંબોધે તો આપણે પણ પ્રભાવિત થઈ જઈએ છીએ. પણ અમલ કરતા નથી.

થોડા સમય પહેલા એક એફ્બી મિત્ર સાથે વાતચીતમાં એ મિત્રે મને કહ્યું કે “તમે મને તું કહી શકો છો. હું તમારાથી ઘણો જ નાનો હોઈશ.” એટલે મારો જવાબ એમને એક જ અને એમ જ હતો કે “તમે કહેવું એ માત્ર નાના-મોટા ના ભેદ માટે નહિ, પણ એક માન આપવાની વાત છે, અને સાથે મર્યાદા પણ જળવાય છે.”

અંગત વાત કરું તો, હું જે જ્ઞાતિમાં જન્મી છું, ત્યાં તમે નો જ શબ્દપ્રયોગ થાય છે… જો કે આજકાલ એ  લુપ્ત થતું જાય છે. ભલે ઇન્ટર કાસ્ટ મેરેજ કર્યા પણ વિચારધારા તો એ જ રહેવાની. અને ઘરમાં પણ મારા મમ્મી-પપ્પા એક બીજાને અને અન્યોને તમે જ કહીને જયારે સંબોધે ત્યારે આ બીજ પણ ત્યાંથી જ રોપાયા હોવાનું હું માનું છું. પણ નવાઈની વાત એ કે મારા પતિદેવ પણ મને એવા જ મળ્યા.. એમણે આજ સુધી ક્યારેય મને તું કહીને નથી સંબોધી અને એ મારા માટે એક બેસ્ટ એચીવમેન્ટ છે. જયારે પતિ પત્નીને તમે સંબોધે ત્યારે પત્નીને ખુબ ગર્વની લાગણી થાય અને થવી જ જોઈએ. હવે અમારા રોપાયેલા બીજ મારી દીકરીમાં પણ અકબંધ છે. મેં મારા મમ્મીને હમેશા તમે જ કહ્યું છે અને કહેતી આવું છું, તેમ મારી દીકરી પણ મને ક્યારેય તું કહીને સંબોધતી નથી. મોસ્ટ ઓફ મમ્મીઓને તુકારા જ કરવામાં આવે છે, કારણ કે એને તમે કહેનાર ઘરમાં કોઈ હોતું જ નથી, ખાસ કરીને જો પતિદેવ કહે, તો બાળક પણ પપ્પાનું જોઇને કઈક સારું શીખે. મને લાગે છે આ પણ એક પેરેન્ટિંગનો જ ભાગ છે. કારણ કે માન આપતા અને સ્વમાન જાળવતા શીખી શકાય છે.

હવે બીજો એવો જ કિસ્સો બન્યો.. એફ્બી મિત્રનો… જે આશરે મારા મમ્મીની વયના હશે. વાતચીતમાં તેઓ મને તમે કહીને સંબોધતા હતા, મને ખુબ ગમ્યું અને મેં તેમની પાસે આનું ખુબ સુંદર કારણ પણ જાણ્યું જે મને ખરેખર પસંદ પડ્યું, તેમણે કહ્યું “દીકરીઓને તો હમેશા તમે જ કહીને બોલાવવું જોઈએ. ખાસ કરીને કોઈ સ્ત્રીને તો તમે જ કહેવું જોઈએ. “ સાચું જ તો છે, માત્ર વુમન્સ ડે કે ડોટર્સ ડે થી સ્ત્રીવર્ગ કે દીકરીઓને નહિ, પણ તેમને માન આપીને, માનથી સંબોધીને તેમની કદર કે સન્માન આપવું જરૂરી છે.

આના પરથી ઈંગ્લીશ-વિન્ગ્લીશ ફિલ્મનો શ્રીદેવી એ કહેલો ઉત્તમ સંવાદ યાદ આવી જાય અને હું હંમેશા મમળાવતી હોઉં છું, “પ્યાર નહિ સન્માન(ઈજ્જત) ચાહીએ” જે આવો કઈક છે. માત્ર પ્રેમ કરવો પુરતો નથી. પ્રેમ સાથે સન્માન પણ એટલું જરૂરી છે.

હું થોડા વર્ષો પહેલા પ્રિન્સેસ સ્કૂલમાં જોબ કરતી, ત્યાં પણ એવો જ નિયમ હતો, કે પરિસરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને તમે જ કહીને સંબોધવું. પછી એ વિદ્યાર્થી હોય કે કામ કરનાર બેન કે મદદનીશ. તે સ્કૂલમાં તું ને કોઈ સ્થાન જ ના હતું. મને લાગે છે કે જો પેરેન્ટિંગ પછી બીજું પરવરીશ સ્થાન હોય તો તે સ્કૂલ છે. અને સ્કૂલમાં જો આવા વિચારો પ્રવેશે તો ખરેખર વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે માન –મર્યાદા જળવાઈ રહે. આજે પણ જ્યાં હું મારી ફરજ બજાવું છું, ત્યાં પણ નિવૃત અધિકારીઓ જે મારા પપ્પા જેવડી વયના છે, તેઓ તમે કહીને સંબોધે ત્યારે ખરેખર માન ઉપજે… આપણા પર અને તેમના પર પણ. હું મારી જાતને ખરેખર નસીબદાર માનું છું, કે મને આ લોકો સાથે કામ કરવાની તક મળી.

હા, એવું પણ નથી કે માત્ર તમે કહેવાથી માન-મર્યાદા જળવાઈ પણ થોડા ઘણા અંશે ડીશટન્સ તો જળવાય જ છે.

માત્ર તમે સંબોધનથી માનની વાત નથી , પણ કોઈને “તમે” સંબોધવાથી તમારી ખુદની પણ અલગ છાપ અહી પ્રદર્શિત થાય છે. ક્યારેક ચાર વ્યક્તિઓ વચ્ચે કોઈને પણ તમે કહીને સંબોધી જો જો, એ વ્યક્તિ સિવાયના પણ બીજા બે વ્યક્તિ ત્યાં ઉભા હશે, તેમની સામે તમે માન પ્રાપ્ત અવશ્ય કરશો.

માન આપવામાં કઈ ખોટું નથી. કોઈક તમને માન આપે તો તમારે સામે તેમને માન આપવું પણ જરૂરી નથી. આ તો આખરે પર્સનલ ચોઈસ છે, પરંતુ સારી વસ્તુને-વિચારને સ્વીકારવામાં કે આદત બનાવવામાં કઈ ખોટું નથી. કોઈને બે શબ્દોથી સંબોધી માન આપવાથી આપણને કોઈ નુકસાન નથી થઈ જવાનું કે કોઈ મોટી કિંમત ચુકવવાની નથી. પણ પેહલી શરત એ કે “માન જોઈતું હોય તો માન આપવું પડે“ જેમ સૌથી પહેલા જ  લેખક રોબીન શર્માના પુસ્તકનું વાક્ય લખ્યું તે મુજબ.

પણ જે લોકોને માન આપવા છતાં માન મળતું નથી. એટલે કે તુકારા-હુકરા થાય છે, તેમના મન એ વ્યક્તિ ક્યારેય સન્માનને યોગ્ય બની શકતી નથી. એ વાત ચોક્કસ છે.

માન-સ્વમાન-સન્માન-અપમાન… આ બધામાં ક્યારેક ઘણી એવી ગેરસમજણો ઉભી થાય છે….ખરેખર તો,  માન એટલે કોઈ વ્યક્તિની બીજા વ્યક્તિ તરફનો અભિગમ… સ્વમાન એટલે સ્વ પ્રત્યેનો અભિગમ… સન્માન એટલે કાર્ય કે વિચાર પ્રત્યેનો અભિગમ…પણ અપમાન એટલે વ્યક્તિના અહંકાર પ્રત્યેનો અભિગમ… હવે જોવાનું ને જાણવાનું એ કે આપણો બીજા પ્રત્યે અને બીજાનો આપણા પ્રત્યે અભિગમ કેવો છે ???

નોંધ – કોઈએ પર્સનલ થવું નહિ.. આ મારી કે તમારી વાત નથી.. આ બધાની વાત છે.  આસપાસ નજર નાખતા અમુક મુદ્દા પર લખવું, વાંચવું, વહેચવું ને સમજવું ગમે માત્ર એટલે જ.

વાગ્ભિ

Advertisements