SECULARISM – ધર્મ નિરપેક્ષતા….

મીડિયા કે સોસીયલ મીડિયામાં જોયા અને જાણ્યા વગર મેસેજ ફેલાવનાર લોકોને કારણે કારણ વગર કોઈને તકલીફ પહોચાડવાની કે પોક કરવાની પ્રથા કેવી રીતે રોકવી ???? અમુક મેસેજને ઇગ્નોર કરીએ પણ ખરા… તેમ છતાં આપણા દિમાગમાં પણ તે લોકો જેવા જ થોડા કેમિકલ લોચા હોય ને એટલે સાલું આ બાબતે ચર્ચા કર્યા સિવાય રહેવાય નહિ અને બીજો રસ્તો એ કે જોયા, જાણ્યા પછી પણ નિરાતે ડીલીટ કરી, કોઈ જ માથાકૂટમાં પડવું નહિ.

આ ચર્ચા એટલા માટે કે સવાર સવારમાં એક મેસેજ પર નજર પડી ગઈ. સારું થયું રાત્રે ન જોયો, નહિ તો ઊંઘ બગડી જાત.

એક સરસ મજાની વાર્તા સ્વરૂપે ધર્મને સાંકળીને જે લોકો કોઈપણ ધર્મની ગરિમા જાળવી નથી શકતા તે લોકો ખાસ આ મારી રજૂઆત વાંચે.

વાર્તાને સુંદર લવ સ્ટોરી સ્વરૂપે વર્ણવી એક જીવનશૈલી પર પ્રશ્ન ઉઠાવ્યો છે. હિન્દુની દીકરી મુસ્લિમમાં પરણે તો શું થાય ??? જનરલી માનસિકતા મુજબ સ્ત્રી રસોડામાં જ શોભે એવું માની લેતા લોકો શાકાહારી અને માંસાહારીના ભેદની વાત અહી કરે તો છે પણ માત્ર એક ધર્મને અનુલક્ષીને. પહેલી વાત તો એ કે પ્રેમ માત્ર રસોડા કે રસોઈ સુધી સીમિત નથી. બીજું એ કે શું મુસ્લિમ સિવાય કોઈ ધર્મ માંસાહાર કરતુ જ નથી કે કરતુ જ નહિ હોય ? અને ત્રીજી વાત એ કે માત્ર એક શાકાહારી અને માંસાહારી હોવાથી બંને પક્ષે પ્રેમ એટલો નબળો પડી જાય કે તૂટી જાય ?

માય ડીયર ફ્રેન્ડ, હું પર્સનલી નોન વેજ એટલે કે માંસાહારની વિરુદ્ધ છું  એન્ડ આઈ એમ વેજીટેરિયન. પણ એ સમજાતું નથી કે, શાકાહાર અને માંસાહારને કોઈ ધર્મ સાથે શું કામ જોડવામાં આવે છે ? પુરાતન કાળના આદિ માનવ વખતે સારું છે ધર્મનો આટલો વ્યાપ ન હતો, નહિ તો બચાડા ભૂખ્યા મરત. અને સારું છે પશુ-પક્ષીઓ ધર્મ સાથે જોડાયા નથી, નહિ તો એનું શું થાત ? ક્યારેક થોડા બ્રોડ માઇન્ડનો અવકાશ રાખવો જરૂરી છે. જો કટ્ટર હિન્દુવાદીની જ વાત હોય તો તમામ ભગવાન પશુ-પક્ષીઓ સાથે જોડાયેલા છે… અને પશુ-પક્ષીઓ શુદ્ધ શાકાહારી નથી જ ઓબવિયસલી.  બીજું એ કે બધા જ હિન્દુઓ શું શુદ્ધ શાકાહારી છે ખરા ? ઘણા માં-બાપને પણ ખબર નહિ હોય કે બહાર જઈને તેના બાળકો નોન-વેજ ઝાપટે છે. ઘણા ધર્મો હિસા માની એવો પણ દાવો કરે છે કે તે લોકો અત્યંત અહિંસક અને પ્યોર વેજ છે. તો, જૈન પિઝ્ઝામાં ભલે ડુંગળી, લસણ ન હોય, પણ “યીસ્ટ” તો હોય જ છે અને એ એક જીવાણું જ છે. દહીં પણ અમુક બેક્ટેરીયાથી જ બને છે.

મારે કોઈ ધાર્મિક લાગણી દુભાવવાનો ઈરાદો નથી. પણ માત્ર પ્રશ્ન છે કે આ શાકાહાર અને માંસાહાર ને ધર્મ સાથે શું સંબંધ ??? ક્યારેક એમ થાય કે, આપણી પાસે ખોરાકમાં આટલી વિવિધતા છે, તેમ છતાં પશુ-પક્ષીઓને શું કામ શિકાર બનાવવાના એ પણ માત્ર આપણા ફૂડના શોખ માટે ?? ભૂગોળ ભણ્યા પછી પણ આપણે સમજતા કે જાણતા નથી કે દરેક જગ્યાએ દરેક વસ્તુઓ અવેલેબલ નથી અથવા તો અમુક વાતાવરણમાં ટકી રહેવા અમુક ખોરાક લેવો પડે છે. અને ક્યારેક બીમારીના કારણે પણ ક્યારેક અમુક પ્રકારનો ખોરાક લેવો જ પડે છે.. આખરે જીવવું છે ને ભઈ !! હવે આ બધામાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો..?? થઈને ધડ-માથા વગરની વાત.

પ્રેમીઓમાં પણ જુઓ…રોમિયો-જુલીએટ.. હીર-રાંજા…શીરીન-ફરહાદ…લૈલા-મજનુ.. અતિ લોકપ્રિય નામો છે… કોઈને હિંદુ ધર્મના પ્રેમીઓનું લોકપ્રિય નામ ખબર હોય, તો મને પ્લીઝ કહેજો… કારણ કે, આપણે પ્રેમ કરવામાં પણ વિચારીએ છીએ…. કયો ધર્મ ?? કઈ જ્ઞાતિ ?? કઈ જાતિ ?? કયું વર્ણ ?? કયું કુળ ?? અને હવે તો શાખાહારી કે માંસાહારી ?? જે વ્યક્તિ જન્મથી જ જે જગ્યાએ જે માહોલમાં છે તો એ વ્યક્તિ કે ધર્મ શું કરે એમાં ? હા, એ વાત ખરી કે હવે ઘણા લોકો શાકાહારી બની જાય છે. પણ આપણો પ્રેમ એટલો પાંગળો ન હોવો જોઈએ કે માત્ર આવી બાબતથી વિચ્છેદમાં પરિણમે. હવે જો “ધરમ સંકટ મેં“ જેવી ફિલ્મ જેવું બને તો ???

પીકે ફિલ્મની જેમ… ઈશ્વર લેબલ લખીને નથી મોકલતા…કે કોણ કયા ધર્મનો છે ?? એ તો આપણે નક્કી કરીએ છીએ. અને જો આપણે જ નક્કી કરતા હોઈએ અને એ પણ માત્ર શાકાહાર અને માંસાહારના બેઇઝ પર જ, તો જુદા જુદા ધર્મની જરૂર જ શું કામ ??

આપણે આપણી લીટી લાંબી કરવામાં ક્યારેક બીજાની લીટી નાની કરી નાખીએ છીએ. જો આપણે આપણા ધર્મનું મહત્વ આપવું હોય અને સન્માન કરવું જ હોય, તો અન્યના ધર્મને પણ મહત્વ આપવું પડે અને અન્ય ધર્મનું પણ સન્માન કરવું જ પડે અને કરવું જોઈએ. ફલાણા આવા ને ઢીકણા આવા, બસ, આપણે એક જ સારા… વર્ષોથી અલગ અલગ બાબતોને ધર્મ સાથે સાંકળી લેવામાં આવે છે. વેલ, આ ચર્ચાનો કોઈ અંત નથી પણ…પણ…પણ…જાગૃત અને ભણેલ ગણેલ કહેવાતી આજની પેઢી કરતા પુરાતન કાળના આદિમાનવની સમજણ સારી કે નહિ ??

આ મુદ્દો ધાર્મિક લાગણીઓને દુભાવવાનો જારાય પણ નથી.. મુદ્દો છે સામ્યતા અને વિવિધતાનો… મુદ્દો છે સમજણનો… નાની એવી વાતમાં ધર્મને વચ્ચે ન લાવીએ. ધર્મ કોઈ બંધન નથી આપણી આસ્થા છે. અને હવે પછી આવા ધડ-માથા વગરના કોઈપણ વિચારો કે મેસેજને ફેલાવવા કે મહત્વ ન આપવું એ જ આપણી સાચી ધાર્મિક આસ્થા છે. ખરું ને ?

વાગ્ભિ

Advertisements