IMAGE1

ઓહો…. ઘણા વખતે !!

બસ, આવું જ કઈક લોકો મને પૂછી રહ્યા છે, કહી રહ્યા છે. મારી કલમે પણ મને કહ્યું. હા, અફ કોર્સ, ઘણા લાંબા સમય પછી દેખાઈ કે પછી એમ કહું કે ડોકિયું કાઢ્યું.  વ્યસ્તતા કે પછી સ્વાસ્થ્ય, પણ જીવનની ઘટમાળમાંથી સમય ચોરવો ખુબ જ મુશ્કેલ છે. તેમ છતાં શોખ માટે થોડો સમય જો ચોરવો પડે તો પણ એમાં કંઈ ખોટું નથી. બસ, એના માટે આવડત અને નો રિગ્રેટ જોઈએ.

લખતા લખતા હાથ રોકાઈ જાય ત્યારે સમજવું કે આપણે કઈક વિચારીને લખીએ છીએ. જે મન માણે છે, જાણે છે પણ તેને વિચારોમાં કે શબ્દોમાં વહેવા નથી દેવું. એક્ચ્યુલી, જયારે લખવા બેસીએ ત્યારે હજ્જારો વિચાર ખીચડીની જેમ મિક્સ થતા જાય, લાંબી કતાર થઈ ઊભા રહી જાય અને કલમ રોકાઈ જાય. નવા નવા પ્રયોગો, નવી નવી મંઝીલ મળ્યા કરશે, ચાલ્યા કરશે. વિચારોની ખીચડી થાય કે વિચારો વહ્યા કરે તેમાં વાંધો નહિ, પણ વિચારો બંધ ન થવા જોઈએ.

યે જવાની હૈ દિવાની ફિલ્મનો એક બહુ સરસ સંવાદ છે…

“મેં ભાગના ચાહતા હું, દોડના ચાહતા હું, હારના ચાહતા હું, જીતના ચાહતા હું, સબકુછ કરના ચાહતા હું, બસ, રુકના યા થમના નહિ ચાહતા “

બસ, આવું જ કઈક વિચારોનું અને મનનું પણ છે. રોકાઈ જાય તો લાગે કે જિંદગી રોકાઈ ગઈ. આરામ નહિ પણ વિરામ જરૂરી છે. આપણા વિરામથી પણ કોઈ વિચલિત થાય તે આપણા માટે ક્યારેક ઉદ્ધારનું કામ કરી જાય છે. સંબંધોના સંબંધિત બધા પાત્રો નિભાવવામાં ક્યારેક આપણે સ્વને ભૂલીને જ જઈએ છીએ. ક્યારેક યાદ કરવું પડે છે તો ક્યારેક કોઈક યાદ અપાવી જાય છે. એવું કહેવાય છે દિલથી ઈચ્છો તો બધા જ સવાલોના જવાબ કોઈ ને કોઈ સ્વરૂપે તમને મળી જ જાય. ખુદને ખોજવાની સફર ખેડવામાં ક્યારેક કોઈક પુસ્તક તો ક્યારેક આપણા હિતેચ્છુ આપણને મદદરૂપ થતા જોવા મળે છે. ક્યારેક કોઈક મોટીવેટ કરનાર, તો ક્યારેક કોઈક ધક્કો આપનાર કે જગાડનાર આપણને મળી જાય.

હું બહુ ઓછા લોકોની વાત માનું છું. પણ જેમની પણ વાત માનું છું તેમની વાત આંખો બંધ કરીને માની લઉં છું. આપણા જીવનમાં અમુક એવા સંબંધો હોય છે જે જન્મદિવસની શુભેચ્છા કે અન્ય પ્રસંગો કે વ્યવહારો પૂરતા જ માત્ર નથી હોતા, એટલે કે ભલે આપણા જન્મદિવસે આપણને શુભેચ્છા પાઠવવાનું ભૂલી જાય, પણ આપણા સંકટ કે સંઘર્ષના સમયે અને વિકટ પરિસ્થિતિમાં આપણી સાથે અને આપણી પાસે જ જોવા મળે. આપણામાં રહેલ ઉદાસી કે તકલીફ તેઓ શોધી લેતા હોય છે. આપણને બરોબર સમજતા હોય. એમ કહીએ કે આપણી નસ નસથી વાકેફ હોય. જરૂર હોય, ત્યારે બોલાવવા પણ ન પડે અને ક્યારેક તો કઈ કહ્યા વગર પણ આપણને સમજી જાય. અને ક્યારેક અપેક્ષાઓથી પર હોય આ સંબંધ.

મેં એવું સાંભળ્યું અને વાચેલું હતું કે પ્રેમમાં તમે જેવા છો તેવા તમે સ્વીકાર્ય હોઉં, તો એ સાચો પ્રેમ છે. પણ ત્યારે ખબર ન હતી કે પ્રેમની વ્યાખ્યા આટલી બધી મોટી હશે. માત્ર પ્રેમી કે પતિ જ નહિ, ક્યારેક મિત્રો, માર્ગદર્શક, ગુરુ તો હિતેચ્છુ પાસેથી પણ આવો પ્રેમ જોવા મળે છે. જે આપણને જેવા છીએ, એવા સ્વીકારીને આપણને સમજી પણ લે છે અને સંભાળી કે સાચવી પણ લે છે.

વાગ્ભિ

Advertisements