સોશ્યલ મીડિયા – નેટ સંબંધો….

કેમ દેખાતી નથી ? બહુ બીઝી ? હાય..હેલ્લો….શું કરે છે ? આવા શબ્દો હવે અવારનવાર સાંભળવા મળે છે. ફ્રી મા સંબંધના સૂરોને રેલાવતા અને લાગણીના તાંતણાઓને જકડી રાખવામાં વધુ સંબંધો તૂટે છે અને ક્યારેક મનદુઃખ પણ થાય છે.

ક્યારેક ક્યારેક સંબંધોના તાંતણાઓમાં ઝૂલવાની મજા છે. ક્યારેક જૂની યાદોને તાજી કરવાની, વારે-તહેવાર, પ્રસંગોપાત એકબીજાની જૂની યાદને યાદ કરવાની મજા છે.

આમ, દરરોજ એકબીજાને પોકીંગ કરવા કે ઓનલાઈન-ઓફલાઈનની રમત રમવી પડે એમાં શું મજા ?

અમુક સમયે જરૂર છે ચાલો માન્યું, પણ સાવ કામ-ધંધા વગર હાઈ..હેલ્લો…નું શું કામ ? અને પાછા આપણે બીઝી હોઈએ કે કોઈ કારણોસર જવાબ આપી શકવા સક્ષમ ન હોઈએ તો વળી પાછી ગેરસમજણ ઉભી થાય. મોબાઈલમાં ઈન્સ્ટન્ટ મેસેજ અને એસ.એમ.એસ. નો જન્મ જ ઈમરજન્સી માટે થયો હશે. પણ આને તો ચેટીંગ અડ્ડા બનાવી દેવાયું છે. જે આપણને ઓળખે છે, તેને ઓળખાણની જરૂર નથી અને નથી ઓળખતા એમને વધુ ઓળખની જરૂર પણ નથી. પર્સનલ વાતોમાં પણ એક મર્યાદા હોય. હવે બને છે એવું કે અગત્યના મેસેજ પણ આમાં એવોઈડ થઈ જાય છે. ખરેખર જયારે જરૂર હોય કે અગત્યનું હોય ત્યારે જ કામ નથી લાગતું.

સંપર્ક વિહોણા સંબંધોના તાર નબળા પડે છે, તેના કરતા વધુ પડતા સંપર્કથી સંબંધોના તાર તૂટી જવાની સંભાવના વધુ રહે છે. વધુ પડતું કોમ્યુનીકેશન (પ્રત્યાયન) ક્યારેક ગેરસમજણો ઉભી કરે છે એવું નથી લાગતું ? સ્નેહ સંબંધનું સોશ્યલ મેનેજમેન્ટ જાળવવા માત્ર નેટ સંબંધો પર નિર્ભર રહેવું શું યોગ્ય છે ?

આજે છે સોશ્યલ મીડિયા ડે…. સોશ્યલી એક્ટીવ રહેતા લોકો માટે પ્રતિભા બહાર લાવતું અને એક અલગ ઓળખ દર્શાવવા માટે આશીર્વાદ સમાન સોશ્યલ સાઈટ્સ અવેઈલેબલ છે. પણ કહેવાય છે ને અતિ ને ગતિ ન હોય. તેમ અતિ સોશ્યલ સાઈટ્સ પર એક્ટીવ રહેતા લોકો અમુક માનસિક રોગ અને પીડાઓના શિકાર બને છે. તો અમુક વખતે ખુબ ભયાનક સ્વરૂપે પરિણામો બહાર આવે છે. એટલે મિસ યુઝ. ઘણી વાર  સમાચારમાં સોશ્યલ સાઈટ્સ પરથી મિત્રો બનાવેલા લોકોના ઘાતક પરિણામો પણ જોવા મળે છે.

હા, ઘણા જૂના મિત્રો-સંબંધો ફરી પાછા મહેકતા થાય, તો અમુક મિત્રો ને સંબંધોમાં અલ્પવિરામ ને પૂર્ણવિરામ લાગી જાય. ક્યાંક સમજણો વિકસે તો ક્યાંક ગેરસમજણો ઉદભવે. પહેલા તો ખાસ ૨-૩ દિવસ અગાઉ યાદ રાખવું પડતું કે ફલાણા મિત્રનો કે સંબંધીનો ખાસ દિવસ છે, અને રાત્રે બાર વાગ્યાથી ફોન રણકવા લાગતા, આખો દિવસ ફોનમાં શુભેચ્છાઓમાં જ વીતતો, તો સરપ્રાઈઝ ગીફ્ટ કે ગ્રીટિંગ કાર્ડની ઈંતજારી રહેતી, હવે તો બસ એફ્બી માં જોઈ લેવાનું ને જૂની ઈમેજ કે મેસેજ મોકલી દેવાનો. ન યાદ રાખવાની ઝંઝટ કે નહિ અન્ય કોઈ ખર્ચ.

સંબંધો મહેકતા રાખવા માટે સંપર્ક જરૂરી છે, પણ એમાં ફોર્માલીટી શું કામ ? સોશ્યલ મીડિયાના વધતા વ્યાપથી આપણે ફોર્મલ વધુ બનતા જઈએ છીએ અને સંબંધોની-લાગણીઓની પ્રમાણિકતા ઘટતી જાય છે.

વાગ્ભિ

IMAGE13

Advertisements