HAPPY  DOCTOR’S  DAY

એવી કોઈ વ્યક્તિ નહિ હોય જેની આજ સુધી ડોક્ટર સાથે મુલાકાત થઈ નહિ હોય. નાનામાં નાના રોગ કે તકલીફથી માંડીને મોટામાં મોટી બિમારીઓ સુધી આપણે ડોકટરના સંપર્કમાં મને કે કમને આવવું જ પડે છે. પણ આ ડોક્ટર ઘરમાં જ હોય તો ?? પહેલા તો એક સારી વાત એ લાગે કે આપણે ખોટા ધંધે ઓછા લાગીએ અને બીજું એ કે આપણે ખુલીને આપણી બીમારી કહી ન શકીએ.

હું માનું છું કે આપણા રોગ અડધા શારીરિક અને અડધા માનસિક હોય છે. એટલે કે જે પણ બીમારી થાય એમાંથી ૫૦% શારીરિક તકલીફ હોય છે બાકીને બધી માનસિક પીડા, દુઃખ કે તકલીફ. હવે ઘરના ડોક્ટરને તો માત્ર શારીરિક તકલીફો જ જણાવવાની બને. એટલે ઈલાજ જડમૂળથી નાશ ન પામતા રોગ વારંવાર દર્શન દીધા કરે. હવે એમ કહી શકાય કે માત્ર ઘરના જ નહિ, પણ ઘણી વખત બહારના ડોક્ટર પણ વધુ પડતા પ્રોફેશનલ હોવાના લીધે આપણને એક શરીરથી વિશેષ કઈ સમજતા જ નથી. મુન્નાભાઈ એમ.બી.બી.એસ. ના ડોક્ટર અસ્થાના(બોમન ઈરાની) જેવા ઘણા ડોક્ટર આપણને આસપાસમાં જોવા મળે છે અને ક્યારેક તો અનુભવ પણ થઈ જાય. એટલે કે ડોક્ટરનું દર્દી સાથે લાગણીશીલ કે માર્ગદર્શકનું માધ્યમ ન બની રહેતા માત્ર એક વ્યક્તિ કે દર્દી જ બની રહે છે.

ખરેખર તો ક્યારેક એવું પણ લાગે કે, ગોખેલા જ્ઞાનથી બનેલ એક વિદ્યાર્થી, કોઈના ફોર્સથી પરાણે આ કારકિર્દી પસંદ કરતું સંતાન કે વધુ પડતા સ્પર્ધાત્મક અને પ્રોફેશનાલિઝમથી પીડિત એક યુવાન ફરજીયાત ડોક્ટર બની બેઠો છે.

અમુક સમયે તો ડોકટરનો દિદાર કરવાનો જ એવો આગ્રહ રાખતા અમુક ડોક્ટરને કેમ જાણે આપણે વાર્ષિક કે માસિક લવાજમ ભરતા હોઈએ એવું લાગે ?  રોગ મુક્ત ભલે થઈ જઈએ પણ ડોક્ટરથી મુક્ત થવું ક્યારેક અઘરું થઈ જાય છે. એવું કહેવાય છે કે ઈશ્વર કોઈને કોર્ટ કે દવાખાનાના દર્શન ક્યારેય ન કરાવે. કારણ કે, એક પછી એક મેમ્બરશીપ ચાલ્યા જ કરે. બહુ ઓછા નસીબદાર હોય છે જેમને બહુ ઓછા ડોકટરના સંપર્કમાં આવવું પડતું હોય છે. અને એવા પણ ઓછા લોકો હોય છે, જેમને સારા અને સાચા ડોક્ટર મળી જાય અને જીવન સુધરી જાય.

મારો ખુદનો જ અનુભવ કહું તો, પપ્પા જ ડોક્ટર એટલે બહુ ક્યાંય બહાર ડોકિયું કરવાની જરૂર પડી જ નથી. તેમ છતાં દરેક પેથી દરેક રોગમાં કામ ન લાગે એટલે બીજા ડોક્ટર્સની ફરજીયાત મુલાકાત કરવી જ પડે. બાળપણમાં મને ખુબ શ્વાસ ચડતો, અને ભેજનું વાતાવરણ માફક આવતું નહિ, ડો.જનકરાય માંકડ (દાદા) એ મને નવું જીવન આપ્યું છે. આખા જૂનાગઢમાં એના સિવાય મારો ઈલાજ કોઈ કરી શક્યું નહિ. મમ્મી-પપ્પાના કહેવા મુજબ હું દોઢેક વર્ષની હતી ત્યારે શરીરમાંથી સાવ પાણી ખલાસ થઈ ચુક્યું હતું અને ત્યારે ડો. આહ્યા (અંકલ) એ મને બચાવેલ. આનાથી પણ વિશેષ લગભગ ૬ વર્ષ પહેલા મારી દિકરીના જન્મ સમયે થોડા કોમ્પ્લીકેશન્સથી મારા કરતા જે ડોક્ટર વધુ ટેન્શનમાં હતા તે ડો.લાડાણી મેડમે પણ મને અને મારી દિકરીને જીવનદાન દીધેલું છે. પછી પણ ડો.ધવલ કરકરે મારા સ્વાસ્થ્યના સુધારમાં ખુબ જ મદદરૂપ અને માર્ગદર્શક બન્યા. મારી દીકરીને પણ જન્મથી જે ડોક્ટર મળ્યા તે પણ ખુબ મદદરૂપ બન્યા. અને હમણાં જ ફ્રેન્ડ કમ કમ્પેનિયન ડો.ચારુતા એ પણ મારી દિકરીના ઈલાજમાં ખુબ સહકાર આપ્યો. એટલે આજે મારા જીવન માટે સ્પેશ્યલ થેન્ક્સ આ તારણહરોને.

હવે હું એમ નહિ કહી શકું કે અત્યાર સુધી મને કોઈ ડોક્ટરનો એવો કપરો અનુભવ થયો નથી, કારણ કે, લગભગ ૧૦ દિવસ પહેલા જ ૨-૪ એક સાથે એવા અનુભવો થઈ ગયા.

ઘણી વખત મનમાં ચાલતી તમામ તકલીફો, ચિંતા, પીડા, ભય, દુઃખ, ક્રોધ, ધ્રુણા, આ બધા જ માંથી બહાર આવવું વધુ અગત્યનું બની જાય છે. આના લીધે જ ઘણા ખરા અંશે શારીરિક રોગોનો જન્મ થાય છે. અને આપણે ઈલાજ પણ શારીરિક લેવલે જ કરીએ છીએ, કે ડોક્ટર કરે છે. પણ અમુક ખાસ તસ્દી લેતા, આ પ્રોફેશનને પ્રમાણિક રહેતા અને જીવનદાન દેતા અમુક ડોક્ટર્સને સલામ.. થેન્ક્સ અને ખાસ આજનો દિવસ મુબારક. હવે ડેઈઝના મહત્વ વિશે પછી ક્યારેક વાત.

વાગ્ભિ

DOCTOR'S DAY 2

Advertisements