છે લોહી કે લાગણીના સંબંધો,

છે નેટ કે ચેટના સંબંધો,

પણ શું આ બધા,

છે પ્રામાણિક સંબંધો ??

પ્રામાણિકતા એટલે ?

પ્રામાણિકતા એટલે સત્યની નજીક, ચોખ્ખાઈની નજીક અને બેઈમાનીથી દૂર.

આપણે જનરલી પ્રામાણિકતાને મોટાભાગે નોકરી, કારકિર્દી, ધંધા કે નાણા. આઈ મીન ફાઈનાન્સિયલ રીતે જ માપીએ છીએ. પણ ક્યારેય સંબંધોમાં પ્રમાણિકતા રાખીએ છીએ ખરા ?

પ્રામાણિકતા એ એક કેરેક્ટરીસ્ટીક્સ લાક્ષણિકતા છે. તો પછી એ માત્ર આર્થિક પાસા માટે જ સીમિત ન રહેવું જોઈએ.

માત્ર સામાજિક બાબતે પણ જો વિચારીએ, તો આપણે પ્રામાણિક બની શકતા નથી. આધ્યાત્મિક કે ધાર્મિક બાબત તો દૂરની વાત છે. કેટલા સંબંધો આપણે પ્રામાણિકપણે નિભાવીએ છીએ ? કેટલા સંબંધો પ્રત્યે આપણે પ્રમાણિક રહીએ છીએ ? સાચા અને સારા થવાની હોડમાં મારા માટે એટલે કે પોતાના લોકો માટે પ્રામાણિક બનીએ છીએ ? લાગણીઓ પણ સમય અને સંજોગો મુજબ સ્વાર્થી થતી જાય છે. આપણા સ્વજન, પ્રિયજન કે પરિજન માટે આપણે લાગણીઓ પણ શું પ્રામાણિક રાખી શકીએ છીએ ખરા ? લોહીના કે લાગણીના સંબંધો પણ હમેશા પ્રામાણિક જ હોય એવું જરૂરી તો નથી ? ક્યારેક આ સંબંધો પાછળ પણ કોઈને કોઈ સ્વાર્થ કે અપેક્ષ રહેતી હોય છે.

માત્ર સોશ્યલ મીડિયાની વાત કરીએ તો તેમાં પણ ખરેખર આપણે શું પ્રામાણિક રહીએ છીએ ખરા કે પછી માત્ર સારા સંબંધો કે સારું લાગવા કે લગાડવા ખાતર જ આપણે લાઈક, કમેન્ટ્સ, થમ્સ અપનો ઠેંગો, દેખાતા ને ઝળકતા રહેવા, એક્ટીવેટ હોવાનો દાવો કરવા માટે જ કરતા હોઈએ છીએ ? અને આપણી પ્રામાણિકતાની પીપૂડી વગાડીએ છીએ. વધુ કઈ લખવાની જરૂરિયાત લાગતી નથી. કારણ કે સત્ય સૌ કોઈ જાણે જ છે.

બહુ ઓછા લોકો હોય છે જેમના માટે લોહી, લાગણી, નેટ, ચેટ કરતા પ્રામાણિક સંબંધોની પ્રાથમિકતા વધુ મહત્વની હોય છે. અને એવા પણ લોકો બહુ ઓછા હોય છે જે સંબંધો પ્રામાણિકપણે નિભાવી જાણતા હોય છે.

વાગ્ભિ

IMAGE14

Advertisements