શું આપણે આખી જિંદગી પ્રુવ જ કર્યા રાખવાનું ?

આ વાક્ય ઘણા સમયથી મારા વિચારોમાં હતું. એક વખત બસ એમ જ લખી પણ કાઢ્યુંતું બધાના અભિપ્રાયો જોવા. પણ મને મારા સવાલ નો જવાબ કે મારા જેવો વિચાર બીજા કોઈનો જોવા મળ્યો નહિ. કોઈક નો એવો અભિપ્રાય મળ્યો કે એમાં પ્રુવ શું કરવાનું ? તો કોઈએ કહ્યું કે એક વખત કોઈ કામના મહારથી બની જઈએ કે કોઈ કામમાં આપણું નામ થઈ જાય અને સાબિત થઈ જાય, પછી તો મોજે દરિયો જ હોય. બધાના અભિપ્રાયો પરથી નવા નવા વિચારો જાણવા મળ્યા. પણ એ સમયે મેં કઈક જુદા જ માપદંડથી આ વાક્ય લખ્યું હતું.

હા, થોડું બધાથી અલગ તરવાની ને જીવવાની મને આદત છે, પણ શું થાય થોડો કેમિકલ લોચો છે. !! આજે ઘણા વખત પછી ફરી આ વાક્ય વિચારમાં વહેતું થયું..તો હું શું વિચારું છું તે પણ જણાવાની ઈચ્છા થઈ.

આપણી જીંદગીમાં કેટલાય અલગ અલગ સ્ટેજ આવે છે. અને આ બધા જ સ્ટેજ આપણે ક્યારેક ફરજીયાત તો ક્યારેક ઉત્સાહપૂર્વક પાર કરીએ છીએ. કહેવાય છે ને જીવનમાં અનુભવ એ મોટી પાઠશાળા છે અને આ અનુભવો અલગ અલગ સ્ટેજની પરીક્ષા આપવાથી આપણને મળે છે. જીવન જીવીએ ત્યારે આપણને કોઈ પરિણામ કે પરિમાણની જરૂરિયાત બહુ નહીવત લાગે છે, પણ હા, પરીક્ષામાં ઉતીર્ણ થવાની ઈચ્છા અને દરેક સ્ટેજને સફળતાપૂર્વક પાર કરવા કે પ્રુવ કે સાબિત કરવાની આપણી સૌથી પહેલી કોશિશ અને ખ્વાહીશ હોય જ છે.

આખી જિંદગી એટલે કે જન્મ થતા પહેલા ૩ ઈડિયટ્સ ફિલ્મમાં કહે છે તેમ કે હજારો સ્પર્મ સાથે પણ રેસ લગાવવાની. એટલે કે જીતવાની હોડ. પ્રુવ કરવાની હોડ કે યસ આઈ એમ. પછી પણ ૯ મહિના દરમ્યાન ચેક અપ થતું રહે આર યુ ઓકે ને ? એમ જાણવા માટે ને ક્યારેક ક્રિયા-પ્રતિક્રિયા થકી જાણ કરતા રહેવાની કે યસ આઈ એમ.

જન્મ થાય પછી સૌથી પહેલું પ્રૂફ કે યસ આઈ એમ અને પછી તો કોના જેવું બાળક દેખાય છે ? મમ્મી કે પપ્પા, દાદા કે દાદી, નાના કે નાની… જે મોટા થતા જે આપણે આપણી ટેવો અને કુટેવો મુજબ સાબિત થાય. અને બન્ને પક્ષમાં આ બાબતે ચર્ચા ચાલે. થોડા દિવસ વીતે, ત્યાં વળી નવી ચર્ચા, નામ શું રાખવું ? આપણું જ નામ આપણને મળે એ પણ કોઈ બીજાએ પાડેલું અને આખી જિંદગી આપણે સાબિત કરવાનું કે યસ આઈ એમ ધીસ & ધેટ.

એટલે આપણે આપણી સાબિતીની ક્રિયા કે પ્રૂવ કરવાની પ્રક્રિયા ચાલુ જ રાખવાની…

બાળક મોટું થાય તેમ મહિનાઓ પ્રમાણે શીખવાનું ગણિત શરુ થાય. ૫ મહીને બેસવાનું, ૯ મહીને રીખવાનું, ૧૨ મહીને બોલવાનું કે ચાલવાનું. અને જો વહેલું મોડું થાય કે બાળકના મુડ કે કોર્સ બહારનું હોય તો એની પાછળ વળી સંશોધન થાય. અને જયારે બાળક આ બધી જ પ્રૂવ કરવાની પ્રક્રિયામાંથી બહાર આવે ત્યાં વળી નવી પ્રુવ કરવાની પરીક્ષા… એટલે કે સ્કૂલ પ્રક્રિયા. અને આમાં તો ઘરના જ નહિ, પણ શિક્ષકો પણ જોડાય. તેજસ્વી, શિસ્તબદ્ધ, શાંત અને ડાયા ડમરા વિદ્યાર્થી તરીકે પ્રુવ કરવાનું. અભ્યાસમાં આગળ વધતા જઈએ તેમ ગુડમાંથી બેસ્ટ અને બેસ્ટમાંથી એક્સેલેન્ટ છીએ એવું પ્રુવ કરવાનું.

અભ્યાસની પ્રુવ પ્રક્રિયામાંથી માંડ બહાર આવીએ ત્યાં નોકરી અને લગ્નની પ્રક્રિયામાં પ્રુવ થવા માટે તૈયાર થઈ જવાનું. નોકરીમાં તમે ટેલેન્ટેડ છો, એવું સાબિત કરતા રહેવાનું અને હરીફાઈમાં ટકવા માટે પ્રુવ કરતા રહેવાનું કે “યસ આઈ એમ” અને પદોન્નતિ કે સફળતા પછી પણ તેને ટકાવી રાખવા ને આગળ વધતા રહેવા માટે પ્રુવ તો કરતા જ રહેવાનું કે આઈ ડિઝર્વ.

લગ્ન માટે પણ સુકન્યા અને સુવર હોવા માટે પહેલા તપાસ થાય અને પછી લગ્નનો પ્રસ્તાવ મોકલવામાં કે આપવામાં આવે. બન્ને ૧૦ મિનિટની મીટીંગ દરમ્યાન જ નોકરીના ઈન્ટરવ્યુંની જેમ તપાસી લે, એક-બીજાને સાબિત કરી લે કે આઈ એમ નાઈસ પર્સન. અને ભવિષ્ય માટે નાઈસ હસબન્ડ કે નાઈસ વાઈફ. જો ડન ન થાય એટલે કે એક-બીજા પ્રુવ ન કરી શકે તો ઘર અને સમાજમાંથી પ્રશ્નો ઉઠે, કે આટલા છોકરા કે છોકરી જોયા પછી પણ કેમ મેળ પડતો નથી ? અને જો પ્રુવ થઈ જાય કે એકબીજાને પસંદ પડી જાય તો, વળી નવી પ્રુવ કરવાની સફર શરૂ. એક પરફેક્ટ પતિ કે પત્ની જ નહિ… જમાઈ કે વહુ અને એવા અઢળક સંબંધો… નહિ તો  અમુક વર્ષ પછી સાંભળવાનું કે સંભળાવવાનું બને કે, ફલાણા કે ફલાણી મારા માટે તૈયાર જ હતો કે હતી.

લગ્નજીવનની ગાડીમાં પેટ્રોલ પૂરતા રહીએ ને સર્વિસ કરાવતા રહીએ એટલે કે પ્રુવ કરતા રહીએ ત્યાં વળી નવી પ્રુવની પ્રક્રિયા શરૂ. બેસ્ટ પપ્પા અને મમ્મી. આ ખરેખર પ્રુવ કરવાની અને થવાની ખુબ અઘરી પ્રક્રિયા છે કારણ કે અત્યાર સુધીના બધા જ આપણા પર જ ભાર હતો કે આધાર હતો. હવે બંને પક્ષે સાબિત કરવાનું છે. વાલીનું માપદંડ તેના સંતાન પરથી સાબિત થાય. કારણ કે, કેળવણી અને માર્ગદર્શન આમાં મોટો ભાગ ભજવે છે. બધું જ કરી છૂટ્યા પછી પણ સંતાન મોટા થાય એટલે ફરી એ જ સવાલ તમે અમારા માટે શું કર્યું છે ? અને કાં તો માતા-પિતાને પ્રશ્ન થાય કે એવું તો શું નથી કર્યું કે સંતાને આવું અમારી સાથે કર્યું ? ક્યાં કચાશ રહી ગઈ ? અને આ સાબિતીની પ્રક્રિયા પછી પણ સાસુ-સસરા સ્વરૂપે ચાલતી રહે. ગમ્મે તેટલું સાબિત કરવાની કોશિશ કરીએ કે સાસ ભી કભી બહુ થી તો પણ વહુબેટા કે તેમની પક્ષના કહેવાનું ન ચુકે કે સાત સારી તો પણ સાસુ.

જીવનના બધા જ પડાવો પસાર કર્યા પછી, ઘણું બધું પ્રુવ કર્યા પછી પણ દાદા-દાદી અને નાના-નાની તરીકે પ્રુવ થવાની પ્રક્રિયા. પોતાના ચાઈલ્ડ અને ગ્રાન્ડ ચાઈલ્ડને જરૂર હોય કે ન હોય, આ સ્ટેજ પણ આટલી ઈમાનદારીથી સાબિત કરતા રહેવાનું.

જીવનનો અંતિમ કે આખરી તબ્બકો અને મૃત્યુ. મૃત્યુની રાહ જોતા, બિમારીની હાલતમાં, મૃત્યુ થયા પછી પણ એક વ્યક્તિત્વ, માણસ અને ઉમદા આત્મા સ્વરૂપે આપણે કેવા સાબિત થયા એવું આપણે પ્રુવ કરવાનું. અને લોકો આપણું માપન કાઢે. એટલે કે પરિણામ ઘોષિત કરે. આપણા જીવનની તમામ સાબિત (પ્રુવ) થવાની પ્રક્રિયા માત્ર થોડા શબ્દોમાં વર્ણવવા પ્રાર્થનાસભા કે શોકસભા દ્વારા આપણ મૃત્યુ પછી રાખે અને ત્યારે આપણા સિવાય બધા જ આપણા જીવનમાં આપણે કરેલા કર્મો અને સાબિતીની પ્રક્રિયાના ગુણગાન સાંભળે. કલાક એક જેવા ભાવ વિભોર થઈ હમેશા માટે આપણને વિદાય આપી દે.

તો આપણે આટલું બધું પ્રુવ કરીએ છીએ શું કામ ? અને કોના માટે ? ક્યારેક ખુદને પ્રુવ કરવું છે તો ક્યારેક બીજાને પ્રુવ કરાવવું છે, જીવનના ઘણા તબક્કાઓમાં આપણે આ પ્રુવગેમનો હિસ્સો બનીએ છીએ અને બનતા આવ્યા છીએ. અને એમાં જ આખી જિંદગી પસાર થઈ જાય છે. તેમ છતાં આપણે પ્રુવ કરવા માટે  ઈમ્પ્રુવ પણ થતા રહીએ છીએ. અને આ પ્રુવ પ્રક્રિયા આખી જિંદગી ચાલતી રહે છે.

વાગ્ભિ

IMAGE16

Advertisements