ભાષા

મારી ભાષા ને તારી ભાષા

માતૃભાષા ને રાષ્ટ્રભાષા

રાષ્ટ્રીયભાષા ને આંતરરાષ્ટ્રીયભાષા

ના ના હવે, આજે કઈ માતૃભાષા દિવસ નથી. કારણ કે, જનરલી માતૃભાષા પર ચર્ચા કે વાત ત્યારે જ થાય છે જયારે તે દિવસ હોય. પણ હમણાં હમણાં થોડા અનુભવો અને જાણવા ને જણાવવામાં આવતા પ્રયત્નો ઉપરથી આ વિષય પર લખવાની ને વિચારો વહેતા કરવાની ઈચ્છા થઈ.

એવું જરૂરી કે માતૃભાષામાં ભણીએ તો જ માતૃભાષા આવડે કે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દેખાય ?

માતૃભાષાના ભાષણો કરતા લોકો શું મહિનામાં એકાદ પત્ર કે કોઈપણ પ્રકારનું લેખન માતૃભાષામાં કરતા હશે ? કોઈ માતૃભાષાની પુસ્તકનું વાંચન કરતા હશે ? કે એક પણ (ગુજરાતી) ફિલ્મ જોતા હશે ? અને જો જોતા જ હોય તો ગુજરાતી ફિલ્મોના હાલ આવા બેહાલ શું કામ ? સોરી ટુ સે ધિસ.. પણ ગુજરાતી પર એટલે વધુ ભાર આપું છું કે વધુ પડતી ટિકા કે વધુ પડતા પ્રચારો અને પ્રયોગો કોઈ બીજી ભાષા માટે થતા જોયા નથી. આ પહેલા પણ મેં લખ્યું હતું કે “તમે ગુજરાતી છો તો લાઇક કરો “ જેવા પ્રયાસો બીજી કોઈ ભાષા માટે જોયા નથી. ત્યારે પણ લખ્યું હતું કે ગુજરાતી હોવાનો ગર્વ થવો જરૂરી છે પણ તેના માટે બીજી ભાષા કે બીજા લોકોની ટીકા કે અવહેલના ને આલોચના કરવી શું યોગ્ય છે ? ત્યારે પણ મેં લખ્યું હતું કે ગાંધીજી, નર્મદ, ઝવેરચંદ મેઘાણી, નરસિંહ મેહતા, ધીરુભાઈ અંબાણી આ કોઈ લોકપ્રિય મહાનુભાવોને હું ગુજરાતી છું એવો દાવો કે પ્રચાર કરવાની જરૂર પડી નથી. તેમના કર્મથી જ લોકો તેને ઓળખે છે અને ગુજરાતી હોવાનો ગર્વ તેમને બોલીને નહિ કરીને બતાવ્યો.

માતૃભાષા માટે પ્રેમ વ્યક્ત કરવા માતૃભાષામાં જ ભણવું જરૂરી નથી. ઘરે જનરલી આપણે માતૃભાષા જ બોલતા હોઈએ છીએ. હા, ઘરમાં પહેલેથી જ જો માતૃભાષામાં લખવા કે વાચવાની ટેવ પાડવામાં આવે, શીખવવામાં આવે તો માતૃભાષા આજે દરેક વ્યક્તિ જાણશે, માણશે ને સ્વીકારશે પણ.

હવે બીજી વાત, અમુક અભ્યાસમાં આગળ વધવા માટે અંગ્રેજી ભાષા અતિ આવશ્યક બની જાય છે. અને એના માટે માતૃભાષાની પીપૂડી વગાડી સંતાનની કે આપણી જિંદગી સાથે ચેડા ન જ કરાય. માતૃભાષા તો આપણે ઘરે પણ શીખી શકીએ અને ઘરના શીખવાડી શકે, પણ બીજી ભાષાનું જ્ઞાન તો આપણે અભ્યાસ થકી જ મેળવી શકીએ. અને એટલી આવડત તો આપણામાં હોવી જોઈએ કે માતૃભાષાની વાત કરીએ અને કરવાનો પણ આપણને કોઈ અધિકાર રહેતો નથી.

નવાઈની વાત તો એ છે કે હવે તો કોઈપણ ફોર્મ, કોઈ ચેક કે ચુકવણી, કોઈ ડોક્યુમેન્ટ્સ કે અગત્યના કાગળો પણ માતૃભાષામાં જોવા મળતા નથી.

ભાષા કોઈપણ હોય આપણે બોલી શકીએ અને સામેવાળા સમજી શકે એ ઉક્તિ એટલે ભાષા… હવે ફાંકા મારવા કે જાણતા હોવાનો ખોટો પોકળ દાવો કરવા ઇન્ટરનેશનલ ભાષાનો પ્રયોગ કરવાથી ક્યારેક ઘણી મોટી મુસીબતમાં પણ મુકાઈ શકીએ છીએ.  ફિલ્મોમાં પણ ઘણી વખત ગંવાર અને અનએજ્યુકેટેડ બતાવવામાં આવે છે.

ઘણી ફિલ્મોમાં ભાષા માટેની દ્વિધા દર્શાવવામાં આવી છે. એક તો અમિતાભ બચ્ચનનો ફેમસ ડાયલોગ ઈંગ્લીશ ઈઝ એ ફન્ની લેન્ગવેજ…તો જીન્સ ફિલ્મમાં દાદીનું ખોટું ઓપરેશન થઈ જાય છે. આવા ઘણા ઉદાહરણો ફિલ્મોમાં જ મળી જાય.

હવે વાત માધ્યમોના મહાયુદ્ધની…

માતૃભાષા પછી હમેશા જેના પર ડિબેટ કે ચર્ચા થતી હોય, તે છે માધ્યમો.. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ. માતૃભાષાની વકાલત કરતા લોકો ગુજરાતી માધ્યમની તરફદારી કરતા જોવા મળે, અને પોતાના પર થયેલા અત્યાચાર એટલે કે ગુજરાતી માધ્યમમાં ભણેલા મોટા ભાગના લોકો જ અંગ્રેજી માધ્યમની વાહ વાહ કરતા જોવા મળે. આ બંને ભાષાઓમાં આપણે આપણી ભાષા પ્રત્યે વફાદાર રહી શકીએ છીએ ખરા ? એટલે રાષ્ટ્રભાષા બચાડી એક ખુણામાં પડી રહે. આ બંને ભાષાઓના યુદ્ધમાં હિન્દીભાષાની  સેન્ડવીચ જેવી હાલત થઈ જાય છે.

ખરેખર, બહુ દુઃખની વાત છે કે આપણે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ભાષા તેમજ માધ્યમોમાં રાષ્ટ્રીય ભાષાની ઉપેક્ષા કરી નાખીએ છીએ. અને આજ સુધી ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ આપણે સંભાળતા આવીએ છીએ, પણ ક્યાંય હિન્દી માધ્યમ એવું સાંભળ્યું છે ખરા ? તો આ રાષ્ટ્રભાષાની વેલ્યુ શું ? એક વિષય જ માત્ર ?

ફરી એક વાત કહેવાની ઈચ્છા થાય છે કે સંસ્કાર અને સંસ્કૃતિની મોટી મોટી વાતો કરતા લોકો રાષ્ટ્ર કે રાષ્ટ્રભાષા પ્રત્યે જાગૃત છે ખરા ? હા, અમુક અંશે આપણે છીએ પણ માત્ર હિન્દી ફિલ્મો કે મનોરંજન માટે જ ફક્ત.

આપણને ઘણી વખત એમ થાય કે અંગ્રેજી માધ્યમમાં ભણવાથી કઈ મેળવી નથી લેવાનું કે ગુજરાતી માધ્યમમાં ભણી લેવાથી શું ગુમાવી લેશું ? પણ હકીકત તો સ્વીકારવી જ રહી. જયારે આપણે કે આપણા સંતાન ગુજરાતની બહાર નીકળતા જ બીજી કોઈ ભાષામાં વાત કરતા ગેંગે ફેફે થાય ત્યારે આ બધી હોશિયારી ને હુંશિયારી નીકળી જાય.

આખરે ગાંધીજીએ પણ વિદેશમાં અભ્યાસ કર્યો હતો અને ત્યાં ગુજરાતીમાં તો અભ્યાસ નહિ જ કર્યો હોય અફ કોર્સ. દરેક ભાષા જાણવી, શીખવી અને અમુક સમયે ઉપયોગમાં લેવી પણ જરૂરી છે જ. આખરે ભાષા એકબીજાના કોમ્યુનીકેશન અને સમજણ માટે જ તો છે. બાકી તો રામ રામ તો કે રીંગણા…

હા, ભાષાની જાણ અને જાગૃતિમાં ભાન ન ભૂલી જવું જોઈએ. ભાષામાં પણ “જેસા દેશ વૈસા ભેષ” એટલે કે ગુજરાતમાં શાકવાળા ભાઈ કે બહેનને “ફાઈવ હન્ડ્રેડ ગ્રામ્સ લેડીઝ ફિંગર આપો ને “ એમ નથી કહેવાતું અને ગુજરાતની બહાર ક્યાંય પણ “આ ભીંડો કેટલામાં દીધો ?” એમ પણ કહી શકાતું નથી. આટલું ડહાપણ આપણે શીખવાનું છે. એટલે દરેક ભાષાનું પોતાનું મહત્વ છે. દરેક ભાષાની અલગ ઓળખ અને સમજ છે. અને કોઈપણ ભાષા પાછળ ગાંડી દોટ અને ગાડરિયા પ્રવાહમાં વહેવાનું નથી પણ બીજી ભાષાની પાછળ પણ હાથ ધોઈને પડી જવાનું નથી.

ભાષા પ્રત્યે ચર્ચાઓ અને પ્રવચનો પણ માત્ર તેના જ દિવસે ખાસ અપાય છે અને માધ્યમો પ્રત્યેની ચર્ચા અને પ્રવચનો એડમીશન સમયે સંભાળવા ને જાણવા મળે છે.

આ પ્રાદેશિક, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં આપણે ભાષાઓની જનની સંસ્કુત ભાષાને તો સાવ ભૂલી જ ગયા છીએ એવ નથી લાગતું ?? ભણવામાં પણ ૨ થી ૩ વર્ષ જ આ ભાષા શીખવવામાં આવે છે. ઘરમાં તો આ ભાષાનો પ્રયોગ મોટા ભાગે શ્લોકો અને સ્તુતિમાં થતો હોય છે, એ પણ જો બોલવામાં કે બોલાવામાં આવતા હોય તો..

બધી જ ભાષાઓ પ્રત્યે જો સદભાવના રહેશે અને યોગ્ય કેળવણી ઘર કે અભ્યાસ થકી મળતી રહેશે, તો કોઈપણ ભાષાનો પ્રચાર કે પ્રસાર કરવો પડશે ખરા ? કે કોઈ ભાષા વિસરાશે કે ભુલાશે ખરા ?

વાગ્ભિ

Advertisements