ગુરૂ દિવસ…

ગુ કા મતલબ અંધેરા… રૂ કા મતલબ દૂર કરનેવાલા.. અંધેરા દૂર કરનેવાલા યાની ગુરૂ.

ગુરૂ સંસ્કૃત શબ્દ છે. અમુક અંગ્રેજી શબ્દકોશમાં આ શબ્દ એઝ ઈટ ઈઝ રાખવામાં આવ્યો છે. ગુજરાતીમાં આ ગુરૂ શબ્દનો અર્થ થાય છે મોટો. જે અન્ય કરતા મહાન હોય, જેમાં જ્ઞાન, વિદ્વતા, સ્વભાવની સાલસતા, શિક્ષણનિષ્ઠા અને પ્રેમભાવ જેવા ગુણો ભર્યા હોય તેવી વિભુતી જ ગુરૂ બની શકે છે.

જન્મથી શરૂ કરી મમ્મી-પપ્પાથી લઈ સ્કૂલમાં શિક્ષકો, તો નોકરી અને કારકિર્દીમાં સહકર્મચારી કે બોસ. કોઈ માર્ગદર્શક તો ક્યારેક ખુદ માતા-પિતા બન્યા પછી માર્ગદર્શન મેળવવા અને આપવા માટે મળતા ગુરૂ.   માત્ર જ્ઞાન જ નહિ જીવનના દરેક તબક્કામાં માર્ગદર્શન આપનાર એટલે ગુરૂ. જીવનના દરેક તબક્કામાં એક માર્ગદર્શકની જરૂરિયાત રહે જ છે અને પૂરી થાય પણ છે. ક્યારેક પુસ્તકો પણ જ્ઞાન સાથે માર્ગદર્શન આપી જાય છે. ને કદાચ એટલે જ પુસ્તકોને સારા મિત્રો કહેવાયા છે. એટલે કે મિત્ર જેવું માર્ગદર્શન.

જીવનમાં ગુરૂની જરૂરિયાત હરકોઈને હોય જ છે અને હોવી જ જોઈએ. ગુરૂના પણ ગુરૂ હોય છે. એટલે કે જે આપણું માર્ગદર્શન કરે છે તેમને પણ કોઈ ને કોઈ માર્ગદર્શન આપતા ગુરૂ હોય જ છે. અર્જુનના માર્ગદર્શક શ્રી કૃષ્ણ અને તેમના પણ ગુરૂ એટલે ઋષિ સાંદીપની. પહેલાના સમયમાં કોઈ શાળા, અકાદમી કે કોલેજ ન્હોતી, એટલે ગુરૂ ગૃહવાસ કરીને જ જ્ઞાનપ્રાપ્તિ થતી. ગુરૂના ઘેર રહીને વિદ્યાભ્યાસ થતો. શ્રી કૃષ્ણ અને સુદામા એ સાંદીપની ઋષિના આશ્રમમાં, શ્રી રામચંદ્ર એ વાલ્મીકી આશ્રમમાં રહીને વિદ્યાના પાઠ શિખ્યા અને કેળવણી લીધી. આશ્રમમાં રહીને તમામ કામ પણ કરવા પડતા..

આજના સમયમાં જોઈએ તો શાળા, અકાદમી, કોલેજ આ માધ્યમસ્થાનો થકી માતા-પિતાથી કે ઘરથી દૂર રહીને જ્ઞાનપ્રાપ્તિ માટે નથી જવું પડતું. પણ વિદ્યાર્થીઓ હવે માત્ર જ્ઞાન જ મેળવે છે… કેળવણી અને જીવનના પાઠ તેઓ સંપૂર્ણપણે શીખી શકતા જ નથી.

વેલ, પરિવર્તન સંસારનો નિયમ છે. પણ આટલું પરિવર્તન ? જ્ઞાન, વિદ્યા, અભ્યાસના સ્વરૂપો પણ હવે બદલાતા થયા છે. આજે સંપૂર્ણ શિક્ષણ અને શિક્ષણસંસ્થા કોમર્શીયલ બની ગઈ છે. એજ્યુકેશનમાં પણ હવે માર્કેટિંગ પ્રવેશી ચુક્યું છે. માત્ર આજના શિક્ષકોને દોષ દેવો કે તેમની ઉપેક્ષા કરવી હિતાવહ નથી, વત્તે ઓછે અંશે શિક્ષણસંસ્થા પણ તેની જવાબદાર છે જ. જેમ એક સારો શિક્ષક વિદ્યાર્થીના ઘડતરમાં મદદરૂપ થાય છે તેમ એક સારી શિક્ષણસંસ્થાનો વ્યક્તિત્વ વિકાસ માટે મહત્વનો ફાળો હોય છે.

એક સારા શિક્ષકની વાત તો સૌ કોઈ જાણે જ છે. પણ શૈક્ષણિક માળખું અને શિક્ષણ સંસ્થા વિશે વિચારનાર વર્ગ ખુબ જ સીમિત છે.

શૈક્ષણિક માળખાની વાત કરીએ તો,

પ્રિ-પ્રાયમરી, પ્રાયમરીના લગભગ ૩ થી ૧૩ વર્ષના બાળકોને સવારમાં ૬ વાગ્યે ઉઠીને જવાનું અને ૨ વાગ્યા સુધીનો શાળાનો સમય અને તેનાથી ઉલ્ટું મોટા વયસ્ક એટલે કે હાયર સેકન્ડરી અને કોલેજમાં બપોરનો સમય ૧૨ થી ૫ . ખરેખર ક્યારેક દુઃખ થાય, આવું સમય પત્રક બનાવનારે શું વિચારને માપદંડ કાઢ્યું હશે ? ઘણા બાળકો ઊંઘમાંથી ઉભા થઈ સફળા બેસી જાય છે અને કોઈ તો ઊંઘમાં બોલતા પણ હોય છે, આજે સ્કુલે નથી જવું… આજે સ્કૂલે મોડો પહોચીશ તો ? આવું જ્ઞાન કે અભ્યાસ મેળવીને શું કરવાનું ?

ટુંકમાં, લડધા જેવા સવારે આરામથી નહિ પણ વધુ પડતી ઊંઘ કરી અને બપોરે નિરાતે કોલેજે જાય અને નાના ભુલકાઓ રાત્રે ઊંધમાં પણ સવારે સ્કૂલે જવાના વિચારે પુરતું ઊંઘી શકતા ન હોય. પછી ક્યાંથી વિદ્યા પ્રાપ્તિ કે વિદ્યાર્થી ઘડતર થાય ?

પરિણામ સ્વરૂપ આજે બાળકોમાં નકારત્મક લાગણીઓ, ગુસ્સો, ભય, આત્મ વિશ્વાસનો અભાવ અને સ્ટ્રેસ જેવા લક્ષણો જોવા મળે છે. અને આજે એટલે જ દર વર્ષે આત્મ હત્યાના પ્રયાસો કરતા વિદ્યાર્થીઓમાં વધારો થતો જાય છે. આ પ્રોસેસ બહુ ધીમેથી બાળમાનસમાં શરૂ થઈ જાય છે અને થોડા મોટા થતા જે આવું પગલું લેવા મજબુર થઈ જાય છે. અને આ બધામાં સ્કૂલ ગોઇંગ સ્ટુડન્ટ્સનું પ્રમાણ વધુ જોવા મળે છે. 

સમજ તથા શિષ્યોની ઉન્નતિ માટે ગુરૂ પોતાની શક્તિ, આરામ, સુખસગવડનો ભોગ આપતા. સમાજને આપતા રહેવાની ફરજ અને ઉચ્ચ ભાવના રહેતી. આવું મારા ક્યાંક વાંચવામાં આવ્યું હતું.

શિક્ષકોની વાત કરીએ તો હવે શિક્ષણનું માપદંડ ડીગ્રીથી નીકળે છે. ગુજરાતીમાં સરસ શબ્દ છે લાયકાત… શું માત્ર માસ્ટર,બીએડ,પીએચડી ડીગ્રી જ એક શિક્ષકની લાયકાત હોવી જોઈએ ? જો આમાંનો કોઈ ડીગ્રી ધારક શિક્ષક જો રૂઢીવાદી માનસિકતા ધરાવતો કે કૂપમંડૂક વિચારશરણી ધરવતો હોય, તો વિદ્યાર્થીનું ઘડતર કેવું થશે ? તેને કેવી કેળવણી મળશે ? તે શું શીખશે ? તેના વિચારોના વહન પહેલા જ તેનું દહન થઈ જશે. શું પહેલાના સમયમાં દ્રોણાચાર્ય કે સાંદીપની ઋષિ પાસે આવી કોઈ ડીગ્રી કે શૈક્ષણિક અભ્યાસનો પુરાવો હતો ? નો ડાઉટ, આજના સમય પ્રમાણે જરૂરી છે, પણ માત્ર એક ડીગ્રી થકી જ શું શિક્ષક બનવા યોગ્યતા મળી શકે કે મળવી જોઈએ ખરી ?

પરિણામ સ્વરૂપ એટલે જ આપણે અમુક શિક્ષકોના પરાક્રમો જોઈએ છીએ. અને આજના વિદ્યાર્થીઓની શિક્ષણ ક્ષમતા પણ જોઈએ જ છીએ. હવે, શિક્ષકો જ ગોખણીયા જ્ઞાનથી લુપ્ત અને ડીગ્રીથી તૃપ્ત હશે, તો વિદ્યાર્થીઓ એ જ મેળવશે.

હવે શિક્ષણ સંસ્થાની વાત,

શિક્ષણ આપતી સંસ્થા કે કેળવણી સંકુલ હવે સંપૂર્ણપણે કોમર્શીયલ થઈ ચુક્યું છે. આમાં શિક્ષક બાપડો શું કરે ? શિક્ષણ સંસ્થા પણ હવે નીતનવીન આકર્ષણોથી વાલીઓને લોભાવતા જાય છે અને ફેસીલીટીના જાળમાં અંતે કોઈ તો “વાલી માછલી” ફસાઈ જાય છે. માત્ર ચોપડિયા જ્ઞાન અને તૈયાર ભાણા માફક પીરસી દેવામાં આવતા મટીરીયલ્સથી અભ્યાસ તો પૂરો થઈ જાય પણ યોગ્ય કેળવણી મળી શકે ખરી ? આપણે જ્ઞાન કે અભ્યાસ મેળવવાની વાત જ કરીએ છીએ, બહુ બહુ તો વ્યક્તિત્વ વિકાસ-ઘડતરનો વિચાર કરી છીએ. પણ આ બધાનો સમન્વય કરી જીવન ઉપયોગી “કેળવણી ની મેળવાણી” વિશે વિચારીશું આખરે ક્યારે ? એક કેળવાયેલ વ્યક્તિમાં ભણતર, ઘડતર અને જીવન ચણતરના બધા જ ગુણોનો વિકાસ થઈ શકે છે.

હવે, શિક્ષણ સંસ્થામાં પણ એડમીન બદલાય એટલે પૂરું એડ્મીનીષ્ટ્રેશન બદલાય જાય. જે બાળકોને એક દિશા મળી હોય, તે માર્ગ મૂકી નવો રસ્તો શોધવા માટે લગાડી દેવામાં આવે છે. અને અંતે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ આના ભોગ બને છે. સાંદીપની ઋષિની ગેરહાજરીમાં તેમની પત્ની(બીજા એડમીન)એ શ્રી કૃષ્ણ અને સુદામાને જંગલમાં મોકલ્યા અને ધોધમાર વરસાદમાં ફસાયા. આ તો ભલું થાય સાંદીપની ઋષિનું (પહેલા/જૂના એડમીન) કે સમયસર આવી અને જંગલમાંથી શોધી લાવ્યા. નહિ તો, આજના વિદ્યાર્થીઓની જેમ એક (જંગલ) શૈક્ષણિકસંસ્થાથી બીજે ને પછી ત્રીજે ભટક્યા કરત.

ભારત અને ભારતીય કલાઓમાં ગુરૂ પૂર્ણિમાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. હા, આજે શિક્ષકોને માન આપવું જરૂરી બન્યું છે અને એટલે જ આપણે પણ હવે પરદેશની જેમ ખાસ દિવસોની ઉજવણી કરવી પડે છે. શ્રી કૃષ્ણ અને સુદામા એ આશ્રમમાં સેલીબ્રેટ કર્યો હશે ગુરૂ પૂર્ણિમાનો દિવસ ?

જીવનના લપસણા માર્ગ વચ્ચે દીવાદાંડી જેવું સ્થાન ગુરૂનું છે.

આજે એક વિશ્વાસ શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક માળખા એ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફરી ઉજાગર કરાવવો હિતાવહ બન્યો છે. તેવી જ રીતે વાલીઓએ પણ તેમના બાળકોમાં શિક્ષકો પ્રત્યે આદરભાવ સમજાવવો જરૂરી બની ગયો છે. એક હાથે તાલી ના પડે… કઈક તો ખૂટે છે બંનેમાં, આજે જયારે શિક્ષણપ્રથા કેળવણી ને બદલે માત્ર અભ્યાસ અને ભણતરમાં જ પરિવર્તિત થયું  છે. એટલે, પેરેન્ટ્સ મીટીંગમાં એકબીજા પર હમેશા દોષ દેવા કરતા એકબીજાને સમજીને ચાલવું વધુ સારું રહેશે. આમાં ફાવી જાય કયો કે ફસાઈ જાય કયો પણ સેન્ડવીચ બાળકો કે વિદ્યાર્થીઓ જ બની જાય છે.

આજે શિક્ષણને બદલે કેળવણી, શિક્ષકને બદલે ગુરૂ આ વિચારધારા બદલાવવાનું જરૂરી બની ગયું છે. અને તો અને તો જ શૈક્ષણિક સંસ્થામાંથી સંકુલ અને શૈક્ષણિકમાળખા માંથી અભ્યાસપ્રથા આપોઆપ બની જશે. અને મળી જશે એક વિદ્યાર્થીમાંથી કેળવાયેલ વ્યક્તિ અને તેનું વ્યક્તિત્વ. શબ્દો એક જ છે પણ તેના ભાવમાં, સમજવામાં ખુબ મોટો(ગુરૂ) ભેદ છે.

મારા જીવન ઘડતર,ભણતર અને જીવન ચણતરમાં મને હરહમેશ સાથ-સહકાર અને માર્ગદર્શન આપનાર, અવનવી સર્જન શક્તિને ખીલવતા અને પથદર્શક બનતા ગુરૂને પ્રણામ… અંગત જીવનના સંસ્મરણો વિશે પછી ક્યારેક વાત…આજે આટલું…

એ જ લી,

વાગ્ભિ

ગુરૂ પૂર્ણિમા કવિતા

Advertisements