HAPPY FRIENDSHIP (NON-ENEMITY) DAY

કહેવાય છે મુર્ખ મિત્ર કરતા શાણો શત્રુ સારો…

આજે ફ્રેન્ડશીપ ડે છે એટલે ભલે આપણે મિત્રોને યાદ કરીએ…પણ આપણા જીવનમાં મિત્રો સાથે શત્રુઓનો પણ એટલો જ ફાળો છે. કોઈક તો એવું હશે જ કે જેને કોઈ મિત્ર નહિ હોય, પણ કોઈ એવું નહિ હોય જેને એક પણ શત્રુ ન હોય.

ખબર નહિ, મારા જેવો વિચાર કોઈને આવ્યો કે આવતો હશે ??? કારણ કે, મારા નામની જેમ થોડા હટકે અને યુનિક વિચારોની મને થોડી કુટેવ થઈ ગઈ છે. ઘણા સમયથી આ વિષય પર મને લખવાની તાલાવેલી હતી. મિત્રોની સ્મૃતિ તો અવિસ્મરણીય છે જ. એમાં ફેસબુકના અને સોશ્યલ મીડિયાના માધ્યમ થકી કેટલાય નવા મિત્રો બન્યા..ઘણા જૂના મિત્રો પણ ફરી મળ્યા..અને આ જ માધ્યમ થકી ઘણા શત્રુ પણ બન્યા…

વેલ…વેલ…વેલ…

દરેક યાદો, વાતો અને વિચારોમાં જેમ આપણે મિત્રોને યાદ કરીએ છીએ તેમ શત્રુઓને પણ ભૂલતા નથી. કારણ કે, ક્યારેક તો તેઓ પણ આપણા મિત્રો રહી ચૂક્યા હોય છે. એટલે કે આ કટુ સંજોગ પહેલાનો સારો સમય આપણે સાથે વિતાવેલ હોય છે. હા, જેમ મિત્રોની દરેક શીખ, સમજણ આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ, તેમ શત્રુઓની શીખ, સમજણને આપણે વધુ મહત્વ આપતા હોઈએ છીએ, અને એટલે જ આપણે અમુક કઠીન સમય અને સંજોગને સફળતાપૂર્વક પસાર કરી નાખતા હોઈએ છીએ. જેમ મિત્રોનો સાથ કઠીન સમયમાં જરૂરી હોય છે તેમ શત્રુના શબ્દો અને વ્યવહાર થકી વધવાની ધગસ, કઈ કરી છુટવાની તીવ્ર ઈચ્છા અને તમામ પ્રયત્નો કરી છૂટવાનો આપણે પ્રયાસ કરી નાખીએ છીએ. એટલે બની શકે કે મિત્રોના વેણ કરતા શત્રુના ક્હેણ આપણને વધુ અસર કરી જાય આખરે સત્ય અને સફળતાની વધુ નજીક લઈ જાય.

ક્યારેક મિત્રો મિત્રતાને ખાતર આપણને બે શબ્દ ખોટી પ્રશંસાના કહે, કારણ કે આપણને દુઃખ ન થાય કે દિલના દુભાય. જયારે શત્રુના બે શબ્દ પણ ખોટી પ્રશંસાના નહિ હોય. એ જે કહેશે તે સત્યની વધુ નજીક હશે. અમુક વખતે શત્રુ જ આપણને આપણું સાચું પ્રતિબિંબ દેખાડવા માટે નિમિત બનતા હોય છે.

અમુક તો મિત્રો પણ એવા પાક્કા હોય કે મિત્રતાના સ્વાંગમાં આભાસી મૈત્રીભાવ દેખાડતા હોય. મિત્રતાના પણ પ્રકારો હોય શકે કેમ નહિ ? સ્વાર્થી મિત્ર, વળગું ને ગળેપડું મિત્ર, ચીપ્કું મિત્ર, (હું પદૂ) એચ પી મિત્ર, તો બીજા એચ પી (હરખ પદુડા) મિત્ર, વાતોડિયો મિત્ર, શેરી મિત્ર, પાડોશી મિત્ર, સ્કૂલ મિત્ર, કોલેજ મિત્ર, મુસાફરી મિત્ર, પત્ર મિત્ર, શ્રોતા મિત્ર, વાચક મિત્ર, ઓહો…હો..હો..હો… પણ શત્રુઓનો કોઈ પ્રકાર ખરો ???

ક્યારેક શત્રુ આપણે, તો ક્યારેક આપણા કોઈ શત્રુ હોય. પણ વફાદારી તો તેમાં સો ટકા હશે જ. કારણ કે, તેમની પાછળ એમનો કોઈ સ્વાર્થ કે પ્રેમ ભાવ જ નથી. હા, કોઈ વખત વધુ પડતી ઈર્ષા કે પીડાના શિકાર હશે, અને એના જવાબદાર આપણી વચ્ચેનો ભૂતકાળ હશે.

જેમ દુઃખ હોય તો જ સુખની અનુભૂતિ થાય તેમ શત્રુ હોય તો જ મિત્રની ઓળખ ને પરખ થાય. અને તો જ મિત્રદિવસ પણ ઉજવાય ખરું ને !! ખરેખર તો શત્રુને સલામ કે જેના થકી આપણા જીવનમાં મિત્રોની અસરકારક ભૂમિકા છે.

મારા જીવનમાં મિત્રોનું ખુબ જ આગવું સ્થાન છે. એમ કહું કે હું મારા પરિવાર, સંબંધો કરતા મિત્રોની વધુ નજીક છું. અને આભારી છું કે હું બધા જ મિત્રોના સંપર્કમાં આજ સુધી છું. મિત્રો અને સખીઓ બધાને બાબલા-બેબલી આવી ગયા, અને હવે તો પરિવારની-સંતાનોની વાતો, તકલીફો, અનુભવો પણ એકબીજાને શેર થાય છે. એક બીજાની બુક્સ, પેન, વસ્તુઓ, વાહનો શેર કરતા કરતા આજે સુખ દુઃખની વાતો પણ એકબીજા સાથે દિલથી વહેચીએ છીએ.

હા, મારી બાળપણની અમુક સખીઓને આજે પણ શોધું છું. ખબર નહિ, એ પણ મને શોધે છે કે નહિ ? ધોરણ બીજામાં મારી એક સખી સેજલ ભાવનગરમાં બની હતી. ત્યારે પપ્પાની ત્યાં ટ્રાન્સફર થઈ હતી, અમે એક વર્ષ સ્કૂલમાં સાથે હતા. જયારે ફરી બેક ટુ પેવેલીયન એટલે કે નિવાસ જુનાગઢ પાછા જવાનું થયું ત્યારે અમે નક્કી કર્યું હતું કે બીજા દિવસે અમે બન્ને એક બીજાના એડ્રેસ આપીશું. હું બીજા દિવસે સ્કૂલે જઈ જ ન શકી અને આજ સુધી અમારો સંપર્ક થઈ શક્યો નથી. ખબર નહિ, તેણી એ મારી રાહ જોઈ હશે કે નહિ ? એવી જ બીજી સખી દિપાલી ગઢવી… તેણી મારી સાથે પ્રાયમરીમાં ભણતી, અને જયારે તેણે ઘર બદલ્યું ત્યારે હું બીજે હતી. તેણીને પણ કેટલાય વર્ષોથી શોધું છું.

એક તો સખીઓમાં લગ્ન પછી આ સાળી લાસ્ટ નેમ એટલે કે સરનેમ બદલાય જાય, એમાં જૂના મિત્રોને શોધવા પણ કેમ ? આજે તો બધા ડોક્યુમેન્ટ્સમાં પણ ગોટા થાય છે.. જૂની સરનેમ ને નવી સરનેમ… પેલાની ને પછીની… પણ એ વિશે વિસ્તારમાં પછી વાતો…

હવે શત્રુઓને કોઈ થોડા શોધે…બસ એ તો મિત્રને જ શોધવાની ઈચ્છા થાય. મિત્રનો જ ભૂતકાળ વાગોળવાની, વર્તમાનમાં હાલચાલ પૂછવાની અને ભવિષ્યમાં મળવાની ઈચ્છા સહહૃદય થાય.

મિત્રો મોટીવેટ કરે અને ક્યારેક આપણા મેન્ટોર પણ બને. આ વર્ષે મિત્રો તરફથી ખુબ જ મોટીવેશનલ ગિફ્ટ મેં મેળવી છે. બાળપણમાં થોડો વાંચવાનો શોખ હતો.. અને આ વર્ષથી ફરી પુસ્તકો વાચવા માટે મને પ્રેરણા મળી છે. બુક રીવ્યુસ, બુકની વાતો, બુકમાંથી વહેતા વિચારો…અને બુકની દુનિયામાં ફરી મેં મારી જાતને શોધી છે. કહેવાય છે સૌથી શ્રેષ્ઠ મિત્ર પુસ્તકો છે. મિત્રો થકી એક મિત્રની ભેટ એટલે કે પુસ્તક વાચવાની પ્રેરણા મળે…તેનાથી વિશેષ કે વિશિષ્ટ કોઈ ગીફ્ટ હોય શકે ખરી ??

યુ કેન હિલ યોર લાઈફ…અત્તરાપી…મેગાલીવિંગ…ફેમીલી વિસ્ડમ..તત્વમસિ…અંતરની શોધ…ગેટ વેલ સૂન…ડિસ્કવર યોર ડેસ્ટીની… વન નાઈટ એટ કોલ સેન્ટર આજે મારી પાસે ખુબ જ સુંદર પુસ્તકોની યાદી છે.. જેના વાંચન થકી નવી પ્રેરણા.. નવા વિચારો..માહિતી અને સલાહ મને આ પુસ્તક નામના નવા મિત્ર થકી હું મેળવું છું. નવા નવા વ્યક્તિ મિત્રો અને પુસ્તક મિત્રો બનતા રહે…

બધા જ મિત્રોને નિસ્વાર્થ મૈત્રીભાવ મુબારક…. કૃષ્ણ-સુદામા દિવસ અને સખા દિવસ મુબારક….

વાગ્ભિ

दोस्ती कविता

Advertisements