ઇનડીપેન્ડન્ટ કે ઇન – ડીપેન્ડન્ટ…??

મારી દીકરીને શબ્દો છુટ્ટા પડવાની, શબ્દો સાથે રમત કરવાની ગજબ ટેવ એટલે આ પ્રશ્ન મને મારી દીકરીએ પૂછ્યો હતો. અને આ શબ્દોમાંથી મને નવું કઈક લખવાની ઈચ્છા થઈ.

આમ જોઈએ તો સ્વતંત્રતા આઝાદી દેશ માટે જ કેમ ? દેશને આઝાદ થયાનો દિવસ ઉજવીએ છીએ પણ સમાજના બંધનો કુરિવાજો…એટલે કે આમાંથી આઝાદ થયાનો દિવસ કોણ જાણે ક્યારે ઉજવીશું ?

વાણીની સ્વતંત્રતા તો મળી ગઈ, પણ વિચારોની સ્વતંત્રતા ક્યારે ??

આઝાદી એટલે ભલે આપણે દેશના સ્વતંત્રતા પર્વ તરીકે મૂલવીએ અને ઉજવીએ પણ જો આ શબ્દને વિસ્તારીએ તો કેટલીયે આઝાદીનો સંકલ્પ આજે આપણે કરી શકીએ ?

વ્યસનમાંથી આઝાદી, શારીરિક રોગોમાંથી મુક્તિ મેળવવાની એટલે કે રોગમુક્ત શરીરની આઝાદી… કૂપમંડૂક વિચારદ્રષ્ટિ માંથી આઝાદી… અસામાજિક તત્વોમાંથી આઝાદી… દેશની જ કેટલીયે સમસ્યાઓ જેવી કે, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આર્થિક, રાજકીય, આતંકવાદ આ બધામાંથી મળતી આઝાદી… આમ જોઈએ તો અંગ્રેજો કરતા પણ ખતરનાક અને ઘાતક છે આ ગુલામી. અંગ્રેજોએ ૧૦૦ વર્ષ રાજ કર્યું, પણ અમુક સામાજિક કુરિવાજો તો તેનાથી પણ ઘણા જૂના સમયથી આપણા પર રાજ કરતા આવ્યા છે. આવી બધી ગુલામી માંથી આખરે ક્યારે આઝાદ થવાનું  ??

લાગે છે હવે જૂના ગાણા ગાયા કરવાથી કે જૂની પીપુડીઓ વગાડ્યા કરવાથી એક દિવસ માટે માત્ર દિલને દિલાસો દીધા જેવી આ વાત છે. જો સ્વાતંત્ર્ય સેનાનીઓએ આમ જૂના ગાણા જ ગાયા કર્યા હોત તો એ સમસ્યા કે ગુલામીમાંથી પણ આપણે હજુ આઝાદ ન થયા હોત. એમને પણ કદાચ ઉપર બેઠા હસવું આવતું હશે કે આ લોકોને કઈ કરવું તો નથી, બસ અમારા નામે જૂના ગાણા ગાયા રાખીને એક આભાસી આઝાદીનો આનંદ મેળવવો છે અને જાહેર રજાનું નામ આપી માત્ર ઉજવણી કરવી છે. હા, એ સમયે અંગ્રેજોની ગુલામી એક મોટી સમસ્યા હતી. પણ આજે સમસ્યા અને ગુલામીનું કારણ બદલાયું છે. પત્રમાંથી ઈ મેઈલ સુધી અને નવી નવી ટેકનોલોજી સુધી પહોચ્યા પણ ગુલામી અને આઝાદીની વ્યાખ્યા આપણા માટે આજ સુધી બદલાઈ નહિ. વાહ…

હવે નક્કી એ કરવાનું છે કે એક દિવસ આઝાદી દિવસ માણવો છે કે રોજ આઝાદ દિવસ હોય તેવી કોઈ વિચાર દ્રષ્ટિ પણ કેળવવી છે ???

દેશ માટે પ્રેમ હોવો જ જોઈએ. પણ દેશ માટે નાનું એવું યોગદાન એ પણ એક પ્રકારનો દેશપ્રેમ, દેશભક્તિ જ છે.

ઇનડીપેન્ડન્ટ કે ઇન – ડીપેન્ડન્ટ…?? એ આપણે નક્કી કરવાનું છે.

ગયા વર્ષે બીગ મેજિકમાં અકબર બીરબલમાં આઝાદી દિવસ પર બહુ જ સરસ દર્શાવવામાં આવ્યું હતું. ખરેખર, જો એક દિવસ પણ ગુલામીનો ગાળવો પડે, તો ખરેખર આઝાદીનો મતલબ સમજાય. અને આપણે અમુક હદે અમુક પ્રકારની ગુલામીમાં જીવીએ જ છીએ, એટલે કે હજુ એટલા આઝાદ દિલના કે દિમાગના નથી થઈ શક્ય. આમ જોઈએ તો શ્વાસ પણ આઝાદીના આભારી છે.

સોરી આ માટે હું થોડી લેઇટ છું પણ શું થાય હજુ સમયથી આઝાદી ક્યાં મળી શકે તેમ છે ખરી !!

-વાગ્ભિ

Advertisements