gandhiji

ગાંધીજીની આત્મકથા તેમનું આત્મસમર્પણ…..

સત્યના પ્રયોગો પુસ્તક વાંચતા ગાંધીજીનું એક અલગ જ વ્યક્તિત્વ પ્રતીત થાય. ગાંધી મહાન વિચારો અને પ્રસંગો ઘણીવાર સાંભળવા મળે. પણ ગાંધીજીની આત્મકથામાં તેમનું સંપૂર્ણ સામાન્ય વ્યક્તિત્વ જોવા મળે. હજુ તો માત્ર ૨ ભાગ પુરા કર્યા છે. તેમ છતાં આ મહાન વ્યક્તિત્વને સામાન્ય વ્યક્તિત્વમાં વાંચવાની (જોતા) જિજીવિષા વધતી જાય. અને ધીમે ધીમે આ સામાન્ય વ્યક્તિત્વ ખતરો કે ખિલાડી એટલે કે  સ્વઅનુભવોમાંથી સત્યના પ્રયોગો સુધી પહોચતા જોવા મળે. અને મહાત્માના શિખરે પહુંચે.

બાળપણમાં સામાન્ય ભણતર, બાળલગ્ન, પુરુષત્વને પ્રાધાન્ય, મિત્રોની ખોટી સંગત, શુદ્ધ શાકાહાર માંથી માંસાહાર,  રૂઢીચુસ્ત ઘર-પરિવાર-સમાજ…. લગભગ એક સામાન્ય બાળક કે કિશોરનું જીવન અને બાલ્યકાળ તેમજ કિશોરાવસ્થામાં થતી ભૂલો…અનુભવો સ્વીકારવા અને વર્ણવવા એક સામાન્ય વ્યક્તિ માટે પણ જ્યાં અઘરા અને અશક્ય છે ત્યાં ગાંધીજી એક મહાનતા તરફ પહોચ્યા પછી… લોકપ્રિયતાના લોભમાં લોભાયા વગર પ્રામાણિકપણે અને ખુબ જ સાહજિકતાથી તેમનું હૃદય ઠાલવી દે છે આ પુસ્તકમાં. સામાન્ય વ્યક્તિ ભૂલો કરે, સ્વીકારે અને પછી ડાહી ડમરી વાતો કરે તો બધા એમ જ કહે કે “પાન ખાય ને પદમશી” પણ ગાંધીજીનું વ્યક્તિત્વ જ અલગ. પહેલેથી સરળ, સાહજિક અને સામાન્ય. એટલે પુસ્તક વાંચતા વાંચતા વાતો, અનુભવો, પ્રયોગો… આપણા પણ ગળે સહેલાઈથી ઉતરે અને પચાવી પણ શકાય.

આમ તો પુસ્તક સંપૂર્ણ વાચ્યા પછી તેમના રિવ્યુ કે છણાવટ કરવી જોઈએ અને કોઈપણ પુસ્તક વિશે યોગ્ય કહી કે લખી શકાય. તેમ છતાં પુસ્તકના ૨ ભાગ વાચ્યા પછી અને આજના દિવસને સમર્પિત ગાંધીજી વિશે લખવું યોગ્ય લાગ્યું. ગાંધીજીની આ પુસ્તક “સત્યના પ્રયોગો – આત્મકથા” એક વખત અચૂકપણે વાંચવા જેવી ખરી. અને ખાસ આ એક પુસ્તક તો દરેકે વાંચવી જ એવો આગ્રહ.

– વાગ્ભિ

 

 

 

 

 

Advertisements