image

વેલેન્ટાઈન vs વસંત પંચમી…..

દર વર્ષે વસંત પંચમી અને વેલેન્ટાઈન ડે માટે મહાયુદ્ધ શરુ થઇ જાય છે. એક તરફ સરસ્વતીબેનનો મોરચો અને બીજી બાજુ વેલેન્ટાઈનભાઈનો પક્ષ.
આટલું તો રાજકારણીઓ માટે પણ ચર્ચા વિચારણા નહિ થતી હોય (ચૂંટણી માટે) તેટલી તો આ બન્ને ઉપર દર વર્ષે થાય છે.

આપણા દેશમાં પહેલેથી  ધર્મના નામે જ  દરેક બાબતોનો સ્વીકાર થતો આવ્યો છે. પછી એ તહેવાર હોય કે વ્યવહાર 😉
આપણે નાના બાળકમાં પણ ઈશ્વરનું સ્વરૂપ જોઈએ છીએ. એજ બાળક મોટું થાય પછી, ઈશ્વરને ક્યારેક ફરિયાદ પણ કરીએ છીએ. સૃષ્ટિમાં દરેક જગ્યા એ આપણે ઈશ્વર જ શોધતા રહીએ. હા, વેલેન્ટાઈન નામના સંતને સમર્પિત જ તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. એટલે કહી શકાય કે પૃથ્વી બધે જ ગોળ છે. 😂

પહેલાના સમયમાં  ઘડિયાળ ન્હોતી એટલે ઋતુ પ્રમાણે ખેતી…પ્રસંગો… તહેવાર અને વ્યવહાર થતા.

કહેવાય છે વસંત એટલે પ્રેમની ઋતુ. ચોમાસા પછી વાતાવરણમાંથી ભેજને ભગાડવા શિયાળો આપણું ભેજું બગાડે… એટલે કે ઠંડી પડે. અને ત્યાર પછી ઉનાળાની ગરમી પહેલા શિયાળો બાય બાય કહેતા વાસંતી વાયરાઓ વાતા જાય.

આપણે જેમ લગ્ન કે કોઈ પણ પ્રસંગોમાં મુરત જોઈએ (મુરતિયો નહિ હ)  તેમ પ્રકૃતિ પણ આવા ખાસ પ્રકારના મુરત જોતા હશે. એટલે વસંત અને ફાગણ માં પ્રકૃતિ નો પ્રેમ રાગ અને ફાગ ફેલાય. હવે પ્રકૃતિ પ્રેમરંગે રંગાય એમાં પણ આપણે ઈશ્વર ને ભક્તિ ઘુસાડી દીધા. કારણ કે ઈશ્વર કે આસ્થા વિના આ દેશમાં કોઈના ભાવ ના પુછાય.
(બસ દેશના લોકોની સામાજિક કરતા ધાર્મિક લાગણીઓ વધુ દુભાય.)
માન્યું કે પ્રેમ ને… પ્રકૃતિ ને… કલા, સાહિત્ય, સૌંદર્ય સાથે લગાવ છે એટલે જ સરસ્વતી પૂજા નો પ્રસંગ પ્રયોજયો હશે. પણ પ્રેમ, પ્રકૃતિ, કલા, સાહિત્ય, સૌંદર્યમાં પણ યુદ્ધ થવા લાગે એ તો ખરેખર ગજબનું કહેવાય.

એટલે તમે કરો એ લીલા… ને બીજા કરે એ પાપ.
મતલબ કે વસંત પંચમી એ ભક્તિ, પ્રેમ અને આસ્થા પર્વ અને વેલેન્ટાઈન ડે એટલે ???

હંમેશા મારી લીટી જ લાંબી અને બીજાની ટૂંકી જ કરવામાંથી આપણે ઊંચા નથી આવતા. બસ આપણાંમાં જ દમ… બાકી બધા પાણી કમ.. અમે જ બેસ્ટ બાકી બધા વેસ્ટ.

હા, દેશ માટે દેશની સંસ્કૃતિ અને સભ્યતા માટે ગર્વ અવશ્ય હોવો જોઈએ પણ દ્વેષ ન હોવો જોઈએ. આપણે સાચા છીએ તેમ સાબિત કરવા બીજા ખોટા છે એવી સાબિતિની જરૂરિયાત ખરી ?

વસંતોત્સવ હોય કે પ્રેમોત્સવ… ઉજવણીની  મજા છે… પજવણીની નહિ.

અને જે લોકોને બહુ બધો પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે વાંધો હોય, તેમણે તો વિદેશી પોશાક, ટેકનોલોજી આ બધાનો ત્યાગ કરવો જોઈએ… ઓન્લી સ્વદેશી… ઇઝ ઈટ પોસિબલ ????:'(

-વાગ્ભિ

Advertisements