મારી નજરે મહાદેવ….

જન્મે અને કર્મે મહાદેવનો સાથ મળે તો પછી જિંદગી મજાની જ બની જાય. એટલે કુળ અને મૂળ બન્નેમાં “મહાદેવ”ની પ્રાપ્તિ થઇ એટલે ગુણમાં(કાર્યક્ષેત્ર) તો સંભવિત છે જ.

જન્મસ્થળ જૂનાગઢ અને જૂનાગઢ એટલે બીજું શિવધામ. બાળપણમાં મમ્મી પપ્પા સાથે ત્યાંના લગભગ બધા જ દેવાલયોની વિઝીટ લેવાય ગઈ હતી. પછી પાડોશી સખીઓ સાથે માંગનાથ મંદિરમાં રોજ મહાદેવને મળવાનું થતું. કોલેજકાળ દરમ્યાન હોલીડે પર પણ ભવનાથ તળેટી, ભૂતનાથ, બિલનાથના બહાને બહાર ફરવાનું થતું.

નાનપણમાં માત્ર શોખ માટે શાસ્ત્રીય નૃત્યની તાલીમ શરુ કરી અને વિશારદ સુધી પહુંચી. આજે સંગીતના ક્ષેત્રે પ્રત્યક્ષ તો નહિ પણ પરોક્ષ રીતે સંકળાયેલી છું. અને હવે યોગ સાથે પણ જોડાઈ છું. કહેવાય છે યોગની ઉત્પત્તિ શિવે કરી. આમ તો સૃષ્ટિથી માંડીને નૃત્ય, સંગીત આ બધી કલા અને યોગ એટલે કે શ્રદ્ધા,ભક્તિ અને આધ્યાત્મની ઉત્પત્તિ મહાદેવ દ્વારા જ શક્ય બની.

મહાદેવ પ્રત્યે અંધશ્રદ્ધા નહિ પણ કોઈક જાતનો લગાવ બહુ પહેલેથી મારી સાથે ચાલતો આવે છે. એમાં પણ શિવલિંગ…. આહા..હા….
મૂર્તિરૂપ શિવ કરતા નિરાકાર સ્વરૂપ શિવ વધુ આકર્ષિત કરે. એ પણ કાળા પથ્થરથી બનેલા.

મહાદેવને હું વધુ એક અલગ રીતે મૂલવું છું. પ્રેમના આરાધ્ય….

પ્રેમની વાત આવે એટલે દરેકને સૌ પહેલા શ્રી કૃષ્ણની યાદ આવે, પણ તે પહેલા તો મહાદેવે અલગ જ પ્રેમની પરિભાષા વર્ણવી.

પહેલા તો સતિએ પ્રેમ શું અને પ્રેમ કેમ થાય તે એક જોગી અને યોગી, જે સાંસારિક મુલ્યોથી વિલુપ્તને સન્યાસી એવા મહાદેવને શિખવ્યો પ્રેમ.

પથ્થરને પણ પીગળાવી દે આ પ્રેમ પણ આ પ્રેમે તો સર્જનહાર, દેવોના દેવ મહાદેવને પણ પીગળાવી દીધા. સતિ સાથે પ્રેમ થવો અને વર્ષો સુધી પ્રેમવિરહ પણ ભોગવ્યો. પાર્વતી સ્વરૂપ સતિને ફરી પ્રેમ સ્વરૂપ પામી સાંસારિક સુખો કરતા પ્રેમ અને સંસાર ભોગવ્યો.

પ્રેમી, પતિ, પિતા(કાર્તિક-ગણેશ) અને પરમપિતા(શુભ-લાભના દાદા) તરીકેનો પ્રેમ ખરેખર “મહાદેવ” પાસેથી શીખી શકાય. તો, હવે જયારે પ્રેમ વિશે વિચાર આવે, ત્યારે મહાદેવને પણ શામેલ ચોક્કસ કરજો.

-વાગ્ભિ

છેલ્લે મને ગમતું નિર્વાણ ષટકમ્

image

Advertisements