23/04/2016

Book Review : Totto Chan

તોત્તો ચાન

મૂળ જાપાની લેખિકા : તેત્સુકો કુરોયાનાગી

ગુજરાતી અનુવાદ : રમણ સોની

“સોસાકુ કોબાયાશીની સ્મૃતિને સમર્પિત” 

તોમોએ સ્કૂલ તથા સ્થાપક-સંચાલક આચાર્ય શ્રી સોસાકુ કોબાયાશી વિશે આ પુસ્તકમાં વાત કરવામાં આવી છે. શ્રી કોબાયાશીની શિક્ષણ પ્રવૃતિઓ કેવી અરૂઢ અને કલ્પનાશીલ હતી એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

1937 માં સોસાકુ કોબાયાશી એ પોતાની કલ્પના મુજબની આદર્શ શાળા “તોમોએ સ્કૂલ” સ્થાપી. તેઓ ઈચ્છતા કે બાળકનું વ્યક્તિત્વ બને એટલી સહજતાથી વિકાસ પામે. શિક્ષણના ઘડતર અને ચણતર, શિક્ષણના ઉત્તમ પ્રયોગો તેમજ ભણવા-ભણાવવાની પ્રવૃતિને આમ સાવ જ મુક્ત વાતાવરણને હવાલે કરતી આવી અપરંપરાગત પ્રાથમિક શાળા વિશે વાત વર્ણવી લેવામાં આવી છે. સાચે જ તોમોએ જેવી સ્કૂલ હોય તો બાળકોને ભાર વિનાનું ભણતર લાગે

80’s ની આ બુક ખરેખર આજે પણ જીવંત લાગે. પાંચ વર્ષના બાળકોથી લઈને વયોવૃદ્ધ દરેકને સ્પર્શે .

આ પુસ્તકની શરૂઆત ખાટા-મીઠાં બાળપણથી થાય. તોત્તો ચાન વાંચતા પહેલા તો બાળપણની યાદોમાં ખોવાઈ જવાય. થોડું આગળ વાંચતા એક પેરેન્ટિંગના પાઠ શીખવા મળે. નાની દિકરીના સવાલોના જવાબ માં કેવી જુદી જ રીતે આપે.

ત્યાર બાદ શાળા, શિક્ષણ અને શિક્ષકના મુલ્યો સમજવા મળે. તોમોએ સ્કુલના આચાર્ય શ્રી બાળકને મુક્ત મને વિહરવા ને ખીલવા દે.

જયારે સૌથી પહેલા તોત્તો ચાન આચાર્યને મળે ત્યારે તેઓ માત્ર એટલું કહે કે, તારે જે કહવું હોય તે તું કહી શકે છે, તું થાક નહિ ત્યાં સુધી. સતત કલાકો સાંભળ્યા બાદ પણ તોત્તો ચાન થકી જાય પણ આચાર્ય સાહેબ જરાય ન થાકે. અને પહેલી વાર બાળકને એમ થાય કે કોઈ મને થાક્યા કે કંટાળ્યા વગર સાંભળે છે, બાકી તો બધા ચુપ કરાવી દે છે.

પર્યાવરણ અને પોષણના મુલ્યો “થોડું સમુદ્રમાંથી ને થોડું પહાડમાંથી” એમ ગાતા ગાતા શીખવી જાય.

આવું તો કેટલુય શિક્ષકો ને માતા-પિતા માટે શીખવાનું શીખવી જાય.

વળી, રોકી નામના એક ડોગી સાથે ગાઢ મૈત્રી, તો આ નવી શાળાના નવા બનેલા મિત્રોમાંથી એક ખાસ મિત્રને ગુમાવ્યાનું દુઃખ પણ રડાવી જાય.

જાપાનની થોડી જીવનશૈલી, રીતભાત જોવા મળે. અને 1945 માં ટોકિયો પર થયેલ હવાઈ હુમલા વિશે વાંચતા જ હૃદયદ્રાવક દ્રશ્યો આંખ સામે ઊભા થઈ જાય.

એક સર્જનાત્મક શાળાનું યુદ્ધ દરમ્યાન આકસ્મિક મૌત થાય અને આ પુસ્તક દ્વારા શાળા અને શિક્ષકને અમર કરી દેવામાં આવે.

શાળાની ભણતી એક વિદ્યાર્થીને આ પુસ્તક લખવાનો વિચાર આવે અને બધા જ વાસ્તવિક દ્રશ્યોને લીપી-લાખણો રૂપી વર્ણવવામાં આવે. સાથે ભણતા બધા સહપાઠી મિત્રોના સંપર્કમાં આવી, હાલની તેઓની પ્રગતિ અને પરિચય પણ અંતમાં કરાવે.

આ પુસ્તકમાં બધા જ સ્પંદનો, સંવેદનાઓ, સર્જનાત્મકતાનું વર્ણન થયું છે. ક્યારેક ખુબ હસવું, તો ક્યારેક ખુબ રડવું આવે. ક્યારેક ખુબ દુઃખદ ઘટના તો ક્યારેક ખુશીની અનુભૂતિ થાય.

આ પુસ્તક સત્ય ઘટના પર આધારિત છે. કોઈ કલ્પનામાત્રને સ્થાન નથી. લેખિકા એ તેની અવિસ્મણીય યાદો અંકિત કરી છે. અને જીવનના મુલ્યો દર્શાવ્યા છે.

પુસ્તક પ્રકાશિત થાય તેમાંથી મળતી રોયલ્ટીની રકમથી  જાપાનના બહેરા-મૂંગા બાળકો માટે પહેલું  થિયેટર પણ બનાવવામાં આવ્યું. અને સાચા શૈક્ષણિક મુલ્યોના વાવેતરનું આ પરિણામ હતું.

આ પુસ્તકની નાનકડી છોકરી તોત્તો ચાન એટલે કે તેત્સુકો કુરોયાનાગી જાપાન ટેલિવિઝનની વિખ્યાત કલાકાર તરીકે જાણીતા, યુનિસેફ સંસ્થા દ્વારા સદભાવના દૂત તરીકે નિમાયેલ તેમજ લોકપ્રિય અને વિક્રમસર્જક બેસ્ટ સેલર પુસ્તકની લેખિકા છે.

આ પુસ્તકના હિન્દી અને ગુજરાતીમાં પણ અનુવાદ થયા છે. અને અનુવાદ કરતા એ પણ આ પુસ્તકને દિલ-ઓ-દિમાગમાં ઉતારીને તેને ખુબ સરસ રસપાન કરાવ્યું છે. હા, આ પુસ્તક બહુ ઓછી જોવા મળે છે એવો મારો અનુભવ છે.

મેં એક નહિ પણ ૩ કોપી ખરીદી. એક મારી લાયબ્રેરીમાં, બીજી મારી દિકરીની સ્કૂલમાં ભેટ આપી અને ત્રીજી કોઈને પણ જયારે ભેટ સ્વરૂપે આપવા યોગ્ય લાગે એ માટે રાખેલ છે.

આ પુસ્તક શિક્ષણની શિક્ષા, પેરેન્ટિંગની પરવરીશ અને બાળપણના બિન્દાસ સંસ્મરણો માટે ઉત્તમ છે.

મને આ પુસ્તકથી મારા બાળપણની યાદો તો તાજી થઈ જ પણ સાથે સાથે દિકરીનું બાળપણ માણવું પણ ગમ્યું. અને હવે દીકરીને ક્યારેક પ્રેમથી તોત્તો ચાન કહીને પણ સંબોધી લઉં. આ પુસ્તક મને ખુબ મારી નજીકનું લાગે અને મારું ફેવરીટ.

આજે World Book & Copyright Day પર બેસ્ટસેલર અને પ્રખ્યાત પુસ્તક “તોત્તો-ચાન” વિશે આ વાત. જીવનના અને શિક્ષણના મુલ્યો શીખવતી આજની આટલી રજૂઆત.

vagbhi

Advertisements