જન્મદિવસ. જન્મનો દિવસ. જન્મની મહત્વતા ખુદને અને માતા-પિતાને સૌથી વધુ હોય. પણ જયારે આપણા સંતાનને પણ આપણા જન્મદિવસની મહત્વતા લાગે, ત્યારે સમજાય કે ખરેખર જન્મ સાર્થક થયા. એક નહિ બન્ને. એક પોતાનો અને બીજો માં બન્યા પછીનો.

મારી દિકરીને હવે તો તારીખ યાદ રહે છે, પણ તેમ છતાં મધર્સ ડે હોય એ વીકમાં મમ્માનો બર્થ ડે આવે એમ સમજે. અને ઘણી વખત એમ પણ કહે કે, આપણા બન્નેનો બર્થ ડે વીકમાં બે વખત આવે. મેં મહિનાના બીજા રવિવારે મધર્સ ડે અને એ જ વીકમાં 12 તારીખ. એટલે કે પહેલા માં તરીકે નો બીજો જન્મ દિવસ અને પછી જન્મ લીધાનો દિવસ ઉજવાય. તેવી જ રીતે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર એટલે ડોટર્સ ડે અને એ જ વીકમાં 25 તારીખ એટલે દિકરીનો બર્થ ડે.

આજે જન્મ દિવસની શરૂઆત જીવનચક્ર જેવી જ થઈ. સૌથી પેલ્લા મમ્મી-પપ્પા એ મેસેજથી વિશ કર્યું. ત્યાર પછી મિત્રોના મેસેજ થકી શુભેચ્છાઓ મળી, ત્યાર બાદ પતિદેવ અને દિકરી. છેલ્લે સગા-સંબંધી.
જીવનની શરૂઆત અને સ્થાન મુજબ જ આ વખતે મને ખુબ શુભેચ્છાઓ મળી. સોશ્યલ મીડિયા પર આટલા બધા મિત્રોમાંથી ખાસ કરીને ફેસબુક પર કેલેન્ડર કે નોટીફીકેશન વગર પણ જો મિત્રોને આપણો જન્મદિવસ યાદ રહે છે અને ખાસ શુભેચ્છાઓ પણ પાઠવે તો ખરેખર આપણે સંબંધના સેવિંગ્સ એકાઉન્ટમાં ઘણી થાપણ ભેગી કરી છે એવું ફિલ થાય. તેવી જ રીતે વોટ્સ એપ ગ્રુપમાં એક મિત્રની શરૂઆત પછી લાંબીબીબી લાઈન થાય શુભેચ્છાઓની પણ વોટ્સ એપ પર કોઈ મિત્રની ખાસ યાદ કરીને પર્સનલ બર્થ ડે WISH જોવા મળે તો મિત્રોની મિલકત આપણી પાસે બહુ થોડી પણ વર્ષો વર્ષની છે એવો ગર્વ થાય.

સંબંધોમાં પણ ટૂંકા ગાળા કરતા લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ વધુ સારું અને સાહજિક હોય છે. ઘણા વ્યક્તિ, મિત્ર કે સંબંધોને આપણે ભૂલી નથી શકતા કે ભૂલાતા નથી અને ક્યારેક તો એને લેણાં-દેવી પણ કહીએ છીએ.
વળી, એ પણ જરૂરી નથી કે વિશ કરવા કે ગીફ્ટ આપવાથી જ સંબંધ સાચો ઠરે કે લાંબો ચાલે. પણ જેના માટે આપણો પ્રેમ, સ્નેહ, ગાઢ સંબંધ કે મૈત્રી હોય, તે અને તેની યાદો, ખાસ પળો કેમ ભૂલાય ?

ઘણી વખત ગમે કે, મિત્રો ખાસ યાદ રાખે. અને એક વર્ષ નહિ પણ વર્ષોના વર્ષ. ખાસ યાદ રાખીને મિત્રોએ પાઠવેલી શુભેચ્છા બદલ દિલથી ધન્યવાદ. ખરેખર આ WISHES અને BLESSINGS સાચા અને પ્યારા લાગે જેમાં યાદ રાખવું નથી પડતું, યાદ રહી જાય છે.

ખુદને પ્રેમ કરવો એ નફરત કરવાથી વધુ સરળ છે. કારણ કે, બીજા પર આધાર નથી, જો પહેલા ખુદને પ્રેમ કરતા શીખીએ, તો બીજાને પ્રેમ કરવો પણ એટલો અઘરો નહિ લાગે. એવી જ રીતે જન્મદિવસે બીજા તરફથી મળતી WISHES કે GIFTSની જેમ જો ખુદને અને ખુબ માટે જ WISH કે GIFT આપીએ, તો એ આપણી જાતને આપેલી BEST GIFT કહેવાય.
મારા જન્મદિવસે મેં પણ મારી જાતને ખાસ GIFT અને WISHES આપ્યા. HEALTH અને FITNESS થી વિશેષ ગીફ્ટ બીજી કોઈ નથી. આ આજથી નથી શરૂ થયું, પણ અવિરત અને અકબંધ આ રસ્તે ચાલતા રહેવાની WISH માગી ખુદને મોટીવેટ કરવાનું છે.

માત્ર શારીરિક જ નહિ, પણ માનસિક ટોનિક અને સ્વાસ્થ્ય પણ જરૂરી છે. આપણે માત્ર શારીરિક જ સ્વાસ્થ્ય વિશે વિચારીએ અને સમજીએ છીએ.અને તેના માટેના જ પ્રયાસો કરતા રહીએ છીએ. પણ મનનું શું ?
અત્યાર સુધી  હું માત્ર વક્તા ને શ્રોતા જ હતી. હવે, સારા વાચક બનવાનો પણ પ્રયાસ આરંભ થઈ ચુક્યો છે. છુટું છવાયું જે આવ્યું તે ઘણું વાચ્યું પણ હવે ખાસ લેખકોની યાદી, વિષયોની યાદી બનાવી બુક રીડ કરવાનો આનંદ જ કઈ ઓર છે. પહેલા વર્ષમાં એકાદ બુક વંચાઈ જતી. પણ આ વર્ષ એટલે કે ગયા મેં મહિનાના મારા જન્મદિવસથી શરૂ કરીને આજના દિવસ સુધીમાં લગભગ ૧૦૦ પુસ્તકો મેં વાંચી લીધી હશે.

મને વાચકના ચાહક બનાવવા પાછળ ઘણા લોકો(મિત્રો)ના પ્રયાસ અને પ્રોત્સાહન રહ્યા છે. અને તેમને હું નિરાશ તો નહિ જ કરું એવું ખુદને પ્રોમિસ કરી ચુકી છું. સારા વાચક બન્યા પછી વધુ સારા વક્તા અને શ્રોતા બની શકાય એ વાતનો મેં અનુભવ પણ કર્યો.

જેમ શારીરિક સ્વાસ્થ્ય જરૂરી તેમ માનસિક તરોતાજગી પણ જરૂરી. એકવાર મેં જ એક કાર્યક્રમમાં કહેલી વાત કે દરરોજ જેમ કલાક ટીવી કે મોબાઈલ જોવાનું તેમ કલાક કાઢી ને બુક પણ વાંચવી.

જન્મ એટલે સર્જન અને જન્મ દિવસ એટલે નવસર્જન. દર વર્ષે જન્મ દિવસ જીવનનું નવસર્જન કરવા તેમજ વિતેલી પળોનું વિસર્જન કરવા માટે જ કદાચ આવતો હશે.

”ખુદથી ખુશ થઈએ તો ખુદા મળી જાય.”

Vagbhi 🙂

Advertisements