​સપ્ટેમ્બરના બીજા રવિવારે “ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે” ની ઉજવણી કરવામાં આવે છે.


મારી દીકરીની સ્કૂલમાં ખાસ વડીલો માટેનો કાર્યક્રમ ગોઠવાયો.
મારી મૂંઝવણ ત્યારે વધી કે આ કાર્યક્રમમાં મારી દીકરીને સ્પીચ તૈયાર કરવાની હતી. 
એક વાતનું દુઃખ હતુ ને બીજી વાતની ખુશી….
દુઃખ એટલાં માટે કે મે મારા કોઈ ગ્રાન્ડ પેરેન્ટ્સ ને જોયા જ નથી. હા, નાની હતાં પણ મારી ૩ કે ૪ વર્ષની વયે એ પણ ના રહ્યાં. એટ્લે બહુ એવું યાદ પણ નથી. 
અને ખુશીની વાત એ કે મારી દિકરીને એનાં નાનુ- બા વગર એક દિવસ ન ચાલે. મહિનામાં એકાદ વાર તો પાટવડી ને અમુક બા સ્પેશ્યલ વાનગીઓનુ લિસ્ટ એમણે બા પાસે મુકી જ દીધું હોય. કોઇપણ નવી જાહેરાત આવે એટ્લે નાનુને લઇ આવવાનું લિસ્ટ ભેગુ થાય. હું મારા કાર્યક્રમમાં ક્યાંક બીઝી હોવ ત્યારે ખાસ બહાર જવાનું પ્લાનિંગ થાય નાનુ-બા સાથે.
લાગણી કહો કે મજબૂરી પણ બાળપણથી મારી દીકરીને દરરોજ એનાં નાનુ-બા ના ઘરે જવાની ટેવ. અને એનાં માટે એ બધુ કરી જવા તૈયાર.
બન્ને તરફ એવી લાગણી જોઈને ક્યારેક ખુશી, તો ક્યારેક ઈર્ષા ને ક્યારેક ચિંતા પણ થાય. 
સ્પીચ લખવા માટે હું સાવ ખાલી હતી કારણ કે મારો તો કોઈ ખાસ અનુભવ હતો નહીં…. છેવટે દીકરીનો અનુભવ અને લાગણી જાણવાની કોશિશ કરી. એનાં યાદગાર પ્રસંગોને સાંભળીને એટલું સમજાયું કે કેટલાં જરૂરી છે આ ગ્રાન્ડ પેરેન્ટ્સ….
બાળકના છે (સૌથી સારા ) સખા- મિત્ર,

જોયેલા જેમણે જીવનના બધા ચિત્ર.

ક્યારેક વડીલ તો થઈ જાય ખુદ બાળક,

કરતાં વર્તન ક્યારેક વિચિત્ર…
વિવિધ ભારતી પર એક વખત પ્રોગ્રામ કરેલો “ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે” સ્પેશ્યલ. ત્યારે શ્રોતાઓના મંતવ્યો જાણીને, તેમની રસપ્રદ વાતો સાંભળીને ખરેખર પ્રોગ્રામ યાદગાર પ્રસંગ જેવો બની ગયો હતો.
એટ્લે આવા પ્રયોગો તો થતાં રહે છે. 
મે એક વખત લખ્યું હતુ “જનરેશન ગેપ”

જે ખરેખર ગેપ પેલ્લી અને ત્રીજી પેઢી વચ્ચે છે જ નહીં. એ તો માત્ર સાંકળ છે પેલ્લી અને બીજી પેઢીને જોડતી રાખવા. ખરેખર જોઈએ તો પેરેન્ટ્સ નાં લીધે બન્ને જોડાઇ શકે છે. પણ આ ત્રીજી પેઢી એને જોડતી રાખે છે. એટ્લે આ સાંકળનાં લીધે સેતુ જળવાઈ રહે છે. 
કહેવાય છે મુદ્દલ કરતાં વ્યાજ વ્હાલું…

પણ હું વધુમાં ઉમેરીશ કે

સંતાનો તો માં-બાપને સન્માન અપાવે, પણ એનાથી વિશેષ ખુશી ત્યારે થાય જ્યારે પૌત્ર-પૌત્રી કે દૌહિત્ર-દૌહિત્રિ એમનાં દાદા-દાદી કે નાના-નાની માટે નાનું પણ એવું યોગદાન આપે. (અને કદાચ આ જ સોલ્યુશન છે) પેઢીઓ વચ્ચેનો અંતર ઓછો કરવાનો સૌથી ઉત્તમ રસ્તો.

#vagbhi

Advertisements