​૨૫ ડીસેમ્બર, મારા પપ્પાનો જન્મદિવસ. આ દિવસે ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ અને પશ્ચિમી દેશમાં સાન્તા ક્લોઝનું આગમન. બસ, આવા જ કઈક છે મારા પપ્પા. મારા પપ્પા મારા માટે સાન્તા ક્લોઝથી કમ નથી. આજ સુધીમાં એવું નથી બન્યું કે મેં જે માંગ્યું હોય ને મને મળ્યું ન હોય. એનાથી વિશેષ મારી દિકરીના પણ સાન્તા. મેં બાળપણમાં મારા નાના ને જોયા નથી. પણ મારી દીકરી આ વડીલ વેલો ને વ્હાલ માણે છે. 

ખરેખર આ વાત ગમી કે પિતા વિશે પણ કોઈક પૂછે છે ખરું… 

સંતાનના ઉછેરમાં માં અને પિતા બન્ને નો એટલો જ ફાળો હોય છે. મારા મતે બન્ને સરખા જ છે. બાળપણથી જ મને પિતા માટે ખૂબ જ લાગણી. મારા અને પપ્પાનું ટ્યુનીંગ પણ એવું જ. મારા માટે મારી લાઈફમાં પપ્પાનું સ્થાન સૌથી પહેલું આવે. 

મને યાદ છે પપ્પા રોજ સ્કૂલે મુકવા અને લેવા આવતા. ગમ્મે તેટલી ટાઢ, તડકો કે વરસાદ કોઈ જ પપ્પાને ન નડે. મારા સ્કૂલથી  લઈને કોલેજ સુધી પપ્પા હંમેશા મારી સાથે જીવ્યા છે એમ કહું તો ચાલે. મમ્મી એ તો કદાચ મારી કોઈક સ્કૂલ કે કોલેજ જોયા પણ નહિ હોય. સ્કૂલમાં એડમીશનથી લઈ પરિણામ સુધી પપ્પા જ સાથે હોય. હું ધોરણ ૧૦માં હતી ત્યારે સવારે ૪ વાગ્યે વાંચવા ઉઠાડવાનું કામ મારા પપ્પાનું, પ્રેમથી ચા બનાવી આપે અને થર્મોસમાં ભરી પણ રાખે. બાળપણમાં ઉઠાડવાથી લઈને ચા બનાવી આપવાનું કે ન્હાવા માટે પાણી ગરમ કરી આપવાનું કામ પપ્પાનું. લગ્ન થયા ત્યાં સુધી પપ્પા જ મને ઉઠાડે અને મારા માટે પ્યાલો ભરીને ચા ડાઇનિંગ ટેબલ પર તૈયાર રાખે. મારા પપ્પા ચા ખુબ સરસ બનાવે. ક્યારેક ઘરે જાવ ત્યારે વધેલી ચા હોય તો ચોક્કસ પી ને જ આવું.

ઘરમાં કોઈપણ વસ્તુ લેવાની હોય મારી ચોઈસથી પપ્પા જલ્દી સહમત થાય. એટલે મમ્મી કે ભાઈને પણ મારુ કામ પડે. આજે પણ કોઈપણ સારી કે નરસી વાત હોય પહેલા પપ્પા મને ને હું એમને જ કહીએ. મારા અને મમ્મીના વિચારો સાવ જુદા એટલે અમારા વચ્ચે ક્યારેક મધ્યસ્થીનું કામ પપ્પા કરે. 

દરેક છોકરી બાળપણથી તેના પપ્પાને જોતી આવે. એટલે ભવિષ્યમાં પણ ક્યાંક ને ક્યાંક એના પતિમાં એકાદ એવા ગુણ શોધવાની કોશિશ કરે. મારી દીકરી અને એના પપ્પાનું પણ આવું જ મળતું આવે. સવારે મારે યોગ શીખવવા જવાનું એટલે મારી દીકરીની સવારની બધી જવાબદારી એના પપ્પા જ સંભાળે. એ બહાને પપ્પા અને દીકરીને થોડો સમય મળે સાથે રહેવાનો. 

મારા ઘરમાં બધા સરખા. મને યાદ નથી કે પપ્પાએ મારી પાસે કોઈ દિવસ પાણી પણ માંગ્યું હોય. ઓર્ડર કરવાનો એમનો સ્વભાવ જ નહિ. રસોડામાં પણ પપ્પા મમ્મીને હમેશા મદદરૂપ બને. અને ચા તો ઘરમાં પપ્પા જ વર્ષોથી બનાવે. લગ્ન પછી પણ આ પ્રથા મારા ઘરમાં ચાલે છે. ચા મારા પતિદેવના હાથની જ પીવી ગમે. હું ખુબ નસીબદાર છું કે સવારમાં ચાનો કપ આજે પણ ટેબલ પર તૈયાર રહે છે. બસ પપ્પા જેવા જ કેરીંગ પતિ મળ્યા છે. 

મારા પપ્પાની એક ખાસિયત કે કોઈપણ વાત કહો એટલે જોઈશું એમ ક’હે . સમય આવ્યે એ અમલમાં પણ મુકે, ત્યાં સુધી આપણને ઉચાટ થયા કરે. મારા લાવ મેરેજ પછી પપ્પાને એક કાગળ લખ્યો હતો અને એ આજ સુધી પપ્પા એ સાચવી રાખ્યો છે. મારા પપ્પા અને પતિદેવ બન્નેનો સ્વભાવ સરખો. એટલે હું એમને ક્યારેક સીનીયર અને જુનિયર કહીને બોલવું. તો મારી દીકરી એને જય અને વીરુ કહીને બોલાવે. બન્નેને એક બીજા સાથે વધુ બને. 

હું ઘણી વખત કહું છું મારે એક નહિ બે માં છે. મારા પપ્પાનો સ્વભાવ એવો જ લાગણીશીલ અને મારા માટે વધુ ઓવર પ્રોટેક્ટીવ. કોલેજકાળમાં મિત્રો સાથે સાંજે ક્યારેક મોડું થઈ જાય તો ચિંતા કરતા ઘરના બારણે ઊભા હોય. આજે લગ્નના ૧૨ વર્ષ પછી પણ વહેલી સવારે આકાશવાણીમાં ડ્યુટી કરવા જાઉં ત્યારે મારો અવાજ રેડિયોમાં એકવખત સંભાળી મારા પહોચ્યાની ખાતરી કરી લે.  

હા, ઘણી વખત ગુસ્સો કરી લે, હું એમના પર ગુસ્સો કરી લઉં. પણ હા, ૨૪ કલાક પણ એક બીજા વગર ચાલે નહિ. હું આ લખી રહી છું ત્યારે પણ આંખમાંથી આંસુ આવે છે, અને એ પણ ખાતરી કરું છું કે પપ્પા વાંચશે ત્યારે એમના આંખમાં પણ આંસુ હશે. બીગ થેન્ક્સ આપના વિષયને કે જૂની વાતો તાજી થઈ. ક્યારેક માં-બાપની લાગણીને ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ. પણ જેમ જૂના ફોટોગ્રાફ્સ જોઇને સંબંધો સુધરે, લાગણી વિસ્તરે, તેમ આવા સંસ્મરણો વાગોળવાથી પણ ચોક્કસ ફેર પડે, અને સંવેદનાના સ્પંદનો વિકસે.

વાગ્ભિ   

Advertisements